રશિયા સામે IOCના કડક પગલાં, યુક્રેન હુમલાને લઈને રશિયન ઓલિમ્પિક સમિતિ સસ્પેન્ડ કરાઈ

ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC)એ જણાવ્યું હતું કે, યુક્રેન સાથે જોડાયેલા ચાર પ્રદેશોના પ્રાદેશિક રમત સંગઠનોને માન્યતા આપવા માટે રશિયા ઓલિમ્પિક કમિટી (ROC)ને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવી છે. IOCએ ગુરુવારે ઉમેર્યું હતું કે ROC એ લુહાન્સ્ક, ડોનેસ્ક, ખેરસન અને ઝાપોરિઝિઝયાના પ્રદેશોમાંથી ઓલિમ્પિક કાઉન્સિલને માન્યતા આપ્યા પછી કોઈપણ ભંડોળ માટે પાત્ર રહેશે નહીં, પરંતુ તે તટસ્થ તરીકે સ્પર્ધા કરતાં કોઈપણ રશિયન રમતવીરોને અસર કરશે નહીં.

આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સંઘે રશિયન ઓલિમ્પિક સમિતિને સસ્પેન્ડ કરી દીધી છે. રશિયા પર પૂર્વ યુક્રેનના ચાર પ્રદેશોમાં રમતગમત સંસ્થાઓને સામેલ કરીને ઓલિમ્પિક ચાર્ટરનું ઉલ્લંઘન કરવાનો આરોપ છે. આઈઓસીના પ્રવકતા માર્ક એડમ્સે જણાવ્યું કે, 5 ઓક્ટોબરે રશિ.ન ઓલિમ્પિક સમિતિનું પગલું યુક્રેનિયન ઓલિમ્પિક સંસ્થાની પ્રાદેશિક અખંડિતતાનું ઉલ્લંધન કરે છે.

તમને જણાવી દઈએ કે યુક્રેનના વડાપ્રધાન ડેનિસ શ્મિહલે થોડા સમય પહેલા જાહેરાત કરી હતી કે જો રશિયન અને બેલારુસિયન ખેલાડીઓને 2024માં પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવશે તો તેઓ આ ગેમ્સનો બહિષ્કાર કરશે. રશિયા દ્વારા કરવામાં આવેલા હુમલાનો ઉલ્લેખ કરીને તેણે ઓલિમ્પિક એસોસિએશનને રશિયાને સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી.

રશિયન ઓલિમ્પિક સમિતિએ આ નિર્ણયને અવ્યવહારુ અને રાજકીય પ્રેરિત ગણાવીને ફગાવી દીધો છે. ફેબ્રુઆરીમાં મોસ્કોએ યુક્રેન પર આક્રમણ કર્યા બાદ IOCએ શરુઆતમાં રશિયા અને બેલારુસને આંતરરાષ્ટ્રીય રમતગમતના કાર્યક્રમો પર પ્રતિબંધ મૂક્યો હતો. જોકે આ વર્ષના માર્ચમાં IOCએ ભલામણ કરી હતી કે સ્પોર્ટ્સ ફેડરેશનો રશિયનો અને બેલારુસિયનોને ધ્વજ, પ્રતીક અથવા રાષ્ટ્રગીત વિના વ્યક્તિગત ઈવેન્ટ્સમાં તટસ્થ રમતવીર તરીકે પાછા ફરવાની મંજૂરી આપે. આઈઓસીએ જણાવ્યું હતું કે સરકારના કાર્યો માટે ખેલાડીઓને સજા ન થવી જોઈએ.