વિસનગર નગરપાલિકા જનતાને અપાવશે હરાયા ઢોરના ત્રાસથી મુક્તિ; કરી મોટી કાર્યવાહી

વિસનગર: રાજ્ય સરકારે હારાયા ઢોરોના ત્રાસથી મુક્તિ અપાવવા માટે ગાઈડલાઈન બહાર પાડી છે. અમદાવાદ શહેર સહિત રાજયના તમામ આઠ મ્યુનિસિપલ કોર્પોરેશનો અને બધી 157 નગરપાલિકાઓને રખડતા ઢોરનો ત્રાસ અટકાવા અને નિયંત્રણ માર્ગદર્શિકા-2023ની અમલવારી માટે રાજય સરકાર દ્વારા કડક નિર્દેશો જારી કરી દેવાયા છે. ઉલ્લેખનિય છે કે, હારાયા ઢોરોના કારણે અત્યાર સુધી અનેક લોકો પોતાના જીવ ગુમાવી ચૂક્યા છે. તેવામાં આ સમસ્યાને દૂર કરવા માટે સરકારે કડક પગલા ભરવા આદેશ આપી દીધા છે. આ જ સિલસિલામાં વિસનગર નગરપાલિકાએ હરાયા ઢોરોને પકડવાને લઈને મોટી કાર્યવાહી કરી રહી છે.

વિસનગરના ગૌરવપંથ પર ગાયો અને આખલાઓનું ત્રાસ ખુબ જ પ્રમાણમાં વધી જતાં અંતે વિસનગર પાલિકાએ શુક્રવારે તમામ પ્રકારના હરાયા ઢોર પકડવાની કામગીરી હાથ ધરી હતી. વિસનગર પાલિકાએ આ દરમિયાન ઢોર પકડનાર એજન્સીની મદદ પણ લીધી હતી. આ દરમિયાન ગૌરવપંથ, મહેસાણા ચોકડી તેમજ શહેરના રાજમાર્ગો ઉપર ફરતી ગાયોને પકડીને આદર્શ વિદ્યાલયની સામે આવેલા ઢોર પુરવાના ડબ્બામાં 28 ગાયો પુરી દીધી હતી.

આ ગાયને છોડાવવા આવેલા ગાયના માલિકને પાંચ હજાર રૂપિયા દંડ ફટકાર્યો હોવાની જાણકારી પાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર સંદિપ પટેલે આપી હતી. આ દરમિયાન એવી માહિતી પણ સામે આવી રહી છે કે, વિસનગર નગરપાલિકાએ પાછલા બે મહિનામાં 130થી વધારે ગાયોને પકડીને પાંજરાપોળ ખાતે મોકલી આપી છે.

શુક્રવારે નગરપાલિકાએ કરેલી કાર્યવાહી દરમિયાન કુલ 28 ગાયો પકડવામાં આવી હતી, જેમાંથી માત્ર એક ગાયને તેનો માલિક પાંચ હજાર રૂપિયા ભરીને છોડાવી ગયો હતો. જ્યારે અન્ય તમામ 27 ગાયોને અમદાવાદ ખાતે આવેલ પાંજરાપોળમાં મોકલાવી આપી હતી.

આમ વિસનગર નગરપાલિકાની કડક કાર્યવાહીના કારણે ગાય માલિકોમાં ડરનો માહોલ બનેલો છે. તો બીજી તરફ જાહેર જનતાને હરાયા ઢોરના ત્રાસમાંથી મુક્તિ મળી છે.

આ પણ વાંચો-ભારત Vs પાકિસ્તાન: દર્શકોની સ્ટેડિયમમાં એન્ટ્રી શરૂ; રોમાંચક મુકાબલા પહેલા જાણો મહત્વપૂર્ણ જાણકારી