બાબાર આઝમની આગેવાની હેઠળની પાકિસ્તાની ટીમન ક્રિકટ વર્લ્ડ કપમાં ભારત સામેની મેચમાં સાત વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 14 ઓક્ટોબરના રોજ રમાયેલી મેચમાં પાકિસ્તાનની ટીમ 42.5 ઓવરમાં 191 રનમાં સમેટાઈ ગઈ હતી.
જવાબમાં ભારતે 31મી ઓવરના ત્રીજા બોલ પર લક્ષ્ય હાંસલ કરી લીધી હતું. વર્તમાન વર્લ્ડ કપમાં ભારતીય ટીમનો આ સતત ત્રીજો વિજય હતો. હવે ભારતનો મુકાબલો 19 ઓક્ટોબરે પુણેમાં બાંગ્લાદેશ સામે થશે.
હાર બાદ પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમનું દર્દ સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. બાબરે હાર માટે બેટ્સમેન અને બોલરોને જવાબદાર ગણાવ્યા હતા. બાબર આઝમે કહ્યું કે, અમે સારી શરુઆત કરી અને શાનદાર ભાગીદારી કરી. હું અને રિઝવાન નેચરલ ક્રિકેટ રમવા માંગતા હતા. અમે 280-290નો ટાર્ગેટ રાખવા માગતા હતા. અમે નવા બોલ સાથે અપેક્ષા મુજબનું પ્રદર્શન કરી શક્યા નહીં. રોહિત જે રીતે રમ્યો, તે ખૂબ જ સારી ઈનિંગ હતી. અમે માત્ર વિકેટ લેવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે થઈ શક્યું નહીં.
ભારતીય ક્રિકેટ કેપ્ટન રોહિત શર્માએ જીત બાદ કહ્યું કે, આજે પણ બોલરોએ જ અમારા માટે રમત બનાવી છે. મને નથી લાગતું કે તે 190 રન બનાવવાની પિચ હતી. એક સમયે અમે 280 રન જોઈ રહ્યા હતા. બોલરોએ જે રીતે ધીરજ બતાવી તે ઘણું બધું કહી જાય છે. આ અમને ગર્વ છે. અમારી પાસે 6 ખેલાડીઓ છે જે બોલિંગમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. કેપ્ટન તરીકે મારું કામ ત્યાં પણ મહત્ત્વનું છે.