- જ્ઞાન સહાયક મુદ્દે દાંડીથી શરૂ થયેલ આમ આદમી પાર્ટીની યુવા અધિકાર યાત્રા ગાંધીનગર પહોંચી, ગાંધીનગરમાં જંગી સભા યોજાઈ.
- જ્ઞાન સહાયક મુદ્દે દાંડીથી નીકળેલી યુવા અધિકાર યાત્રા ગાંધીઆશ્રમ ખાતે પહોંચી.
- મહાત્મા ગાંધીજીનો આશીર્વાદ લઇ જ્ઞાન સહાયક મુદ્દાની લડાઈને વધુ મજબૂત કરવાનો આમ આદમી પાર્ટીએ સંકલ્પ લીધો.
- જ્યાં સુધી સરકાર તરફથી કાયમી ભરતીની જાહેરાત કરવામાં નહીં આવે ત્યાં સુધી અમારી લડાઈ ચાલુ રહેશે: યુવરાજસિંહ જાડેજા
- જે કંપનીઓને આઉટસોર્સિંગનો કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે, તે સરકારના મળતીયાઓની કંપનીઓ હોય છે: ચૈતર વસાવા
- યાત્રા શરુ કરતી વખતે અમે સંકલ્પ કર્યો હતો કે, જ્ઞાન સહાયકના કાયદાને રદ કરાવીશું અને યુવાનોને કાયમી નોકરી અપાવીને રહીશું: યુવરાજસિંહ જાડેજા
- સરકાર લગભગ ૧૮ હજારથી વધુ પગાર આપતી હોય છે પરંતુ આ કોન્ટ્રાક્ટ પર કામ કરવાવાળી કંપની 11 થી 12000 રૂપિયા જ યુવાનોને આપે છે અને એમનું શોષણ કરે છે: ચૈતર વસાવા
- જ્ઞાન સહાયક યોજના રદ કરવામાં નહીં આવે તો ભાજપના 156 ધારાસભ્યોને ઘર સહાયક બનાવી દઈશું: યુવરાજસિંહ જાડેજા
- જો આપણે આ યોજનાની રોકવામાં નિષ્ફળ રહીશું તો આવનારા સમયમાં પોલીસની ભરતી પણ આ જ રીતે થશે: ચૈતર વસાવા
- જ્ઞાન સહાયકની જે સમસ્યા ઊભી થઈ છે એનું કારણ પણ રાજકારણ છે અને એનો ઉપાય પણ રાજકારણ છે: યુવરાજસિંહ જાડેજા
- આવનાર દિવસોમાં શાળાઓ ખાનગી કંપનીઓને આપી દેવાની તજવીજ ચાલી રહી છે: ચૈતર વસાવા
- ગુજરાતના શિક્ષણને ખતમ કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે: મનોજ સોરઠીયા
- જો સરકારને જ્ઞાન સહાયક યોજના યોગ્ય લાગતી હોય, તો ગુજરાતને પણ મુખ્યમંત્રી સહાયક યોજના જોઈએ છે: ઉમેશ મકવાણા
- ભાજપ સરકાર હંમેશા યુવા વિરોધી માનસિકતાવાળી સરકાર રહી છે: પ્રવીણ રામ
- ભાજપએ સાંભળી લેવું જોઈએ કે એમની સત્તા કાયમી નથી: કરસનબાપુ ભાદરકા
ગાંધીનગર: આમ આદમી પાર્ટીના યુવા નેતા યુવરાજસિંહ જાડેજા અને ધારાસભ્ય ચૈતર વસાવાની અધ્યક્ષતામાં જ્ઞાન સહાયક મુદ્દે દાંડીથી નીકળેલી યુવા અધિકાર યાત્રા આજે ગાંધીનગર ખાતે પહોંચી હતી. ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે હજારોની સંખ્યામાં યુવાનો અને ખાસ કરીને ટેટ ટાટ પાસ કરનાર યુવાનો હાજર હતા. સત્યાગ્રહ છાવણી ખાતે આમ આદમી પાર્ટીએ એક જંગી જનસભા નું આયોજન કર્યું હતું. તેમાં સમગ્ર ગુજરાતમાંથી આમ આદમી પાર્ટીના પ્રદેશના પદાધિકારીઓ, જિલ્લા અને તાલુકા તથા શહેરના પદાધિકારીઓ સહિત હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત હતા. ગાંધીનગરમાં જાહેર સભા બાદ તમામ યુવાનો તથા આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ અમદાવાદના ગાંધીઆશ્રમ ખાતે પહોંચ્યા હતા અને મહાત્મા ગાંધીજીના દર્શન કરીને જ્ઞાન સહાયકની લડાઈ માટે આશીર્વાદ મેળવ્યા હતા.
ગાંધીનગરમાં આયોજિત જનસભામાં આમ આદમી પાર્ટીના યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ યુવાનો સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, અમે એ સંકલ્પ લઈને આ યાત્રા શરૂ કરી હતી કે, જ્યાં સુધી સરકાર તરફથી કાયમી ભરતીની જાહેરાત કરવામાં નહીં આવે ત્યાં સુધી અમારી લડાઈ ચાલુ રહેશે. ગાંધીજીએ દાંડીને ભૂમિ પરથી ચપટી મીઠું ઉપાડ્યું હતું ત્યાંથી અમે ચપટી માટી લઈને આ યાત્રાની શરૂઆત કરી હતી અને એ દરમિયાન સંકલ્પ લીધો હતો કે જ્ઞાન સહાયકના કાયદાને રદ કરાવીશું અને યુવાનોને કાયમી નોકરી અપાવીને રહીશું. આ યોજના રદ કરવામાં નહીં આવે તો ભાજપના 156 ધારાસભ્યોને એમને ઘર સહાયક બનાવી દઈશું.
આ યુવા અધિકાર યાત્રામાં જે લોકોએ સહયોગ આપ્યો છે એ તમામ લોકોનો હું આભાર માનું છું. આદિવાસી સમાજે અમને ખૂબ જ પ્રેમ આપ્યો. ચૈતરભાઈ વસાવા એક ધારાસભ્ય છે અને તેઓ છેક દાંડીથી ગાંધીનગર સુધી ચાલીને આવ્યા છે, એમના માટે હું એ જ કહીશ કે આખા ગુજરાતને આવા ધારાસભ્યની જરૂરત છે. જે લોકો યુવાનોની સાથે ઊભા રહેશે યુવાનો પણ એમની સાથે હંમેશા ઉભા રહેશે. આજે જ્ઞાન સહાયકની જે સમસ્યા ઊભી થઈ છે એનું કારણ પણ રાજકારણ છે અને એનો ઉપાય પણ રાજકારણ છે. જે લોકો આજે પોતાની જાતે ડબલ એન્જિન કહે છે એમાંથી એક એન્જિનને ઘરે બેસાડી દેશો તો એમને ખ્યાલ આવી જશે. આ કાર્યક્રમ પછી આ યોજનાના વિરુદ્ધમાં આપણે જે ભવિષ્યનું આયોજન કર્યું છે તેની કોઈ કલ્પના પણ નહીં કરી હોય. આવનારા સમયમાં વધુ કાર્યક્રમની જાહેરાત કરવામાં આવશે.
આ પણ વાંચો-રાજ્યમાં હોટલ-સ્પાની આડમાં ચાલતા દેહ વ્યાપારને બંધ કરાવાશે: હર્ષ સંઘવી
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ યુવાનો સમક્ષ વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, જે કંપનીઓને આઉટસોર્સિંગનો કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે, તે સરકારના મળતીયાઓની કંપનીઓ હોય છે. સરકાર આઉટસોર્સિંગના કર્મચારીઓ માટે સરકાર લગભગ 18 હજાર જેટલો પગાર આપતી હોય છે, પરંતુ આ કોન્ટ્રાક્ટ પર કામ કરવાવાળી કંપની 11 થી 12000 રૂપિયા જ યુવાનોને આપે છે અને એમનું શોષણ કરે છે. આવનાર દિવસોમાં પણ આ જ રીતે શિક્ષકોનું શોષણ કરવા માટે ભાજપ સરકાર જ્ઞાન સહાયક યોજના લઈને આવી છે. આજે કરાર આધારિત ભરતી આરોગ્ય શાખામાં કરવામાં આવી છે, એના કારણે વ્યારાની સિવિલ હોસ્પિટલ ખાનગી કંપનીને સોંપી દીધી છે. આજે દાહોદની હોસ્પિટલ ખાનગી કંપનીને આપી દેવાઇ છે.
આજ રીતે અનેક જિલ્લાઓમાં કરાર આધારિત ભરતી કરીને હોસ્પિટલો ખાનગી કંપનીઓને સોંપી દેવાઇ છે. આ લોકોનો આવો જ મનસુબો છે કે શિક્ષકોની કરાર આધારિત જ્ઞાન સહાયક યોજનામાં ભરતી કરીને આવનાર દિવસોમાં શાળાઓ ખાનગી કંપનીઓને આપી દેવાની તજવીજ ચાલી રહી છે. જો આપણે આ યોજનાની રોકવામાં નિષ્ફળ રહીશું તો આવનારા સમયમાં પોલીસની ભરતી પણ આ જ રીતે થશે. આ લડાઈ ફક્ત શિક્ષકોની નથી આ લડાઈ દેશમાં જે ખાનકીકરણ થઈ રહ્યું છે અને યુવાનોનું શોષણ થઇ ગયું છે તેના વિરુદ્ધ છે. આનો સૌથી મોટું નુકસાન આદિવાસી સમાજના બાળકોને થવાનું છે. આવનારા સમયમાં સરકારના તમામ કાર્યક્રમનો અમે બહિષ્કાર કરીશું.
આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ યુવાનો સમક્ષ પોતાની વાત રજૂ કરતાં જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા દિવસથી સતત દાંડી થી ગાંધીનગર સુધી યાત્રા કરીને આવ્યા છીએ અને આ દરમિયાન 12 જિલ્લામાંથી યાત્રા પસાર થઈ અને અનેક મુશ્કેલીઓ વચ્ચે પણ આ યાત્રાને અહીં પહોંચાડનાર તમામ ભાઈઓ અને બહેનોને હું સલામ કરી છું. હવે તમામ યુવાનોએ નક્કી કરવાનું છે કે આ મુકામે પહુંચેલી આપણી આ લડાઈ ને આગળ ક્યાં સુધી લઈ જવી છે.
યુવરાજસિંહ જાડેજા અને ચૈતર વસાવાએ યાત્રાને અહીંયા સુધી પહોંચાડી પરંતુ આ લડાઈ ફક્ત એમની નથી, આ લડાઈ હજારો લાખો યુવાનોની છે. ગુજરાતના શિક્ષણને ખતમ કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે જેમાં 11 મહિના માટે શિક્ષકને નોકરી આપવામાં આવે છે. આજે ગુજરાતમાં શાળાઓ બંધ કરવાની માનસિકતા વાળી સરકાર ગુજરાતમાં રાજ કરી રહી છે. આપણે ગુજરાતના ભવિષ્ય માટે એક નિર્ણય લેવાનો છે અને નવરાત્રીના સમયમાં આપણે માતાજીને પ્રાર્થના કરીએ છીએ કે આજે આપણે જે પણ સંકલ્પ લઈશું તેને માતાજી પોતાની શક્તિથી પૂરો કરવામાં મદદ કરે.
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ યુવાનો સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, જો સરકારને જ્ઞાન સહાયક યોજના યોગ્ય લાગતી હોય તો ગુજરાતને પણ મુખ્યમંત્રી સહાયક યોજના જોઈએ છે. આપણે સૌ જ્ઞાન સહાય યોજના વિરુદ્ધ લડી રહ્યા છીએ અને જ્યાં સુધી આ યોજનાને બંધ કરીને શિક્ષકોની નોકરી કાયમી નહીં કરે ત્યાં સુધી આપણે આંદોલન ચાલુ રાખીશું. આપણે જો આપણી બધી સમસ્યાઓનું સમાધાન લાવવું હોય તો બે ગુજરાતી લોકોને પાછા ગુજરાતમાં લાવવા પડશે અને એના માટે 2024માં આપણે સૌએ ભેગા મળીને ભાજપને ઘર ભેગી કરવી પડશે.
આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપપ્રમુખ પ્રવીણ રામે પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ભાજપ સરકાર હંમેશા યુવા વિરોધી માનસિકતાવાળી સરકાર રહી છે. પહેલા આ સરકારે કાયમી નોકરીને બંધ કરીને ફિક્સ પગારનો કાયદો લાવ્યા. પછી કોન્ટ્રાકટ પદ્ધતિ લાવ્યા અને પછી આઉટસોર્સિંગની પદ્ધતિ લાવ્યા. હાલ સરકાર જ્ઞાન સહાયક નામની યોજના લાવી છે, તો ધારાસભ્ય સહાયક અને સાંસદ સહાયક યોજના કેમ નથી લાવતી? આપણે જે ઉંધી દાંડી યાત્રા શરૂ કરી એ ઊંધી એટલા માટે કરી છે કારણ કે સરકારના ઉંધા નિર્ણયો વિરુદ્ધ આપણે ઊભા થયા છીએ.
ત્યારબાદ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રવક્તા કરસનબાપુ ભાદરકાએ યુવાનો સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું કે, અહીંયા હાજર હજારો યુવાનોને હું કહેવા માગું છું કે આવો સાથે મળીને એક સંકલ્પ કરીએ કે જો આપણે સૌ એક સાથે મળીને મહેનત કરીશું તો સરકારને આપણી વાત મનાવવા માટે મજબૂર કરી દઈશું. તમારા અને મારા પરિવારની સમસ્યાઓ જો સરકાર સુધી ન પહોંચતી હોય તો આપણે તેમને એક મોટો અરીસો બતાવીશું અને કહીશું કે લોકશાહીમાં કોઈ કાયમી નથી, ભાજપે સાંભળી લેવું જોઈએ કે એમની સત્તા કાયમી નથી.
આ પણ વાંચો- ડ્રીમ 11માં 1.5 કરોડ જીતનાર પોલીસ કર્મચારી સસ્પેન્ડ; જાણો કેમ કડક પગલા ભરાયા