પોલીસના તોડપાણી કેસમાં ગુજરાત હાઇકોર્ટ લાલઘૂમ; સરકારને આપ્યા અનેક સૂચનો

અમદાવાદ એરપોર્ટથી રાત્રે ઘર જતાં દંપતિને આંતરી ખોટી રીતે ડરાવી-ધમકાવી ગુનો દાખલ કરવાની ધમકી આપી હતી. તે સમયે ટ્રાફિક પોલીસના ત્રણ જવાનો દ્વારા રૂ. 60 હજારનો તોડ કરવામાં આવ્યો હતો. આ કેસમાં હાઇકોર્ટે દાખલ કરેલી સુઓમોટો પીઆઇએલની સુનાવણીમાં હાઇકોર્ટ તરફથી બહુ મહત્વના સૂચનો રજૂ કરવામાં આવ્યા છે.

હાઇકોર્ટે કહ્યું છે કે, પોલીસ કે ઓથોરીટી સામે કોઇને પણ ફરિયાદ કરવી હોય તો તે માટે ગુજરાત સ્ટેટ પોલીસ કમ્પ્લેઈન ઓથોરીટી સાથે જોડેાયેલો હેલ્પલાઇન નંબર જનરેટ કરવામાં આવવો જોઈએ.

રાજયમાં દરેક જિલ્લા કક્ષાએ પોલીસ કમ્પ્લેઈન ઓથોરીટીની રચના કરવામાં આવે. રાજય કક્ષાએ હાઇકોર્ટ કે સુપ્રીમકોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં બોર્ડ બનાવવામાં આવે. હાઇકોર્ટે સરકારને નિર્દેશ આપ્યો છે કે, આ સૂચનો પરત્વે સરકાર શું કરવા માંગે છે, તેનો જવાબ આપવો જોઈએ. આ કેસની વધુ સુનાવણી 22 સપ્ટેમ્બરે હાથ ધરાશે.

આ પણ વાંચો- વિસનગર નગરપાલિકા જનતાને અપાવશે હરાયા ઢોરના ત્રાસથી મુક્તિ; કરી મોટી કાર્યવાહી

હાઇકોર્ટના વકીલ દ્વારા રજૂઆત કરાઈ હતી કે, હાલની સ્થિતિમાં જો કોઇ નાગરિકને પોલીસ કે ઓથોરીટી વિરૂદ્ધ ફરિયાદ કરવી હોય તો તે કરી શકતો નથી અને ન્યાય મળી શકતો નથી.

આ સંજોગોમાં રાજય સરકાર દ્વારા પોલીસ કે ઓથોરીટી વિરૂદ્ધ કોઇપણ નાગરિકને ફરિયાદ કરવી હોય તો તે માટેનો એક અલગ હેલ્પલાઇન નંબર બહાર પાડે, આ હેલ્પલાઇન નંબર એવો હોય કે જે અન્ય હેલ્પલાઇન નંબરો છે, તેની સાથે જોડાયેલો હોય એટલે કે, અન્ય કોઇપણ હેલ્પલાઇન નંબર પરથી પણ નાગરિકની પોલીસ કે ઓથોરીટી વિરૂદ્ધની ફરિયાદ મેઇન પોલીસ કમ્પ્લેઈન હેલ્પલાઇન નંબર પર ટ્રાન્સફર થઇ જાય.

રાજયમાં દરેક જિલ્લા કક્ષાએ નિવૃત્ત ડિસ્ટ્રીક્ટ જજની અધ્યક્ષતામાં બોર્ડની રચના કરવામાં આવે. રાજયમાં જિલ્લા કક્ષાએ ડીવાયએસપી કક્ષાના અધિકારી અને રાજય સ્તરે એસપી કે તેનાથી ઉપરી અધિકારી સામે ફરિયાદ કરી શકાય તેવી વ્યવસ્થા હોવી જોઇએ.

તે ઉપરાંત નાગરિકો દ્વારા પોલીસ કે ઓથોરીટી વિરૂદ્ધ જે કોઇ ફરિયાદ કરવામાં આવી હોય તેનો ઝડપી અને અસરકારક નિકાલ થાય તે માટે ચોક્કસ સમયમર્યાદા પણ નક્કી કરવી જોઇએ કે જેથી પ્રજામાં વિશ્વસનિયતા વધે અને લોકોને ન્યાય મળે. રાજય સરકારે આ સૂચનો પરત્વે શકય એટલી ઝડપથી અમલવારી કરવી જોઇએ.

આ પણ વાંચો- ભારત સામેની હાર બાદ પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમે બોલરો અને બેટ્સમેન્સ પર હારનું ઠિકરું ફોડ્યું