મધ્ય પ્રદેશના ગૃહમંત્રી ડો. નરોત્તમ મિશ્રાએ શિવપુરી જિલ્લામાં એક કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યુ છે. તેમણે કહ્યું કે, રાહુલ ગાંધી રાજસ્થાન ગયા હતા ત્યારે તેમણે તો હિન્દુ અને હિન્દુત્વ પર સવાલ ઉઠાવ્યા હતા.
આ દરમિયાન નરોત્તમ મિશ્રાએ સવાલ કરતા કહ્યું કે, રાહુલ ગાંધી ક્યારેય કોઈ બીજા ધર્મ પર પ્રશ્ન કેમ ઉઠાવતા નથી? આપણી વસ્તી ગણતરીની વાત કરી. બીજાની કેમ ન કરી? કારણ કે, જો બીજાની વાત કરે તો માથું ધડથી અલગ થઈ જશે. અંતે આ તમામ પ્રહાર આપણા ધર્મ પર જ કેમ કરી રહ્યા છે?
ડીએમકે નેતા ઉદયનિધિ સ્ટાલિનનું નામ લીધા વિના નરોત્તમ મિશ્રાએ આગળ કહ્યું કે, તેમના ગઠબંધનનો એક વાહિયાત વ્યક્તિ છે. તે બોલી રહ્યો છે કે, સનાતન ડેન્ગ્યુ છે મચ્છર છે. અંતે આ બધા પ્રહારો આપણા જ ધર્મ પર કેમ થઈ રહ્યા છે?
આ પણ વાંચો- વાયબ્રન્ટ ગુજરાત-વાયબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ: કચ્છ જિલ્લામાં ₹3370 કરોડના થયા MOU
રાજ્યના ગૃહમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે એક તરફ એક પક્ષ છે જે તમને જ્ઞાતિઓમાં વહેંચીને દેશને તોડવા માંગે છે, તે મુસ્લિમોને ભાજપનો ડર બતાવીને સંગઠિત રાખવા માંગે છે. તેમણે કહ્યું કે, તમે માત્ર કમળનું ફૂલ જુઓ. હું વચન આપું છું કે, જો અડધી રાત્રે પણ તમે મારા ઘરનો દરવાજો ખખડાવશો તો હું હંમેશા તૈયાર રહીશ.
કોંગ્રેસી નેતાઓ પર શાબ્દિક પ્રહારો કરતા ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ કહ્યું કે, સોનિયા ગાંધી, દિગ્વિજય, કમલનાથને સામાન્ય જનતા સાથે કોઈ લેવાદેવા નથી. તેઓ માત્ર પોતાના પુત્રોને સેટ કરવા માંગે છે. સોનિયા ઈચ્છે છે કે રાહુલ સેટ થાય. કમલનાથ ઈચ્છે છે કે, તેમનો પુત્ર નકુલનાથ, દિગ્વિજય ઈચ્છે છે કે, તેમનો પુત્ર જયવર્ધન સેટ થઈ જાય. બધા પોત-પોતાના પુત્રોને સેટ કરવા માંગે છે. જો કોઈ દેશ માટે વિચારે છે તો તે માત્ર પીએમ મોદી વિચારે છે.
નરોત્તમ મિત્રા દતિયાથી ચૂંટણી લડશે
ગૃહમંત્રી નરોત્તમ મિશ્રા ફરી એક વખત ભાજપની ટિકિટ પર દતિયા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. કોંગ્રેસે તેમની સામે ફરી એકવાર જૂનો ચહેરો રાજેન્દ્ર ભારતીને મેદાનમાં ઉતાર્યા છે. અગાઉ કોંગ્રેસે આ બેઠક પર ભાજપમાંથી આવેલા અવધેશ નાયકને ટિકિટ આપી હતી પરંતુ છેલ્લી ઘડીએ તેમનું નામ હટાવીને રાજેન્દ્ર ભારતીને ફરીથી ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા.
આ પણ વાંચો-1 ઓક્ટોબરથી લાગુ થશે ફિક્સ પેમાં વધારો; 61560 જેટલા કર્મચારીઓને મળશે લાભ