નવરાત્રી: ગુજરાતમાં પાછલા 24 કલાકમાં આઠ યુવકોના હાર્ટ એટેકથી મોત; ઉંમર સાંભળીને ચોકી જશો

રાજ્યમાં ધાર્મિક તહેવાર નવરાત્રી ચાલી રહ્યો છે, પરંતુ આ દરમિયાન હાર્ટ એટેકના કેસમાં ખુબ જ મોટો ઉછાળો આવતા લોકોમાં ચિંતામાં વધારો થઈ ગયો છે. ગઈકાલે નવસારીમાં ગરબા રમ્યા બાદ હાર્ટ એટેક આવતા એક યુવકનું મોત થયું હતું, તો હવે રાજકોટ, વડોદરા, અમદાવાદ, ખેડા અને સુરતમાં એક-એક એમ કુલ 8 લોકોના મોત થયાના સમાચાર મળી રહ્યા છે.

રાજકોટ મધ્યસ્થ જેલમાં ચાલુ ફરજ દરમિયાન હાર્ટ એટેક આવતા 55 વર્ષીય સવાઇસિંહ હાલાજી સોઢાનું મોત થયું છે. મૃતક મૂળ કચ્છ જિલ્લાના નખત્રાણા પંથકના વતની અને બોર્ડર વિંગ બટાલીયન 2માં સી-કંપનીમાં ફરજ બજાવતા હતાં.

રાજકોટ શહેરના રૈયા રોડ પર અમૃતા પાર્ક સોસાયટીમાં રહેતા 44 વર્ષીય બિલ્ડર જયેશ ઝાલાવડિયા સવારે સાત વાગ્યે બેભાન થઇ ગયા હતા. તેમને હોસ્પિટલ ખસેડવામાં આવતા ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા.

રાજકોટના ધોરાજીમાં ભાદર-2 ડેમના દરવાજાનું સમારકામ કરતા સમયે 28 વર્ષીય પરપ્રાંતીય યુવક આશુકુમાર દિનેશભાઈ સોનકારને હાર્ટ એટેક આવતા તાત્કાલિક ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો, જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. આ યુવકનું મોત હાર્ટ એટેકથી થયાનું પોસ્ટમોર્ટમમાં સામે આવ્યું છે. મૃતક યુવક ઉત્તરપ્રદેશના ફતેપુર જિલ્લાનો રહેવાસી હતો.

આ પણ વાંચો-1 ઓક્ટોબરથી લાગુ થશે ફિક્સ પેમાં વધારો; 61560 જેટલા કર્મચારીઓને મળશે લાભ

વડોદરામાં બે લોકોના હાર્ટ એટેકથી મોત
વડોદરામાં હરણી રોડ પર રહેતા શંકરભાઇ રાણા ગરબા રમતા રમતા હતા તે સમયે તેમને હાર્ટ એટેક આવ્યો હતો. હોસ્પિટલ ખેસેડવામાં આવતા ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. જ્યારે અન્ય બનાવમાં માંજલપુરના અલ્વા નાકા નજીક રિક્ષા ચાલક જગદીશ પવારને ચાલુ રિક્ષામાં હાર્ટ એટેક આવ્યો હતો. હોસ્પિટલ ખસેડવામાં આવતા ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો.

સુરતમાં ગરબા રમતા 26 વર્ષીય યુવાનનું હાર્ટ એટેકથી મોત
સુરતના પલસાણાની સર્વોદય સોસાયટીમાં શુક્રવારે રાત્રે લોકો ગરબા રમી રહેલો 26 વર્ષીય યુવક રાહુલ રાઠોડ ઢળી પડ્યો હતો. તેને તાત્કાલિક સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઇ જવામાં આવતા ત્યાં હાજર ડોકારે મૃત જાહેર કર્યો હતો.

અમદાવાદમાં ગરબા રમતા 28 વર્ષીય યુવાનનું હાર્ટ એટેકથી મોત
અમદાવાદના નારોલ વિસ્તારમાં હાથીજણના વૃંદાવન પાર્ટી પ્લોટમાં 28 વર્ષીય યુવાન રવિ પંચાલનું ગરબા રમતા સમયે હાર્ટ આટેક આવતા મોત થયું છે. મૃતક રાહુલ ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો અને માતા-પિતાનો એકનો એક પુત્ર હતો.

ખેડામાં 17 વર્ષીય કિશોરનું ગરબા રમતા હાર્ટ એટેક આવતા મોત   
ખેડા જિલ્લાના કપડવંજમાં સામાજિક કાર્યકર ગીરીશભાઈ શાહના ધોરણ-12માં અભ્યાસ કરતા 17 વર્ષીય પુત્રને કોલેજ ગ્રાઉન્ડ ખાતે ગરબા રમતા સમયે નાકમાંથી લોહી નીકળવા લાગ્યું હતું. આ કિશોરને પહેલા સ્થાનિક હોસ્પિટલ અને બાદમાં કઠલાલ કેરવેલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. ડોક્ટરે આ કિશોરને હાર્ટ એટેક આવ્યો હોવાનું કહ્યું હતું.

આ પણ વાંચો- મધ્ય પ્રદેશના ગૃહમંત્રીનો રાહુલ ગાંધીને લઈને વિવાદાસ્પદ નિવેદન