ગુજરાત DGPએ આંતરરાજ્ય સરહદ ઉ૫ર કેમ બનાવડાવી 48 ચેકપોસ્ટ?

ગાંધીનગર: આગામી તા. 17 નવેમ્બર 2023ના રોજ મધ્યપ્રદેશ વિધાનસભા સામાન્ય ચૂંટણી- 2023 તથા તા. 25 નવેમ્બર, 2023ના રોજ રાજસ્થાન વિધાનસભા સામાન્ય ચૂંટણી 2023 યોજાનાર છે તથા તા. 3 ડિસેમ્બર, 2023ના રોજ મતગણતરી થનાર છે.

રાજસ્થાન અને મધ્યપ્રદેશની ચૂંટણી પ્રક્રિયા મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાયા તે હેતુસર કાયદો અને વ્યવસ્થા જાળવવા અંગે ગુજરાતના DGP તથા રાજ્ય પોલીસ નોડલ ઓફિસર ડો. શમશેર સિંધ દ્રારા મધ્યપ્રદેશ રાજ્ય સાથે સરહદ ધરાવતા ગુજરાત રાજ્યના દાહોદ અને છોટાઉદેપુર તથા રાજસ્થાન રાજ્ય સાથે સરહદ ધરાવતા ગુજરાત રાજ્યના બનાસકાંઠા, મહિસાગર, સાબરકાંઠા, અરવલ્લી અને દાહોદ જીલ્લાઓમાં ચેકપોસ્ટ ઉભી કરી દેવામાં આવી છે.

આંતરરાજ્ય સરહદ ઉ૫૨ કુલ 48 ચેકપોસ્ટ ઉભી કરવામાં આવેલ છે. જેમાં રાજસ્થાન રાજ્ય સાથેની આંતરરાજ્ય સરહદ ઉપર 37 ચેકપોસ્ટ તથા મધ્યપ્રદેશ રાજ્ય સાથેની આંતરરાજ્ય સરહદ ઉપર 11 ચેકપોસ્ટ ઉભી કરવામાં આવેલ છે અને સરહદી રાજ્યો સાથે સંકલન કરી અપરાધીઓ અને અસામાજિક તત્વોના અવરજવર ઉપર નજર રાખવા અને ગેરકાયદેસર હથિયાર, NDPS, FICN વગેરે પ્રતિબંધિત વસ્તુઓની હેરાફેરી રોકવા અંગે સહયોગ આપવા સંબધિત જીલ્લાના વડાઓને સૂચના આપવામાં આવેલ છે.

આ પણ વાંચો-સાંસદ મનસુખ વસાવા અને પુર્વ વનમંત્રી મોતીસિંહની હાજરીમાં ચૈતર વસાવાએ ભાજપ સરકારની પોલ ખોલી

લોકપ્રતિનિધિત્વ અધિનિયમ-1951ની કલમ-135(C) હેઠળ કોઈ પણ ચૂંટણી માટે મતદાન વિસ્તારમાં મતદાન પૂરૂ કરવાના કલાક સાથે પૂરા થતા 48 કલાકના સમયગાળા દરમિયાન દારૂ કે તેના જેવા નશાકારક પદાર્થોના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

રાજસ્થાન તથા મધ્યપ્રદેશ રાજ્ય સાથે સરહદ ધરાવતા ગુજરાત રાજયના સંબધિત જીલ્લાઓમાં ભારતીય ચૂંટણી પંચ, નવી દિલ્હીની સૂચના મુજબ “ડ્રાય ડે” જાહેર કરવા અંગે જરૂરી જાહેરનામું/હુકમો બહાર પાડવા અંગેની કાર્યવાહી સંબંધિત જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર દ્વારા થાય તે માટે જરૂરી સંકલનમાં રહેવા તથા તેની ચૂસ્ત અમલવારી થાય તે સુનિશ્વિત કરવા સૂચના આપવામાં આવેલ છે.

આ પણ વાંચો-અમુલ દૂધમાં યુરિયા છે કે નહીં? ગુજરાત ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનરે કર્યો ખુલાસો