જીગર પરમાર; ખેરાલુ: દિવાળી સામે આવી રહી છે તો બીજી તરફ ડૂંગળીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. આજના એટલે કે, 25 ઓગટોબરે ડૂંગળીનો ભાવ 70 રૂપિયા પ્રતિકિલો પર પહોંચી ચૂક્યો છે, તો આગામી દિવસોમાં તેમા વધારો થવાની શક્યતા દેખાઈ રહી છે. ડૂંગળીના વધતા ભાવ તમામ લોકોને સ્પર્શે છે. પરંતુ મહેસાણાના ખેરાલુમાં એક વ્યક્તિ એવો પણ મળ્યો કે તેને પોતાની આશ્ચર્યમાં નાંખે તેવી સમસ્યા ઉકેલવા માટે વિનંતી કરી. તે સજ્જનની વાત સાંભળીને તો હું પણ થોડી વાર તો શું બોલવું તે વિશે વિચારવા લાગ્યો હતો.. આ સજ્જને દારૂના વધી રહેલા ભાવના કારણે નડી રહેલી મોંઘવારી અંગે ચિંતા દર્શાવી હતી.
જણાવી દઇએ કે ગુજરાત ટાઈમ્સ24ની ઓફિસ ખેરાલુ તાલુકા લેવલે શરૂ કરવામાં આવી છે. આસપાસના ગામડાઓની સમસ્યાઓને સમજવાની કોશિશ કરી રહ્યાં છીએ. સામાન્ય વ્યક્તિ અને ખેડૂતોની સમસ્યાઓ અને મુશ્કેલીઓને નજીકથી સમજીને તેનો ઉકેલ સરકાર કેવી રીતે લાવી શકે છે, તેના ઉપર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. આખા દિવસમાં અનેક લોકોને મળવાનું થઈ રહ્યું છે, તેવામાં એક ખુબ જ મજેદાર વ્યક્તિત્વ ધરાવતો માનવી ભટકાયો…
આ વ્યક્તિ ગ્રામીણ આગેવાનો હોવાથી થોડીવાર તો મૌન રહ્યો પરંતુ જ્યારે સમસ્યાનો ઉકેલ કેવી રીતે લાવી શકાય તે અંગેની વાત સાંભળી તો તેને જાણે મનમાં કંઇક વિજળી ઝબકી હોય તેવું લાગ્યું અને મોટેથી બોલ્યો કે, ભાઈ મારે પણ એક સમસ્યા તમને કહેવી છે.
બધા આગેવાનો સાથેની મારી ચર્ચા પૂર્ણ થયા પછી બધા વિદાય લઇ ગયા ત્યારે આ ભાઈ મારા પાસે આવ્યા. એકદમ સરળ અને મૃદુતાથી બોલ્યા કે, સાહેબ દારૂનો ભાવ ખુબ જ વધી ગયો છે, તે ઓછું થાય તેવું કંઇ થઇ શકે ખરૂ? તમે ઓછો કરાવી આપોને કંઇક કરીને.. એકદમ કૂણાપણું અને સરળતાથી બોલેલા શબ્દો સાંભળીને થોડીવાર માટે તો મને લાગ્યું કે કદાચ મજાક કરતા હશે. પરંતુ તેમને આગળ બોલવાનું શરૂ કર્યું, સાહેબ… એક સમય હતો કે, અમને દેશી દારૂ 20 રૂપિયામાં મળી જતો હતો પરંતુ હાલમાં તો 50 રૂપિયા આપવા પડી રહ્યાં છે, તેમાંય પહેલા જેવી ક્વોલિટી રહી નથી.
આ પણ વાંચો- ગુજરાતમાં હાર્ટ એટેકના કેસોએ ચિંતા વધારી; આરોગ્યમંત્રી અને આનંદીબેન પટેલની ડોક્ટરો સાથે બેઠક
પહેલા તો ક્યારેક ક્યારેક ઇંગ્લિશ દારૂ પણ પીવા મળી જતો હતો પરંતુ હાલમાં તો ઇંગ્લિસ દારૂના ભાવ તો ઘી કરતાં પણ વધારે થઈ ગયા છે. તેથી તે તો અમે સ્વપ્નામાં પણ પી શકતા નથી. દારૂના વધતા ભાવના કારણે ઘર ચલાવવું મુશ્કેલ પડી રહ્યું છે. કેમ કે આ વ્યસન એવું છે કે તેના વગર ચાલે તેમ નથી અને ઘરે પૈસા ના આપીએ તો છોકરા-બૈરા ભૂખ્યા મરે. હવે એકદમ ઓછી કમાણીમાં અમારે શું કરવું કંઇ સમજાતું નથી. તેથી આનો કંઇક રસ્તો નિકળતો હોય તો કાઢી આપવા વિનંતી..
મેં પૂછ્યું અમારે એટલે? ફરીથી સજ્જન બોલવા લાગ્યા કે, આ સમસ્યા મારા એકલાની નથી, આસપાસના ગામડાઓના દારૂ પીનારા તમામ લોકોની છે. આમ સજ્જન તેમના એકલા માટે નહીં પરંતુ તેમની આખી જમાતની ચિંતા કરી રહ્યાં હતા. સજ્જનની વાતો સાંભળીને મને પણ એક સમયે તો લાગ્યું કે, ના ખરેખર મોંઘવારી નડી રહી છે.
મેં કહ્યું કે, આ સમસ્યામાંથી તો તમને એકદમ સરળતાથી છૂટકારો મળી શકે છે. તેઓ ઉત્સાહિત થઇને બોલ્યા. કેવી રીત? મેં કહ્યું કે, દારૂને ત્યજી દો. પૈસા બચશે, સમાજમાં ઈજ્જત વધશે અને પરિવાર પણ ખુશ રહેશે. આ શબ્દ સાંભળ્યા પછી સજ્જન વ્યક્તિના મોઢા પર નિરાશાના ભાવ તરી આવ્યા હતા. નિરાશાપૂર્વક બોલ્યા- ઘણી કોશિશ કરી પરંતુ ના છૂટ્યો એટલે ના છૂટ્યો. હવે તો કોઠો જ દારૂનો થઈ ગયો છે. દિવસમાં ત્રણથી ચાર વખત પીવામાં ન આવે તો શરીર પણ સાથ આપતો નથી.
આ પણ વાંચો- નવા વર્ષે હર્ષ સંઘવીએ ગુજરાતીઓને આપી ભેટ; જાણો શું છે ખાસ
આ શબ્દ સાંભળીને મને લાગ્યું કે, ખરેખર વ્યક્તિ દારૂને નહીં પરંતુ દારૂ વ્યક્તિને પી રહ્યો છે. દેશી દારૂની લત સામે વ્યક્તિ લાચાર બની જાય છે. સજ્જન વ્યક્તિએ પોતાની લાચારી છૂપાવતા આગળ બોલ્યા કે, સાહેબ આ નશાની તરસ પાણીની તરસ કરતાં 100 ગણી ખતરનાક છે, તરસ લાગે અડધી રાત્રે પણ દારૂનો ઘૂંટ પેટમાં ઉતારવો જ પડે.. વિચાર કરો કે ચોવીસ કલાકમાં ત્રણથી ચાર વખત એટલે 150થી 200 રૂપિયાનો ખર્ચ તેની પાછળ થઇ જાય. એક સામાન્ય વ્યક્તિ કેવો તો લાચાર બની જાય છે દારૂ સામે, તેનો ખ્યાલ સજ્જન વ્યક્તિની વાતો પરથી આવી રહ્યો હતો.
હવે મને સમજાઇ રહ્યું હતુ કે પરિવારના પરિવાર કેવી રીતે નશામાં બર્બાદ થઇ જઇ રહ્યાં છે. સ્વભાવિક છે કે જ્યારે 70 રૂપિયા કિલો ડૂંગળી મોંઘી લાગતી હોય ત્યારે દિવસના 200 રૂપિયાનો કોઈ ઝેરીલી વસ્તુ પાછળ ખર્ચ આવતો હોય તો તે કેટલી મોંઘી ગણાય. (જે એક દિવસ તેનો પોતાનો જીવ અને પરિવારના સભ્યોને પણ પી જાય છે) મહત્વપૂર્ણ બાબત તે છે કે, આ નશો વ્યક્તિના શરીરને નહીં પરંતુ તેના આખા પરિવારને પ્રતિદિવસ મારે છે અને વર્ષો સુધી આખા પરિવારનું શોષણ કરીને તેમને ગરીબીના એવા વિષચક્રમાં ધકેલી દે છે કે તેઓ તેમાંથી બહાર આવશે કે નહીં તે અંગે કંઇ જ કહી શકાય નહીં.
સજ્જન વ્યક્તિનું કહેવું છે કે, દારૂના ભાવમાં ઘટાડો થાય તો સારૂ.. પરંતુ તે અંગે તો અમે તો શું પણ સરકાર પણ કંઇ કરી શકે તેમ નથી, પરંતુ અમે સરકારને વિંનતિ જરૂર કરીશું કે, તાલુકા અને ગામડા લેવલે બનેલા આરોગ્ય કેન્દ્રોમાં નશામુક્તિને લઈને અલગથી ફ્રિમાં મોટા પાયે અને અધતન રીતે સારવાર શરૂ કરવી જોઈએ.
દારૂ પીનારો દરેક વ્યક્તિ તેને છોડવા ઈચ્છે છે પરંતુ પૈસાની તંગી સહિતના અન્ય કેટલાક કારણોસર તે તેનો છોડી શકતો નથી. તેવામાં ઉપચાર જ હાથવગું હોય તો અનેક લોકોના જીવ બચી શકે છે.. કેમ કે દારૂ જેટલી સરળ રીતે મળી રહ્યું છે તેટલી જ સરળતાથી તેને છોડવાનો ઉપચાર પણ થવા લાગે તો આગામી થોડા સમયમાં કદાચ દારૂબંધીના આંદોલન કરવા પડશે નહીં.
આ પણ વાંચો- ગુજરાતમાં હાર્ટ એટેકના કેસોએ ચિંતા વધારી; આરોગ્યમંત્રી અને આનંદીબેન પટેલની ડોક્ટરો સાથે બેઠક