ગુજરાત હાઇકોર્ટમાં બે જજ વચ્ચે થઇ ઉગ્ર બોલાચાલી; પરંતુ ન્યાયધીશની સમજદારી તો જૂઓ

ગુજરાત હાઇકોર્ટ- ગુજરાત ટાઈમ્સ-24

અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટમાં બે જજ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જજોની બેંચ એક કેસની સુનાવણી કરી રહી હતી. આ દરમિયાન બંને એકબીજા સાથે સહમત નહોતા. જેના કારણે તેમના બોલાચાલી થઇ ગઇ હતી. ચર્ચા એટલી વધી ગઈ કે એક વરિષ્ઠ ન્યાયાધીશે તેમના સાથી ન્યાયાધીશને ફટકાર લગાવી દીધી હતી. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જોકે, બીજા દિવસે કોર્ટ સત્ર શરૂ કરતી વખતે,ન્યાયાધીશે તેમના પગલા માટે સહયોગી જજની માફી માગી હતી.

ન્યાયાધીશ બીરેન વૈષ્ણવે કહ્યું કે સોમવારે કોર્ટમાં જે થયું તેના માટે તેઓ દિલગીર છે. મંગળવારે દશેરાના કારણે કોર્ટ બંધ હતી.

23 ઓક્ટોબરે ગુજરાત હાઈકોર્ટમાં તાજેતરના એક કેસ અંગે અસંમતિને લઈને ખુલ્લી અદાલતમાં બેન્ચના વરિષ્ઠ ન્યાયાધીશ વૈષ્ણવ અને જસ્ટિસ મૌના ભટ્ટ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ ઘટના ત્યારે બની જ્યારે જસ્ટિસ વૈષ્ણવ એક કેસમાં આદેશ આપી રહ્યા હતા અને જસ્ટિસ ભટ્ટ તેની સાથે સહમત ન હતા .જોકે, તેમણે બીજા દિવસે કહ્યું કે સોમવારે જે પણ થયું તે યોગ્ય નહતું, તેવું થવું જોઈતું નહતું. હું ખોટો હતો. હું આ માટે દિલગીર છું અને અમે નવી સીઝન શરૂ કરીએ છીએ.

આ ઘટના કેમેરામાં રેકોર્ડ થઈ ગઈ હતી

જોરદાર દલીલ કોર્ટ રૂમની અંદર થઈ હતી અને કોર્ટ રૂમમાં લાગેલા કેમેરામાં સમગ્ર દલીલ રેકોર્ડ કરવામાં આવી હતી. લાઈવ સ્ટ્રીમ દરમિયાન થયેલી આ સમગ્ર ચર્ચા યુટ્યુબ ચેનલ પર જોવા મળી હતી. જોકે બાદમાં આ વીડિયોને યુટ્યુબ પરથી હટાવી દેવામાં આવ્યો હતો. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં જસ્ટિસ વૈષ્ણવ આદેશ પસાર કરતા જોવા મળે છે, જેમાં જસ્ટિસ ભટ્ટ જસ્ટિસ વૈષ્ણવ સાથે અસંમત જોવા મળે છે.

અમે એકબીજાથી અલગ વિચાર રાખીએ છીએ…

આ અંગે જસ્ટિસ વૈષ્ણવને એમ કહેતા સાંભળી શકાય છે, ‘તો તમે અલગ છો. આપણે એકબીજાથી અલગ વિચાર રાખીએ છીએ. આપણે એકબીજાથી અલગ થઈ શકીએ છીએ.’ ત્યારે જસ્ટિસ ભટ્ટે કહ્યું, ‘અલગ થવાનો પ્રશ્ન નથી.’ જેના પર જસ્ટિસ બિરેને કહ્યું, ‘તો તમે બડબડ કરશો નહીં, તમે અલગ ઓર્ડર પાસ કરો. અમે હવે કોઈ કેસ લઈ રહ્યા નથી. ત્યારપછી તેઓ ઉઠ્યા અને કોર્ટરૂમમાંથી બહાર નીકળી ગયા અને કહ્યું કે બેંચ હવે કોઈ કેસની સુનાવણી કરી રહી નથી.

આ પણ વાંચો- નર્મદા: લૂંટારૂઓએ ઘર માલિકને બંધક બનાવીને લૂંટ્યા 20 લાખ; પોલીસે 24 કલાકમાં જ ઝડપી પાડ્યા