નર્મદા : પહેલાના જમાનામાં ડાકૂઓ ગામના ગામ લૂંટી લેતા હતા. તે સમયે પોલીસ માટે ડાકૂઓ માથાનો દુખાવો બની બેઠ્યા હતા. પરંતુ વર્તમાન સમયમાં આધુનિક પોલીસ લૂંટ જેવા કેસોને ગણતરીના કલાકોમાં ઝડપી પાડે છે. આવી જ એક લૂંટ કેસમાં નર્મદા જિલ્લા પોલીસે પ્રશંસનિય કામગીરી કરી છે.
વાત જાણે એમ છે કે, ગરૂડેશ્વર તાલુકાના હરીપુરા ગામના એક વેપારીને ત્યાં 24 ઓક્ટોબર રાતે 3 વાગે 20 લાખની લૂંટ ચલાવવામાં આવી હતી. તીક્ષ્ણ હથિયારની અણીએ વેપારીને બંધક બનાવીને તેના ત્યાંથી સોનું, ચાંદી અને રોકડા રૂપિયાની લૂંટ ચલાવીને 6 લૂંટારુઓ ફરાર થઈ ગયા હતા. લૂંટની જાણ થતાં જ નર્મદા જિલ્લા પોલીસે જરાપણ સમય બગાડ્યા વગર લૂંટારૂઓને શોધવા ચક્રો ગતિમાન કરી દીધા હતા.
બનાવની મળતી વિગત અનુસાર હરીપુરા ગામમાં વેપારીને ત્યાંથી અજાણ્યા ઈસમોએ દુકાનનો દરવાજો કોઈ સાધન વડે તોડી દુકાનમાંથી ઘરમાં પ્રવેશ કરીને ઘટનાને અંજામ આપ્યો હતો. પલંગ પર સુતેલા અબ્દુલ મેમણને એક ઈસમે અણીદાર સળિયો અને બીજા ઈસમે ધારીયું લઈ ગળા પર મુકી ફરીયાદીને ચૂપ રહેવા ધમકી આપી હતી. ફરિયાદીને પલંગ પર જ સુવડાવી રાખી આરોપીઓએ સળિયા વડે ઘરમાં પડેલ તિજોરીનો નકુચો તોડી નાખ્યો હતો.
ફરિયાદીને ડરાવીને સુવાડી રાખી અન્ય ચારેય ઈસમોએ ઘરમાં લૂંટ ચલાવી હતી. જેમાં તિજોરીમાં મુકેલ 7 લાખ રોકડ તથા સોના-ચાંદીના દાગીના લૂંટી લીધા હતા. આ ઉપરાંત ઘરમાં દુકાનમાં પડેલા 75 રોકડ રૂપિયા અને મોબાઈસ સહિત વસ્તુઓ પણ લઈ ગયા હતા. સોના ચાંદીના દાગીના હાલની બજાર કિંમત આશરે 12 લાખ સહિત કુલ 20 લાખ રુપિયાના મુદ્દામાલની લૂંટ ચલાવી હતી.
હરીપુરા ગામ ડુંગર વિસ્તારમાં ગામ છે, એટલે પોલીસને લૂંટારૂઓને શોધવા માટે ડુંગર વિસ્તારમાં જવું પડ્યું હતું. જોકે હરીપુરા ગામના લોકોએ પણ આ 6 લૂંટારુઓને પકડવા માટે મદદ કરી હતી. જોકે નર્મદા પોલીસે જિલ્લાના તમામ રૂટો પર નિગરાની ગોઠવી હતી. 6 આરોપીઓમાંથી 5 લૂંટારૂઓને મુદ્દામાલને સગેવગે કરવા માટે બાઇક પર નીકળ્યા હતા. ત્યાં શંકાના આધારે આરોપીઓને પોતાના તાબામાં લઈ નર્મદા પોલીસે ગણતરીના કલાકોમાં જ 20 લાખની ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો છે. હાલ 5 આરોપીઓની ધરપકડ કરીને પૂછતાછ હાથ ધરવામાં આવી છે.
આરોપીઓ પાસેથી 12 લાખ રોકડા અને 90 ટકા સોનું-ચાંદી પકડીને મુદ્દામાલ જપ્ત કર્યો છે. એક આરોપીની શોધખોળ નર્મદા પોલીસ કરી રહી છે. જોકે આ તમામ આરોપીમાંથી 4 દાહોદ અને 1 આરોપી અલીરાજપુરનો છે. આ તમામ આરોપીઓનો આગળનો પણ ગુનાહિત ઇતિહાસ છે. જેમાં 3 આરોપીઓ અમદાવાદ, મહેસાણા અને સુરત જેવી જગ્યામાં ઘરફોડ અને ચોરીના ગુના કરી ચુક્યા છે.
આ બાબતે નર્મદા પોલીસને જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી. ફરિયાદી પાસેથી માહિતી મેળવીને આરોપીઓની શોધખોળ કરી આરોપીને મુદ્દામાલ સાથે ગણતરીના કલાકોમાં જ પકડી પડ્યા હતા. ઉપરાંત અન્ય એક આરોપીની શોધખોળ સહિતની આગળની તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો-શું સમાજમાંથી મરી પરવારી છે માનવતા? આ ક્રૂરતાને જોઇને તો એવું જ લાગી રહ્યું છે