ખેરાલુ: મહેસાણાના ખેરાલુ તાલુકાના ડભોડા ગામમાં પીએમ મોદી 30 ઓક્ટોબરે એક લાખ લોકોની જનસભાને સંબોધિત કરશે. જોકે, આ પીએમ મોદીના આગમન પહેલા જ ડભોડાને અડીને આવેલા ખેરાલુમાં યુવતિની ઘાતકી હત્યા કરવામાં આવી હોવાના સમાચાર સામે આવી રહ્યાં છે.
મળી રહેલી જાણકારી અનુસાર, ખેરાલુ રેલવે સ્ટેશન રોડ ઉપર એક અજાણી યુવતિની લાશ પડી હોવાની જાણકારી પોલીસને મળી હતી. આ જાણકારી મળતાની સાથે જ ખેરાલુ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. પોલીસની કાર્યવાહીમાં યુવતિનું નામ સોનલ ઠાકોર હોવાનું સામે આવ્યું હતું. આગળની કાર્યવાહી અને તપાસ કરવા માટે પોલીસે યુવતિની લાશને પોસ્ટ મોર્ટમ માટે મૃતદેહને વડનગર સિવિલ હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.
જોકે, મહત્વપૂર્ણ બાબત તે છે કે, પીએમ મોદીના આગમન પહેલા જ શાંત ગણાતા ખેરાલુમાં યુવતિની લાશ મળતા હડકંપ મચી ગયો છે. ઉલ્લેખનિય છે કે, પીએમ મોદી ડભોડામાં આવતા હોવાથી જિલ્લાભરની પોલીસે ખેરાલુમાં ધામા નાંખેલા છે. એસપીથી લઈને ક્લેક્ટર સુધીના સરકારી અધિકારીઓ ખેરાલુની મામલતદાર ઓફિસમાં રાતના 11-12 વાગ્યા સુધી રોકાઈને તમામ તૈયારીઓ કરાવી રહ્યાં છે.
આ બધા વચ્ચે યુવતિની હત્યા થતાં ચકચારી મચી ગઇ છે. આ અંગેની ખેરાલુ પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે. યુવતિની હત્યા કરવામાં આવી છે કે તેને આત્મહત્યા કરી છે, તે અંગેનો કોઈ જ ખુલાસો થઇ શક્યો નથી. જોકે, પ્રથમ દ્રષ્ટિએ યુવતિની હત્યા થઈ હોવાનું જણાઇ રહ્યું છે.
આ પણ વાંચો-ખેરાલુ: મદ્રોપુરમાં ખેતરના શેઢા પર મૂકેલા વીજકરંટથી યુવકનું મોત