લોકસભાની ચૂંટણીને લઈને ગુજરાત ઇલેક્શન પંચે શરૂ કરી તૈયારી; ઉભા કરશે 50677 મતદાન મથક

ગાંધીનગર: લોકસભાની ચૂંટણીને લઈને ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જે અંતર્ગત આજે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા પ્રથમ ડ્રાફ્ટ મતદાર યાદી બહાર પાડવામાં આવી હતી. ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં કુલ 50,677 મતદાન મથકો ઉપર ચૂંટણી યોજવાનું પ્રાથમિક તબક્કે નક્કી કરાયું હોવાનું રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.

કેન્દ્રીય ચૂંટણી પંચના અધિકારીઓએ ગુજરાતમાં લોકસભા ચૂંટણીની તૈયારીઓ સંદર્ભ અમદાવાદ કલેક્ટર ઓફિસ ખાતે બેઠક કરી હતી. જેમાં ખાસ મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અને તેને સંલગ્ન ચૂંટણી સંબંધી તૈયારીઓ અંગે માહિતી મેળવી હતી. આ ઉપરાંત વધુમાં વધુ યુવાનો પોતાના મત અધિકારનો ઉપયોગ કરી શકે તે બાબતનું પણ આયોજન ખાસ કરવામાં આવ્યું છે.

રાજ્ય ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર 1 જાન્યુઆરી, 2024ની લાયકાત સંદર્ભે મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવશે. જ્યારે હાલ મુસદ્દા મતદાર યાદી મુજબ રાજ્યમાં કુલ 4,87,59,709 મતદારો નોંધાયા છે. હાલ મુસદ્દા મતદાર યાદીમાં 2,51,54,900 પુરૂષ, 2,36,03,382 સ્ત્રી અને 1,427 ત્રીજી જાતિના મળી કુલ 4,87,59,709 મતદારો નોંધાયેલા છે. જે તમામનો ફોટો મતદારયાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે તથા તમામને EPIC (મતદાર ઓળખપત્ર) ફાળવવામાં આવ્યા છે.

આ ઉપરાંત પુનઃગઠન બાદ કુલ 50,677 મતદાન મથકો નક્કી કરવામાં આવ્યા છે.18 વર્ષ પૂર્ણ કરનાર મતદારોની યાદી: રાજ્ય ચૂંટણી પંચ દ્વારા વધુમાં જાહેરાત કરવામાં આવી હતી કે રાજ્યભરમાં આગામી 5 નવેમ્બરના રોજ મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા માટે ઝુંબેશ હાથ ધરવામાં આવશે. જેમાં લોકસભાની આગામી સામાન્ય ચૂંટણીમાં મહિલાઓ, દિવ્યાંગો અને યુવાનો સહિત મહત્તમ મતદારો સહભાગી થાય અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા સંનિષ્ઠ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

આ માટે 1લી જાન્યુઆરી, 2024ના રોજ 18 વર્ષ પૂર્ણ કરનાર મતદારોનો સમાવેશ કરવા અને ક્ષતિરહિત અદ્યતન મતદાર યાદી તૈયાર કરવા માટે ચૂંટણી પંચ દ્વારા આજથી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. ઉપરાંત 5 જાન્યુઆરી 2024ના રોજ આખરી મતદાર યાદી પ્રસિદ્ધિ કરવામાં આવશે.

પાંચ નવેમ્બરથી સુધારણા યાદી કાર્યક્રમની શરૂઆત થશે. જે સવારે 10 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી બીએલઓ દ્વારા નવા નામની નોંધણી, નામ કમી બાબતની કામગીરી હાથ ધરવામાં આવશે. આ કાર્યક્રમ 26 ડિસેમ્બર સુધી કાર્યરત કરવામાં આવશે. જ્યારે રાજ્યભરમાં ખાસ સંક્ષિપ્ત સુધારણાના સમયગાળા દરમિયાન આગામી 5 ઓક્ટોબર 2023ને ખાસ ઝૂંબેશ દિવસ તરીકે નિયત કરવામાં આવ્યો છે.

આ દિવસે બૂથ લેવલ ઑફિસર્સ સવારે 10થી સાંજે 5 વાગ્યા દરમિયાન સંબંધિત બૂથ પર હાજર રહેશે. રાજકીય પક્ષો દ્વારા નીમવામાં આવેલા બુથ લેવલ એજન્ટ (BLA) ના સહકારથી મતદારયાદીના મુસદ્દાની ચકાસણી કરી ક્ષતિ પણ શોધવામાં આવશે. 26 ડિસેમ્બર 2023 સુધીમાં આ અરજીઓનો નિકાલ કરવામાં આવશે.

આ પણ વાંચો-પીએમ મોદીના આગમન પહેલા ખેરાલુમાં કિશોરીની ઘાતકી હત્યા