અંબાજીના માર્ગો પર PM મોદી પર ફૂલોનો વરસાદ; જૂઓ શાનદાર સ્વાગતની તસવીરો

બનાસકાંઠા: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસની ગુજરાત મુલાકાતે આવી પહોંચ્યા છે. દિલ્હીથી અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યા હતા, અહીં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમનું સ્વાગત્ કર્યું હતું. ત્યારબાદ અમદાવાદ એરપોર્ટથી વડાપ્રધાન મા અંબાના દર્શન માટે અંબાજીધામ પહોંચ્યા હતા.

વડાપ્રધાન મોદીએ અંબાજી મંદિરમાં મા અંબાની પૂજા-અર્ચના કરી હતી. અહીં તેમણે માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા. વડાપ્રધાને અંબાજી મંદિરમાં સૌથી મોટા શ્રીયંત્રનું પણ લોકાર્પણ કરીને પૂજા કરી હતી.

  

અંબાજીમાં વડાપ્રધાન મોદીના આગમનને લઈને ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. તો અંબાજી મંદિરમાં આદિવાસી પરંપરા મુજબ વડાપ્રધાન મોદીનું સ્વાગત કરાયું હતું. દાંતા તાલુકાના મંડાલી અને સનાલી ગામના લોકો દ્વારા આદિવાસી લોકનૃત્ય અને આદિવાસી ભજન દ્વારા સ્વાગત કરાયું હતું.

અંબાજીના માર્ગો પર વડાપ્રધાન પર ફૂલોનો વરસાદ

અંબાજીમાં વડાપ્રધાનના આગમનને લઈ લોકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ચીખલા હેલિપેડ ખાતે વડાપ્રધાન મોદીનું સ્વાગત કરાયું હતું. અંબાજીના માર્ગો પર લોકોએ વડાપ્રધાન પર ફૂલોનો વરસાદ કરી તેમનું અભિવાદન કર્યું હતું. આ સમયે તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને ગૃહમંત્રી હર્ષ સંઘવી હાજર રહ્યા હતા. અંબાજીથી વડાપ્રધાન ખેરાલુમાં એક રેલીમાં હાજરી આપશે.

ખેરાલુમાં હજારોની સંખ્યામાં સ્થાનિકો ઉમટ્યા હતા

ખેરાલુના ડભોડામાં વડાપ્રધાન અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે. ખેરાલુમાં હજારોની સંખ્યામાં સ્થાનિકો ઉમટી પડ્યા છે. ઉત્તર ગુજરાતમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ડભોડામાં પીએમ મોદીની આતુરતાથી રાહ જોઈ રહેલા નાગરિકોમાં ઉત્સાહ, ઉમંગ અને સ્નેહની લાગણી જોવા મળી રહી છે.

આ પણ વાંચો-મોરબી: ઝૂલતા પુલ દુર્ઘટનાને 1 વર્ષ પૂર્ણ; 135 મૃતકોના પરિવારજનો જોઇ રહ્યા છે ન્યાયની રાહ