મોરબી: ઝૂલતા પુલ દુર્ઘટનાને 1 વર્ષ પૂર્ણ; 135 મૃતકોના પરિવારજનો જોઇ રહ્યા છે ન્યાયની રાહ

મોરબી: શહેરની ગોજારી ઘટના એવી ઝૂલતા પુલ દુર્ઘટનાને આજે એક વર્ષ પુરૂ થયું છે. 30 ઓક્ટોબર 2022ના રોજ સાંજના સમયે ઝૂલતો પૂલ તૂટી પડ્યો હતો. હરવા ફરવા માટે ગયેલા બાળકો, મહિલા, વૃદ્ધો, સગર્ભા મહિલા સહિત કુલ મળીને 135 લોકોના મોત નિપજ્યાં હતા.

30 ઓક્ટોબરના રોજ આ દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ થયું છે. આ બ્રિજ જેમને કોન્ટ્રાક્ટ પર આપી દેવાયો છે તે ઓરેવા ગ્રુપના માલિક જયસુખ પટેલને મુખ્ય આરોપી બનાવાયા હતા. હાલ તેઓ જેલમાં છે. આ બનાવ સંદર્ભે હાલમાં કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. તાજેતરમાં મામલે રચવામાં આવેલી સીટનો રિપોર્ટ આવી ગયો છે જેમાં ઓરેવા કંપની, તેના ડિરેક્ટરો અને કર્મચારીઓને સંપૂર્ણપણે જવાબદાર દર્શાવવામાં આવ્યાં હતા.

જોકે, હજુ સુધી આ ગોઝારી ઘટનામાં સ્વજન ગુમાવનારા પરિવારોને ન્યાય મળ્યો નથી. આ મામલે ન્યાયિક કાર્યવાહીમાં ભારે ઢીલ દાખવવામાં આવી રહી હોવાથી મૃતકના પરિવારજનો ભારે નારાજ છે.

આ પણ વાંચો- પીએમ મોદી પહોંચ્યા માં અંબેના દ્વારે; માતાજીની પૂજા કરીને સૌથી મોટા શ્રીયંત્રનું કર્યું લોકાર્પણ

આ ગોઝારી ઘટનાને એક વર્ષ પુર્ણ થતાં ટ્રેજેડી વિક્ટીમ એસોસિયેશન દ્વારા ઝુલતા પુલ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર મૃતક વ્યક્તિઓના પરિવારજનોને સાથે રાખીને આ ઘટના મૃત્યુ પામેલ દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ આપવા માટે અમદાવાદ ગાંધી આશ્રમ ખાતે આજે સવારે 7 થી બપોરે 2 વાગ્યા સુધી શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોરબીથી સ્વજન ગુમાવનારા પરિવારમાંથી ઘણા લોકો જોડાયા છે.  આ ઘટના માટે જવાબદાર જે કોઇ હોય તેને ફાંસી આપવાની માગ કરી રહ્યા છે.

બીજી તરફ આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા 135 મૃતકોના આત્માની શાંતિ માટે મોરબી શહેરમાં ઠેર-ઠેર હોર્ડિંગ લાગી રહ્યા છે. મોરબીના મહેન્દ્ર નગર ચોકડી, માળિયા ફાટક ચોકડી, નટરાજ ફાટક, ગાંધી ચોક, શનાળા રોડ હાઉસિંગ બોર્ડ સહિતના અલગ-અલગ વિસ્તારમાં રેડી વિકટીમ એસોશિએશન દ્વારા હોર્ડિંગ લગાવાયા છે.

ઝુલતા પુલ ઘટનામાં ન્યાય માટે ટ્રેજેડી વિક્ટીમ એસોસિએશન બનાવવામાં આવ્યું છે અને તેના વકીલ દ્વારા મોરબીની ડિસ્ટ્રીકટ કોર્ટ અને હાઇકોર્ટમાં કયદાકીય જંગ લડવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો- અંબાલાલે રાજ્યમાં હાડ થીજવતી ઠંડી પડવાની કરી આગાહી; જાણો ક્યારથી થશે શરૂ?