રાજસ્થાનના ડુંગરપુરમાં ગુજરાતની કારને મોડી રાતે ગંભીર અકસ્માત નડ્યો હતો. યુવકોએ નેશનલ હાઈવે 48 પર રોન્ગ સાઈડમાં કાર હંકારી હતી, જેથી કારની એક ખાનગી બસ સાથે ટક્કર થઈ હતી. આ ટક્કરમાં અરવલ્લીના મોડાસાના ચાર યુવકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. તો એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો છે. આ અકસ્માત એટલો જીવલેણ હતો કે, કારનુ પડીકુ વળી ગયું હતું.
રાજસ્થાના ડુંગરપૂરના વીંછીવાડાથી શામળાજી વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. શામળાજીથી 6 કિમી રાજસ્થાનમાં અમદાવાદ ઉદયપુર હાઈવે પર આ અકસ્માત સર્જાયો હતો. ડુંગરપુર જિલ્લાના વીંછીવાડી પોલીસ સ્ટેશનના અધિકારી મદનલાલ ખટીકે જણાવ્યું કે, મોડી રાતે નેશનલ હાઈવે નંબર 48 પર ખુજરીના નાળા પાસે ગુજરાત પાસિંગની કાર રોન્ગ સાઈડ જઈ રહી હતી. ત્યારે આ કાર ખાનગી બસ સાથે ટકરાઈ હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે, કારના આગળના ભાગના ફૂરચેફૂરચા ઉડી ગયા હતા. તો ઘટનામાં કારમાં સવાર ચાર યુવકોના દર્દનાક મોત નિપજ્યાં છે. જ્યારે કે, એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો છે.
આ ઘટના બાદ વીંછીવાડી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ભારે પ્રયાસો બાદ યુવકોના મૃતદેહો કારમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયા છે.
પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું કે, કારમાં સવાર યુવકો અરવલ્લીના મોડાસાના હતા. અરવલ્લીના ચાર યુવાનોના માર્ગ અકસ્માતમાં મોત નિપજ્યા છે. યુવકો રોન્ગ સાઈડ કાર હંકારી રહ્યા હતા ત્યારે બસ સાથે તેની ટક્કર થઈ હતી. રોન્ગ સાઈડ જતી કાર ખાનગી ટ્રાવેલ્સ સાથે ટકરાઈ હતી. ચાર મૃતક યુવકો શામળાજી પાસેના ગેડ, વેણપૂર, ખારી, પાંડરવાડા ગામના રહેવાલી છે. અન્ય એક ઘાયલ યુવાનને સારવાર માટે ખસેડાયો છે. વીંછીવાડા પોલીસે અકસ્માત અંગે કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો- નેપાળમાં ભૂકંપના કારણે 128 લોકોના મોત; 140થી વધુ ઘાયલ, દિલ્હી સુધી અનુભવાયા આંચકા