ગુજરાતમાં લાંબા સમયથી એક પ્રશ્ન હંમેશાં વિવાદિત રહ્યો છે. એ પ્રશ્ન છે – શું ગુજરાતમાંથી દારૂબંધી હટવી જોઈએ કે નહીં? 1960માં ગુજરાતની રચના થઈ ત્યારથી જ ગુજરાત રાજ્યમાં દારૂબંધી અમલી છે. જોકે બૉમ્બે સ્ટેટમાંથી મહારાષ્ટ્ર અને ગુજરાત એમ બે રાજ્ય બન્યાં હતાં પણ મહારાષ્ટ્રમાં દારૂબંધી નથી અને ગુજરાતમાં શરૂઆતથી જ છે.
વળી, ચૂંટણીના સમયે અને રાજકીય ગતિવિધિઓના માહોલમાં ગુજરાતમાં ક્યારેક-ક્યારેક દારૂબંધી (પ્રોહિબિશન)નો મુદ્દો જાહેર ચર્ચામાં આવી જતો હોય છે. ગુજરાતના ઇતિહાસમાં ખાસ કરીને રાજકીય ઇતિહાસમાં રાજ્યમાંથી સંપૂર્ણ દારૂબંધી હઠાવી લેવા મામલે કોઈ પણ રાજકીય પક્ષે સ્પષ્ટ અને કટિબદ્ધ વલણ નથી દર્શાવ્યું એ દર્શાવે છે કે આ પ્રશ્ન કેટલો જટિલ અને વિવાદિત હોઈ શકે છે.
ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી શંકરસિંહ વાઘેલાએ ગુજરાતમાંથી દારૂબંધી હઠાવવા મામલે નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે કહ્યું કે ભાજપ-કૉંગ્રેસ બંનેને દારૂબંધી હઠાવવામાં રસ નથી, કેમ કે બંનેને લાભ થઈ રહ્યો છે. તેમણે વધુમાં એમ પણ કહ્યું કે ગુજરાતમાં દારૂબંધી ઢોંગ છે અને તેને હઠાવી લેવી જોઈએ.
બીજી તરફ સત્તારૂઢ ભાજપ કહેતો આવ્યો છે કે ગુજરાતની પ્રગતિ-શાંતિ-સુરક્ષામાં દારૂબંધીનું પરિબળ મહત્ત્વનું રહ્યું છે. પરંતુ રાજ્યના જ કેટલાક નાગરિકો સોશિયલ મીડિયા મારફતે દારૂબંધી હઠાવવા માટે અભિયાન ચલાવી રહ્યાં છે. તેમનું માનવું છે કે પ્રોહિબિશનને કારણે ભ્રષ્ટાચારને વેગ મળે છે અને ગુજરાતીઓ સાથે અન્ય રાજ્યોના લોકોની સરખામણીએ ભેદભાવ થઈ રહ્યો છે.
ગુજરાત ભાજપ અધ્યક્ષ સીઆર પાટિલ કહે છે કે, ગુજરાતમાં દારૂબંધીને લીધે તેની પ્રગતિ થઈ છે. ગુજરાતમાં ઇન્ડસ્ટ્રિયલ પીસ (ઉદ્યોગો માટે સુરક્ષિત માહોલ) અને ઉદ્યોગોની પ્રગતિમાં પણ દારૂબંધીનું વિશેષ મહત્ત્વ છે.”
તેમણે વધુમાં જણાવ્યું હતુ કે,“ગુજરાત મહાત્માની જન્મભૂમિ છે. આ ગાંધીનું ગુજરાત છે. આર્થિક ફાયદાઓની સામે ગાંધીજીનાં મૂલ્યો સાથે સમાધાન ન કરી શકાય.”
તો પછી ગુજરાત ટાઈમ્સ24 (ક્રાઈમ દર્પણ) આજે સત્તામાં બેસેલા લોકોને જણાવશે કે, ગાંધીના મૂલ્યો સાથે સતલાસણા તાલુકામાં મોટા પાયે છેડછાડ થઈ રહી છે. સતલાસણા તાલુકામાં તો બૂટલેગરોએ તમામ હદો વટાવી દીધી છે. ગુજરાતમાં દારૂબંધી હોવાની વાતની વાત જાણે ભૂલી બેઠા હોય તેવું લાગી રહ્યું છે. કેમ કે રાજસ્થાનમાં દારૂના ઠેકા હાઇવેથી થોડા અંદર હોય છે પરંતુ સતલાસણામાં તો હાઇવેને અડીને જ અંગ્રેજી દારૂનું વેચાણ કરવા પાર્લર બનાવી દેવામાં આવ્યા છે.
તો બીજી તરફ સતલાસણામાં કુલ 65 ગામોમાંથી ઓછામાં ઓછા 40થી વધારે ગામોમાં દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમે છે. બૂટલેગરોએ ગામડાઓની સ્થિતિને એટલી હદ્દે વિકૃત કરી નાંખી છે કે ગામે-ગામનો યુવક દારૂને રવાડે ચડી રહ્યો છે. કુદરતના ખોળે રહેલા ગામડાવાસીઓના જીવન એક સમયે ખુબ જ તાજગીપૂર્ણ અને સ્વસ્થ્ય મનાતા હતા, પરંતુ દારૂના દૂષણે ગામ લોકોના જીવનમાં ધૂળ નાંખી દીધી છે. દેશનુ યુવાધન ખતરનાક ગણાતા દેશી દારૂના ચંગૂલમાં ફસાઈ રહ્યાં છે.
ગામડાઓમાં ખુબ જ મોટા પાયે દારૂના દૂષણે પગપેસારો કરી દીધો છે. આ દૂષણને સમયસર ડામવો રહ્યો નહીંતર ગુજરાત ખોખલું થતાં વધારે સમય લાગશે નહીં. દારૂ ઉધઇની જેમ ગુજરાતના ગામડાઓને બોદૂ કરી રહ્યું છે. પૈસાની લાલચે પોલીસે જ પોતાના હાથ બાંધી લીધા છે. ગુજરાત ટાઈમ્સ24 પોતાના આગામી અહેવાલમાં સતલાસણા તાલુકાની ગામદીઠ માહિતી પ્રકાશિત કરશે.
મહેસાણાના તમામ તાલુકામાં સર્વે હાથ ધરીને કેટલા ગામડાઓમાં દેશી અને અંગ્રેજી દારૂનું દૂષણ ઘુસ્યૂં છે, તે અંગેની માહિતી ગુજરાત સરકાર સુધી પહોંચાડશે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને સીઆર પાટીલને ગુજરાતના ગામડાઓને બચાવવાની કામગીરી હાથે ધરવી પડશે. દારૂ આપણા ગામડાઓને ગળી રહ્યું છે. તેવામાં 30 વર્ષથી સત્તામાં રહેલી ભાજપા સરકારની જવાબદારી બને છે કે, તેઓ બૂટલેગરોથી ગામડાઓને મુક્ત કરે.
દારૂના દૂષણને ડામવા અને સરકારી તંત્રને જગડાવા માટે એક સર્વત્ર અભિયાન હાથ ધર્યું છે, જેમાં મહેસાણા પછી બનાસકાંઠા, પાટણ, અરવલ્લી સહિતના જિલ્લાઓમાં કેટલી હદ્દે દારૂ ગામડાઓના જીવનમાં ઘૂસી ગયું છે, તે અંગેનો ખુલાસા કરવામાં આવશે. જોકે, આની શરૂઆત પીએમ મોદીના વતન એવા મહેસાણાથી કરવામાં આવી છે. તેથી પીએમ મોદીને પણ ખ્યાલ આવે કે તેમના વતનના કેટલા યુવકો સસ્તા નશામાં હોમાઇ રહ્યાં છે. જણાવી દઇએ કે, મહેસાણાના એસપી અચલ ત્યાગી પણ દારૂના દૂષણને ડામવાની સકારાત્મક કામગીરી કરતાં રહ્યા છે. પરંતુ તેમના જ લોકો તેમની આંખોમાં ધૂળ નાંખવાનુ કામ કરી રહ્યા છે.
અમે અમારા આગામી રિપોર્ટમાં સતલાસણા તાલુકાના તમામ 65 ગામડાઓના આંકડાઓ દર્શાવીશું, જેમા બૂટલેગરોના નામ સહિતનો સંપૂર્ણ અહેવાલ પ્રકાશિત કરવામાં આવશે.
ઉલ્લેખનિય છે કે, ગુજરાત ટાઈમ્સની ટેગ લાઈન જ ગામડાઓની સમસ્યાઓ ગાંધીનગર સુધી પહોંચાડવાની છે, તો વર્તમાન સમયમાં ગામડાઓમાં દારૂ એક રાક્ષસ કરતાં પણ વધારે ખતરનાક સમસ્યા બની બેસ્યું છે. જોકે, આ સમસ્યા વિશે અત્યાર સુધીમાં કોઈએ સાર્વત્રિક રીતે આટલું મોટુ કવરેજ હાથ ધર્યું નથી. તેથી સમસ્યા ઉજાગર થઇ શકી નથી.
આ પણ વાંચો-સાયબર ફ્રોડ માટે ભાડે રખાયેલા હજારો બેંક એકાઉન્ટનો પર્દાફાશ; બે લોકોની ધરપકડ