ગુજરાતના 80 ગામડાઓના ખેડૂતો માટે ખુશીના સમાચાર; 839 કરોડ રૂપિયાની સૈદ્ધાંતિક મંજૂરી

ગાંધીનગર; સુરેન્દ્રનગર જિલ્લાના ચાર તાલુકાના 70 ગામડામાં નર્મદા કેનાલનું પાણી નહીં પહોંચી શકયુ હોવાથી ખેડૂતોએ લાંબા સમય સુધી આંદોલન અને બેઠકો યોજી હતી. ત્યારબાદ રાજ્યના પાણી પુરવઠા મંત્રી, વિધાનસભાના નાયબ દંડકની હાજરીમાં સરપંચો સહિતના આગેવાનોની હાજરીમાં રૂ. 839 કરોડના ખર્ચે થનારા સૌની યોજનાનું કામ ઝડપભેર શરૂ થવાની જાહેરાત કરાઈ હતી. તેમજ જિલ્લા ગ્રામ્યમાં જ્યાં પીવાનું પાણી ન મળતુ હોય ત્યાં ટેન્કરથી પાણી આપવા આદેશ કરાયો હતો.

વધુમાં પ્રાપ્ત વિગતો અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા, વઢવાણ, મૂળી, સાયલા તાલુકાના સીતેર અને હળવદ તાલુકાના 11 સહિત 80 જેટલા ગામડાઓમાં નર્મદા કેનાલના પાણી પહોચ્યા નથી.જેના કારણે ખેડૂતોને સિંચાઇ,ગ્રામજનો અને અબોલજીવોને પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાય છે.અગાઉ આ ગામડાના ખેડૂતોએ ગામડે ગામડે બેઠકો યોજી આંદોલન પણ કર્યુ હતુ. એ સમયે મુખ્યમંત્રીએ હૈયાધારણા આપી હતી.

એવામાં સુરેન્દ્રનગર ખાતે પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયા, નાયબ મુખ્ય દંડક જગદીશભાઇ મકવાણાએ ધારાસભ્યો, સંગઠના હોદેદારો, વિવિધ વિભાગના અધિકારીઓ અને સરપંચ સાથે બેઠક યોજી હતી. 80 જેટલા ગામડાઓમાં સૌની યોજના હેઠળ પાઇપલાઇન દ્વારા પાણી પહોચાડવાની સૈધ્ધાંતીક મંજૂરી મળતા ટુંક સમયમાં કામ શરૂ કરવાની પણ જાહેરાત કરી હતી. બીજી તરફ વઢવાણ, મૂળી તાલુકાના અમુક ગામડાઓમાં હાલ પીવાના પાણીની સમસ્યાની પણ રજૂઆત કરાઇ હતી. આમ આવતા સમયમાં ઝાલાવાડમાં પાણીની સમસ્યા કાયમી માટે ઉકેલાય એવા એંધાણ વર્તાઇ રહયા છે.

નાયબ મુખ્ય દંડક જગદીશભાઇ મકવાણાએ જણાવેલ કે રૂ. 839 કરોડના ખર્ચે સૌની યોજના હેઠળ ચાર તાલુકામાં પાઇપલાઇન દ્વારા પાણી પહોચાડવા માટેના કામની સૈધ્ધાંતીક મંજૂરી મળી ગઇ છે ટુંક સમયમાં કામો પણ શરૂ થઇ જશે અને ખેડૂતો અને ગામડામાં પીવાના પાણીની પણ સમસ્યા હલ થઇ જશે.હાલ જ્યા પીવાના પાણીની સમસ્યા છે, ત્યાં ટેન્કરથી તાત્કાલીક પાણી પહોચાડાશે.

સુરેન્દ્રનગર જિલ્લાના ચાર તાલુકાના નર્મદાની મુખ્ય કેનાલનું પાણી નહીં પહોચતા ગામડાઓમાં લોકો, અબોલજીવોને અને સીમમાં ખેડૂતોને ભારે હાલાકી પડી રહી છે. ત્યારે સૌની યોજના હેઠળ પાઇપલાઇન દ્વારા કેનાલ જેવા પ્રવાહથી પાણી નહી પહોચે પરંતુ મોટાભાગની સમસ્યા ચોકકસ હલ થઇ જશે.

આ પણ વાંચો- સુરતમાં નશાખોરોએ શાળામાં જતાં બાળકોને કર્યા ટાર્ગેટ; સ્કૂલ બેગમાંથી મળી શંકાસ્પદ વસ્તુ