સાયબર ફ્રોડ માટે ભાડે રખાયેલા હજારો બેંક એકાઉન્ટનો પર્દાફાશ; બે લોકોની ધરપકડ

ગાંધીનગર: સમગ્ર દેશમાં ઓનલાઈન છેતરપિંડીની ઘટનાઓ વધી રહી છે, ત્યારે ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ પ્રકારની છેતરપિંડી માટે ઉપયોગમાં લેવાા બેંક એકાઉન્ટના મોટા નેટવર્કનો પર્દાફાશ કરીને કલોલમાંથી બે શખ્સોની ધરપકડ કરી લીધી છે. આ આરોપીઓ દ્વારા ટેલિગ્રામ ગ્રુપ બનાવીને લોકોને કમિશનની લાલચ આપીને બેન્ક એકાઉન્ટની વિગતો મેળવીને તેમાં રૂપિયા ટ્રાન્સફર કરાવવામાં આવતા હતા. પોલીસે મુંબઈના મુખ્ય સુત્રધાર એવા અલી નામના શખ્સની પણ શોધખોળ શરૂ કરી છે અને તેની ધરપકડ થયા બાદ સાયબર ફ્રોડનું મોટુ નેટવર્ક સામે આવી શકે છે.

હાલના ડિજિટલ યુગમાં સાયબર ક્રાઈમ કરતી ટોળકીઓ દ્વારા અવનવા કિમીયા અપનાવીને નાણાકીય પ્રોલભન આપી નિર્દોષ નાગરિકોને ટાર્ગેટ બનાવીને ઓનલાઈન છેતરપિંડી આચરવામાં આવી રહી છે. આ પ્રકારના ગુનાઓ પ્રતિદિવસ વધી રહ્યાં છે, જેને પગલે પ્રિવેન્શન તેમજ ડિટેક્શન માટે પોલીસ દોડી રહી છે, ત્યારે ગાંધીનગર જિલ્લાની એલ.સી.બીની બી ટીમે કલોલ તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગ કરતાં બાતમી મળી હતી કે, છત્રાલ ખાતે રહેતો મહંમદ ઇસ્માઈલ નીયામત અલી સૈયદ તથા તેનો સાગરીત સરફરાજ અલગ-અલગ રીતે પ્રોલભન આપીને સામાન્ય લોકો પાસેથી ઓનલાઈન ફ્રોડ કરીને મેળવેલા નાણા જરૂરીયાતમંદ સ્થાનિક વ્યક્તિઓને કમિશનની લાલચ આપી તેઓના નામે અલગ-અલગ બેંક એકાઉન્ટમાં ઠગાઈના નાણા જમા કરાવે છે તે પછી તે નાણા ઉપાડીને તે નાણા યુ.એસ.ડી.ટી. ક્રિપ્ટો કરન્સીમાં કન્વર્ટ કરી મુંબઈ ખાતે રહેતા તેના સાગરીતને ઓનલાઈન ટ્રાન્સફર કરી આર્થિક ગુન્હાઓ આચરે છે. જે બાતમીના આધારે એલ.સી.બીની ટીમ મોટું નેટવર્ક બહાર લાવી છે.

આરોપીઓ પાસેથી અલગ-અલગ બેંકોની પાસબુક અને ડેબિટ કાર્ડ પણ મળી આવ્યા હતા. આરોપી મહંમદ ઇસ્માઈલ સૈયદ છેલ્લા દોઢેક વર્ષથી ટેલીગ્રામ મોબાઈલ એપના માધ્યમથી નાણાંકીય પ્રલોભન આપી છેતરપીડી આચરતા અલી નામના શખ્સ સાથે સંપર્કમાં આવ્યો હતો. અલીના કહેવા મુજબ બે ટકા કમીશન ઉપર જરૂરીયાતમંદોના નામે બેંક એકાઉન્ટ ખોલાવી આપવા સંમતી આપી મહમ્મદ ઈસ્માઈલ સૈયદ પોતાના ઓળખીતા તથા સરફરાઝ રફીક ભાઈ મલેકને પોતાને મળતા કમિશનમાં 50 ટકા કમિશન આપવાનું કહેતો હતો. તેઓ પાસેથી બેન્ક એકાઉન્ટ મેળવી જેની વિગતો અલીને ટેલીગ્રામ એપ મારફતે મોકલી આપતો, જે એકાઉન્ટમાં અલી લોકોને નાણાંકીય પ્રલોભન આપી તેઓ સાથે ઓનલાઈન ઠગાઈ કરતો હતો.

આ પણ વાંચો-ગુજરાતના 80 ગામડાઓના ખેડૂતો માટે ખુશીના સમાચાર; 839 કરોડ રૂપિયાની સૈદ્ધાંતિક મંજૂરી