વડોદરા: મહેસાણા પોલીસના નાક નીચેથી વડોદરા સાયબર સેલની ટીમે મહેસાણાના વિસનગરમાંથી ઓનલાઈન ઠગાઈ કરનારા કેટલાક આરોપીઓને પકડી પાડ્યા છે. ડબ્બા ટ્રેડિંગ સાથે પણ તેમનો સીધો કોન્ટેક્ટ હોવાના પુરાવા પોલીસને મળી આવ્યા છે.
મહેસાણાના વિસનગર-વડનગરમાં ડબ્બા ટ્રેડિંગનું દૂષણ મોટા પાયે ચાલી રહ્યું હોવાના રિપોર્ટ મીડિયામાં અનેક વખત ચમકી ચૂક્યા છે. જોકે, મહેસાણા સહિત વિસનગર અને વડનગરની પોલીસ આંખ પર પાટા બાંધીને સૂઇ રહી છે. પરંતુ વડોદરા સાયબર સેલ દ્વારા ડબ્બા ટ્રેડિંગના નામે ઓનલાઈન ઠગાઈ કરતી ગેંગના નેટવર્કનુ પર્દાફાશ કર્યું છે. ઉલ્લેખનિય છે કે, અગાઉના મીડિયા રિપોર્ટમાં વિસનગર સહિતના વિસ્તારોમાં ડબ્બા ટ્રેડિંગ ચલાવનારાઓના નામ લખ્યા છતાં પણ પોલીસે કાર્યવાહી કરવાની ટાળી હતી. તેથી અનેક તર્ક-વિતર્ક સર્જાઇ રહ્યાં છે.
ઓનલાઇન ઠગાઈ કરતી ગેંગનું નેટવર્ક દિવસે દિવસે વધી રહ્યું છે અને લોકોને સાવચેત રહેવા વારંવાર અપીલ કરવામાં આવી રહી છે તેમ છતાં ઓનલાઇન ઠગાઈ કરતી ટોળકી દ્વારા જુદા જુદા કીમિયા અજમાવીને લોકોના બેંક એકાઉન્ટ ખાલી કરવામાં આવી રહ્યા છે. વડોદરા સાયબર સેલને મળેલી ફરિયાદના આધારે તપાસ શરૂ કરતાં તેનો રેલો મહેસાણા સુધી આવી પહોંચ્યો હતો. મહેસાણાના વિસનગરમાં બેસીને રાજ્યભરના લોકો સાથે છેતરપિંડી કરનારા ત્રણ લોકોની અટકાયત કરી છે.
આ દરમિયાન અનેક ચોંકાવનારી જાણકારી પણ સામે આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, ઓનલાઈન છેતરપિંડી કરનારાઓએ માત્ર બે જ વર્ષમાં માત્ર એક જ એકાઉન્ટમાં 1.88 કરોડ રૂપિયાનું ટ્રાન્જેક્શન કર્યું છે. તો પ્રશ્ન તે ઉઠી રહ્યો છે કે, આ લોકોએ અન્ય કેટલા એકાઉન્ટ્સનો ઉપયોગ કર્યો હશે અને કેટલા રૂપિયાનું ટ્રાન્જેક્શન કર્યું હશે?
વડોદરા સાયબર સેલે ઓનલાઇન ઠગાઈ કરતી ગેંગ ને બોગસ સીમકાર્ડ ઇસ્યુ કરનાર તેમજ બેંક એકાઉન્ટોની સવલત પૂરી પાડનાર ત્રણ સાગરીતોને ઝડપી પાડ્યા છે. પ્રાથમિક પૂછપરછમાં બે વર્ષમાં 4,000 થી વધુ બોગસ સીમકાર્ડ કરવામાં આવ્યા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.
વડોદરાના સયાજીપુરા વિસ્તારમાં રહેતા પ્રવીણ કરાટ નામના યુવકને ઓનલાઈન ઠગ ટોળકીએ શેરબજારના નામે ફસાવ્યો હતો. એન્જલ વર્લ્ડના નામે વાતચીત કરનાર ટોળકીય પહેલા તો શેરમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાના નામે યુવકને 16000 રૂપિયાનો ફાયદો કરાવી આપ્યો હતો. યુવકને વિશ્વાસમાં લીધા પછી ટોળકીએ તેના પાસેથી બાર લાખ પડાવી લીધા હતા.
સાયબર સેલના એસીપી અને બે પીઆઇની ટીમે પ્રવીણભાઈ સાથે વાતચીત કરનાર મોબાઈલ નંબરો તેમજ બેંક એકાઉન્ટની વિગતોને આધારે તપાસ કરતાં સીમકાર્ડ ડમી જણાઈ આવ્યા હતા. પોલીસે મહેસાણા તેમજ ગાંધીનગર સહિતના સ્થળોએ દરોડા પાડી વડોદરાના યુવકને ઠગવા માટે બોગસ સીમકાર્ડ તેમજ બેંક એકાઉન્ટ પુરા પાડનાર ત્રણ સાગરીતો ઝડપાઈ ગયા હતા.
પકડાયેલા સાગરીતો ના નામ અને કૌભાંડમાં ભૂમિકા
ઓનલાઇન ઠગાઈ કરતી ટોળકી સાથે સંકળાયેલા ત્રણ સાગરીતોની વિગત આ મુજબ છે.
(1) ક્રિષ્ના કુમાર છગનસિંઘ રાજપુરોહિત-ધોરણ 12 (વિસનગર, ધરોઈ કોલોની મૂળ રાજસ્થાન) પોતાના નામે અને ક્રિષ્ના એન્ટરપ્રાઇઝના નામે બેન્ક એકાઉન્ટ આપ્યા હતા. બે વર્ષ દરમિયાન બંને બેન્ક એકાઉન્ટમાં 1.88 કરોડ ના ટ્રાન્જેક્શન થયા હતા અને તેને પાંચ ટકા કમિશન મળ્યું હતું.
(2) રીન્કેશ અશોક ભારતી ગોસ્વામી ધોરણ 12 (શ્યામ વિલા ગ્રીન,શેલ્બી હોસ્પિટલ સામે,નરોડા,અમદાવાદ મૂળ સિધ્ધપુર પાટણ) વોડાફોનના સેલ્સમેન તરીકે એજન્ટોનું રજીસ્ટ્રેશન કરાવી તેમના નામના સીમકાર્ડ ઇસ્યુ કરતો હતો. બે વર્ષમાં 4,000 થી વધુ સીમકાર્ડ ઈશ્યુ કર્યા. હર્ષ ચૌધરી પાસેથી એક ગ્રાહક દીઠ 20 રૂપિયા લેખે ડિટેલ મેળવતો હતો.
(3) હર્ષ કિર્તીભાઈ ચૌધરી બીએસસી (ગૌરવ ટાઉનશિપ,મહેસાણા રોડ, વિસનગર) પ્રધાનમંત્રી ગ્રામીણ ડિજિટલ શિક્ષણ નો ટ્રેનિંગ સેન્ટર ચલાવી ગ્રામજનોના ડેટા અને ડોક્યુમેન્ટ મેળવી રિંન્કેશને ગ્રાહક દીઠ 20 લેખે માહિતી આપતો હતો.
સાયબર સેલના સૂત્રોએ કહ્યું છે કે ઉપરોક્ત ટોળકી દ્વારા કરાયેલા સીમકાર્ડ ડબ્બા ટ્રેડિંગના સાગરીતોને પણ પહોંચાડવામાં આવ્યા હોવાની પ્રાથમિક માહિતી મળી છે. પકડાયેલા ત્રણેય સાગરીતો પાસેથી છ મોબાઈલ અને એક લેપટોપ કબજે કરવામાં આવ્યા છે.
ગુજરાત ટાઈમ્સ24 ડબ્બા ટ્રેડિંગ સાથે સંકળાયેલા કેટલાક અસામાજિક તત્વોના નામ પોતાના આગામી રિપોર્ટમાં જાહેર કરશે. જેઓ વર્તમાન સમયમાં વિસનગર-વડનગર અને આસપાસના ગામડાઓમાં રહીને મોટા પાયે ડબ્બા ટ્રેડિંગનું (શેર માર્કેટના નામે) નેટવર્ક ચલાવી રહ્યા છે. આ આરોપીઓમાંથી કેટલાકે તો ફોન કોલ કરવા માટે પોતાની ટીમમાં યુવતિઓને પણ જોડી લીધી છે.
આ પણ વાંચો- સતલાસણા તાલુકામાં દારૂનું વેચાણ કરવા હાઇવે ઉપર જ બૂટલેગરોએ બનાવ્યા પાર્લર
આ પણ વાંચો- સાયબર ફ્રોડ માટે ભાડે રખાયેલા હજારો બેંક એકાઉન્ટનો પર્દાફાશ; બે લોકોની ધરપકડ