કાઠમાંડુ : નેપાળમાં સતત ચોથા દિવસે 5.8ની તિવ્રતાનો ભૂંકપ આવ્યો હતો. નેપાળ સરકારના જણાવ્યા અનુસાર જાજરકોટમાં સાંજે સાડા ચાર વાગ્યે પ્રથમ આંચકો જ્યારે 15 મિનિટ બાદ 4.5ની તિવ્રતાનો બીજો આંચકો આવ્યો હતો. આમ એક જ દિવસમાં બે ભયાનક આંચકા અનુભવાયા હતા.
નેપાળમાં સીરિયલ ભૂકંપની શરૂઆત શુક્રવારે થઇ હતી, જેમાં 157 લોકો માર્યા ગયા હતા. સોમવારે આવેલા ભૂકંપના આંચકાઓની અસર ફરી ભારતમાં જોવા મળી હતી. ભારતમાં નેપાળ સરહદના વિસ્તારો તેમજ રાજધાની દિલ્હીમાં પણ આંચકા આવ્યા હતા. જેને કારણે લોકો ઘરોની બહાર નિકળી ગયા હતા.
દિલ્હીમાં આવેલા ભૂકંપના આંચકા બાદ લોકો ઓફિસ, ઘરોની બહાર નિકળી ગયા હતા જેના વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યા હતા. દિલ્હી ઉપરાંત આસપાસના વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા આવ્યા હતા. નેપાળમાં શુક્રવારે મોડી રાત્રે જ્યારે ભૂકંપનો મોટો આંચકો આવ્યો હતો ત્યારે પણ દિલ્હીમાં તેની અસર થઇ હતી, તેથી માત્ર ચાર જ દિવસમાં નેપાળની સાથેસાથે દિલ્હીમાં પણ ભૂકંપે ફરી ભયનો માહોલ ઉભો કર્યો હતો. શુક્રવારે નેપાળના જાજરકોટમાં જ જીવલેણ ભૂકંપ આવ્યો હતો જેમાં 157 લોકો માર્યા ગયા હતા સાથે સાથે 8 હજારથી વધુ મકાનો ધરાશાયી થયા હતા.
બીજી તરફ નેપાળમાં વારંવાર ભૂકંપના આંચકા આવી રહ્યા છે ત્યારે વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે ગમે ત્યારે નેપાળમાં સૌથી ભયાનક આંચકા આવી શકે છે. છેલ્લે 2015માં નેપાળમાં આવેલા ભૂકંપે 9 હજાર લોકોનો ભોગ લીધો હતો અને પાંચ લાખ ઇમારતોનો નાશ વાળ્યો હતો.
જોકે વૈજ્ઞાનિકોએ તાજેતરના આંચકાને ધ્યાનમાં રાખીને ચેતવણી આપી છે કે રવિવારે જે આંચકો આવ્યો હતો તેમાં પેટાળમાંથી એનર્જી પુરતા પ્રમાણમાં બહાર નથી નીકળી, જેને કારણે હવે ગમે ત્યારે અત્યંત વિનાશક ભૂકંપ આવવાની શક્યતાઓ છે.
નેશનલ સોસાયટી ફોર અર્થક્વેક ફોર ટેક્નોલોજી નેપાળ (એનસેટ)ના ડાયરેક્ટર ડો. આમોદ દિક્ષિતે જણાવ્યું હતું કે રવિવારે જે ભૂકંપનો આંચકો આવ્યો હતો તેનુ કેન્દ્ર બિન્દુ નેપાળના મધ્યમાં હતું, જેને પેટાળમાંથી સતત એનર્જી છોડનારુ કેન્દ્ર પણ માનવામાં આવે છે. આ વિસ્તારમાં અગાઉ અત્યંત મોટા ભૂકંપ આવી ચુક્યા છે.
નેપાળમાં હાલ ઇન્ડિયન અને યુરેસિયન ટેક્ટોનિક પ્લેટ્સના ટકરાવાથી ભૂકંપ આવી રહ્યા છે. રવિવારે આવેલા ભૂકંપમાં પુરતી એનર્જી બહાર નથી આવી. તેથી પુરી શક્યતાઓ છે કે નેપાળમાં સૌથી ઘાતક આઠની તિવ્રતાનો ભૂકંપ આવી શકે છે. કદાચ તિવ્રતા આઠ કરતા પણ વધુ હોઇ શકે છે. વૈજ્ઞાનિકે લોકોને સાવચેત રહેવાની પણ ચેતવણી આપી છે.
આ પણ વાંચો-રાજ્યમાં મોટા પાયે GPCB વર્ગ-2ના અધિકારીઓની બદલી; જૂઓ લિસ્ટ