રાજ્યમાં નવજાત બાળકોનું મૃત્યુદર ચિંતાજનક; દર હજારે 23 બાળકોના મૃત્યું

અમદાવાદ : બાળકના જન્મથી કેટલાક મહિનાઓ તેના વિકાસ માટે ખુબ જ અગત્યના હોય છે. જો બાળકને પુરતુ પોષણ ના મળે કે બિમારીઓમાં સપડાઇ જાય તો બાળકમાં કુપોષણ જોવા મળે છે. કેટલાક બાળકો કુપોષણ સામે લડી શક્તા ના હોવાથી મૃત્યુ પામે છે. જેથી બાળકના સર્વાંગી વિકાસ તેમજ તેનામાં પોષણ વધે તે માટે ઈન્ફન્ટ પ્રોટેક્શન દિવસ એટલેકે શીશુ (નવજાત) સંરક્ષણ દિવસ ઉજવવામાં આવે છે.

વર્ષ ૧૯૯૦નાં શરૂઆતના તબક્કામાં યુરોપીય દેશો દ્વારા શીશુઓના સંરક્ષણ અંગે જાગૃતી લાવવા માટે ઈન્ફન્ટ પ્રોટેક્શન દિવસ ઉજવવાની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ અમેરિકા પણ આ અભિયાનમાં જોડાયું અને ત્યારથી સાતમી નવેમ્બરના દિવસે ઈન્ફન્ટ પ્રોટેક્શન દિવસની ઉજવણી કરવામાં આવે છે.

ભારતમાં સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમના મે-૨૦૨૨ના રિપોર્ટ મુજબ શીશુ મૃત્યુ દરમાં ૩૬ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લાં ૧૦ વર્ષમાં ભારતમાં શીશુ મૃત્યુ દર ૪૪ થી ઘટીને ૨૮ સુધી પહોંચ્યો છે. જેમાં ગ્રામ્ય વિસ્તારમાં ૪૮થી ઘટીને ૩૧ તથા શહેરી વિસ્તારમાં ૨૯થી ઘટીને ૧૯ સુધી પહોંચ્યો છે. એક દાયકામાં શીશુ મૃત્યુ દરમાં ઘટાડો નોંધાવા છતાં દર હજાર જન્મેલા બાળકોમાંથી ૩૬ શીશુઓનાં મોત થાય છે.

વર્ષ ૨૦૨૦માં શહેરી વિસ્તારમાં ૧૭, ગ્રામ્ય વિસ્તારમાં ૨૭ તથા ગુજરાત રાજ્યમાં કુલ શીશુ મૃત્યુ દર ૨૩ નોંધાયો હતો. જેથી ગુજરાત દેશમાં શહેરી વિસ્તારમાં ૮માં ક્રમાંકે, ગ્રામ્ય વિસ્તારમાં ૮માં ક્રમાંકે તથા કુલ ૧૦માં ક્રમાંકે રહ્યું હતું. જેમાં શહેરી વિસ્તારમાં બાળકીઓમાં ૪.૭, બાળકોમાં ૫.૩ તથા ગ્રામ્ય વિસ્તારમાં બાળકીઓમાં ૫, બાળકોમાં ૭ શીશુ મૃત્યુ દર નોંધાયો હતો.

વર્ષ ૨૦૧૯માં ભારતના સંદર્ભે ગુજરાતમાં શહેરી વિસ્તારમાં કર્ણાટક, પંજાબ, તેલંગણા, પશ્ચિમ બંગાળ અને મેઘાલય સાથે ૧૨માં ક્રમાંકે, ગ્રામ્ય વિસ્તારમાં ૭માં ક્રમાંકે તેમજ કુલ ૯માં ક્રમાંકે રહ્યું હતું. જેમાં શહેરી વિસ્તારમાં બાળકીઓમાં ૫, બાળકોમાં ૫.૫ તથા ગ્રામ્ય વિસ્તારોમાં બાળકીઓમાં ૫, બાળકોમાં ૬.૯ શીશુ મૃત્યુ દર નોંધાયો હતો.

વર્ષ ૨૦૧૮માં ગુજરાત દેશમાં ૧૧માં ક્રમાંકે, શહેરી વિસ્તારમાં ૧૪માં ક્રમાંકે તથા ગ્રામ્ય વિસ્તારમાં આંધ્રપ્રદેશ અને હરિયાણા સાથે ૮માં ક્રમાંકે રહ્યું હતું. જેમાં શહેરી વિસ્તારમાં બાળકીઓમાં ૫, બાળકોમાં ૫.૬ તથા ગ્રામ્ય વિસ્તારોમાં બાળકીઓમાં ૫.૨, બાળકોમાં ૭.૪ શીશુ મૃત્યુ દર નોંધાયો હતો.

વર્ષ ૨૦૧૭માં દેશમાં ગ્રામ્ય વિસ્તારમાં આંધ્રપ્રદેશ અને બિહાર સાથે ગુજરાત સાતમાં ક્રમાંકે, શહેરી વિસ્તારમાં કર્ણાટક અને પશ્ચિમ બંગાળ સાથે ૧૦માં ક્રમાંકે તથા દેશમાં હરિયાણા સાથે ૯માં ક્રમાંકે રહ્યું હતું.

જ્યારે શહેરી વિસ્તારમાં બાળકીઓમાં ૫.૪, બાળકોમાં ૫.૫ તથા ગ્રામ્ય વિસ્તારમાં બાળકીઓમાં ૫.૮, બાળકોમાં ૭.૯ શીશુ મૃત્યુ દર નોંધાયો હતો.

જ્યારે વર્ષ ૨૦૧૬માં ગુજરાત ૧૧માં ક્રમાંકે, શહેરી વિસ્તારમાં કર્ણાટક અને હિમાચલ સાથે ૧૨માં ક્રમાંકે તથા ગ્રામ્ય વિસ્તારમાં આંધ્રપ્રદેશ અને અરૂણાચલ પ્રદેશ સાથે ૭માં ક્રમાંકે રહ્યું હતું. જેમાં શહેરી વિસ્તારમાં બાળકીઓમાં ૧૯, બાળકોમાં ૧૮ તથા ગ્રામ્ય વિસ્તારમાં બાળકીઓમાં ૩૭, બાળકોમાં ૩૯ શીશુ મૃત્યુ દર નોંધાયો હતો.

આમ, વર્ષ ૨૦૧૬થી ૨૦૨૦ સુધી દેશમાં ગુજરાત ક્રમશઃ ૧૧, ૯, ૧૧, ૯ અને ૧૦માં ક્રમાંકે રહ્યું હતું. જેમાં ગ્રામ્ય વિસ્તારમાં ક્રમશઃ ૭, ૭, ૮, ૭ અને ૮માં ક્રમાંકે તેમજ શહેરી વિસ્તારમાં ક્રમશઃ ૧૨, ૧૦, ૧૪, ૧૨ અને ૮માં ક્રમાંકે રહ્યું હતું. શીશુઓના મૃત્યુ થવા પાછળ કેટલાક પરિબળો મહત્વના હોય છે. માતાનું દુધ ના મળવું, કુપોષણ, વેક્સિનેશન અધુરૂં રહેવું, તબીબી સારવારનો અભાવ, સ્વચ્છતાનો અભાવ સહિતના પરિબળો કારણભૂત હોવાનું તબીબો જણાવે છે.

આ પણ વાંચો- નેપાળમાં અત્યંત વિનાશક ભૂકંપની વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી