પોલીસ કોન્સ્ટેબલ અને ટીઆરબી કેમ કરે છે તોડપાણી- વાંચો ઇન્સાઈડ સ્ટોરી

અમદાવાદ: અમદાવાદમાં વર્લ્ડકપ 2023ની ફાઈનલ દરમિયાન ત્રણ પોલીસ કોન્સ્ટેબલ અને સાત ટીઆરબી જવાનો દ્વારા એક વ્યક્તિ પાસેથી 20,000 રૂપિયાનું તોડપાણી કર્યું હતું. આ બાબત સામે આવતા ઉપલા અધિકારી એટલે કે, ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ટ્રાફિક ઈસ્ટ-અમદાવાદ સિટી) સફીન હસને તમામ 10 કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા હતા. આ વચ્ચે રાજ્ય પોલીસ વડાએ ગુજરાતભરના તમામ ટીઆરબી જવાનોની નિમણુક રદ કરતાં હોબાળો મચી ગયો હતો.

રાજ્ય પોલીસ વડાના ટીઆરબી અંગેના એકાએક કરેલા નિર્ણયથી હડકંપ મચતા રાજકીય ગલીઓમાં પણ ભારે તણાવ જોવા મળ્યો હતો. તેથી રાજ્યભરના તમામ ટીઆરબી જવાનોને ફરજમુક્ત કરવાનો નિર્ણય સરકાર દ્વારા પરત લેવામાં આવ્યા છે. ટીઆરબી જવાનોને પરત ફરજ પર લાવવા માટેનો ઓર્ડર કરી દેવામાં આવ્યો છે.

ખેર, આ બધા સમાચારો વચ્ચે આપણે આપણા મેન પ્રશ્ન અંગે વાત શરૂ કરીએ કે પોલીસ કોન્સ્ટેબલ અને ટીઆરબી જવાનો કેમ તોડપાણી કરે છે?

વાત જાણે એમ છે કે, જંગલના રાજા સિંહને કોણ કહેવા જાય કે તમારૂ મોઢૂં ગંધાય છે. તેવી જ સ્થિતિ કંઇક પોલીસ ખાતાની થઈ ગઈ છે. જલસા કરે ઉપલા અધિકારી અને દંડાય પોલીસ કોન્સ્ટેબલ અને ટીઆરબી જેવા ગ્રાઉન્ડ લેવલે કામ કરતા કર્મચારી.. ટ્રાફિક પોલીસના ઉપલા અધિકારીઓ દ્વારા અમદાવાદમાં ભ્રષ્ટાચાર આચરવા માટેની એક સુવ્યવસ્થિત સિસ્ટમ ઉભી કરી દેવામાં આવી છે, જેના મૂળમાં ટીઆરબી જવાનો અને પોલીસ કોન્સ્ટેબલ રહેલા છે તો ટોચમાં શહેરના આઈપીએસ જેવા અધિકારીઓ રહેલા છે.

પોલીસના વિશ્વસનિય સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, અમદાવાદમાં ટ્રાફિક કંટ્રોલ કરવા માટે રાખેલા ટ્રાફિક બ્રિગેડ એટલે કે ટીઆરબી જવાનોએ પોઈન્ટ પર ઉભા રહેવા માટે એક ચોક્કસ રકમ ચૂકવવી પડે છે. અમદાવાદમાં વધારે ટ્રાફિકવાળા વિસ્તારોના પોઈન્ટનો ભાવ વધારે છે, તો ઓછા ટ્રાફિકવાળા પોઈન્ટનો ભાવ ઓછો છે. જણાવી દઇએ કે, પોલીસ કોન્સ્ટેબલોને સારો પોઇન્ટ મેળવવા માટે ટીઆરબી જવાન કરતાં વધારે પૈસા ચૂકવવા પડે છે.

આમ ઉપલા અધિકારીઓએ પોઈન્ટ પ્રમાણેના પૈસા નક્કી કરી લીધા છે. ટીઆરબી જવાન પોતાની ફરજ બજાવવા માટે પોઈન્ટ પર હાજર થાય તે પહેલા જ એક દિવસના તેણે પોલીસના ઉપલા અધિકારીઓના વહીવટદારોને નક્કી કરેલા પૈસાની ચૂકવણી રાબેતા મુજબ કરી દેવાની રહે છે. આમ અમદાવાદના તમામ પોઈન્ટની વાત કરવામાં આવે તો ટીઆરબી અને પોલીસ કોન્સ્ટેબલ પ્રતિદિવસ પોતાના ઉપલા અધિકારીઓને હજારો રૂપિયાની ચૂકવણી કરે છે. મહિનાના હિસાબથી આ રકમ લાખો રૂપિયામાં જતી રહે છે.

આમ પોલીસના ઉપલા અધિકારીઓ દિવસની એક ચોક્કસ રકમ લઈને ટીઆરબી જવાનો અને પોલીસ કોન્સ્ટેબલોને તોડપાણી કરવાનો સીધેસીધો પરવાનો આપી દે છે. ઉપલા અધિકારીઓેને પૈસા ચૂકવ્યા પછી તો ટીઆરબી જવાનો કોઈપણ ડર કે કોઈની પણ પરવા કર્યા વગર નાગરિકોને કાયદા-કાનૂનનો ડર બતાવીને આડકતરી રીતે દિવસભરમાં પોતે ચૂકવેલી મૂડીથી ડબલ પૈસા છાપી દે તે સ્વભાવિક બાબત છે.

એકંદરે જોવા જઈએ તો સીધીને સટ્ટ વાત છે કે, ટીઆરબી અને પોલીસ કોન્સ્ટેબલો તોડપાણી કરતાં નથી પરંતુ તેમના પાસે તોડપાણી કરાવવામાં આવી રહ્યો છે. તેઓ અપરાધી નહીં પરંતુ પીડિત છે.

આ અંગે વધુ વાત કરીએ તો અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં આ સિસ્ટમ હજું પણ યથાવત છે. એક વહીવટદાર ડીસીપીના નામે જ તમામ પોઈન્ટ પર રહેલા જવાનો પાસેથી પૈસા ઉઘરાવે છે. આમ અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં ટીઆરબી જવાનો અને પોલીસ કોન્સ્ટેબલો પાસેથી પ્રતિદિવસ ચોક્કસ રકમ લઈને તેમને પોઈન્ટ પર ઉભા રહેવા દેવામાં આવી રહ્યા છે.

પૈસા ચૂકવીને ફરજ કરનારા કર્મચારીઓ પોતાના પૈસા પરત મેળવવા માટે ગેરકાયદેસ રીતે મોટા સાધનોને શહેરમાં ઘુસાડી દેતા હોય છે. લક્ઝરી-રેતીના ડમ્પર સહિતના મસમોટા સાધનો દિવસે શહેરમાં પ્રવેશ થતો હોવાના કારણે શહેરની ટ્રાફિક ઉપર પણ તેની નકારાત્મક અસર થાય છે અને મસમોટા ટ્રાફિકજામ લાગી જાય છે.

ઉલ્લેખનિય છે કે, જીએસ મલિકે અમદાવાદના સીપીનો ચાર્જ સંભાળ્યો ત્યારથી અનેક દૂષણો પર બ્રેક લાગી ગઈ છે. 20 હજાર રૂપિયાના તોડપાણી મુદ્દે પણ સફિન હસનને સીપી દ્વારા જ તપાસ સોંપવામાં આવી હતી. તેથી તપાસ એકદમ ઝડપી પૂર્ણ કરીને તોડપાણીમાં સંડોવાયેલા તમામ કર્મચારીઓને ફરજમુક્ત કરવામાં આવ્યા હતા.

હવે પ્રશ્ન તે છે કે, અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં ફરજ બજાવતા ટીઆરબી અને પોલીસ કોન્સ્ટેબલો પાસે પ્રતિદિવસ તોડપાણી કરાવવામાં આવી રહ્યુ છે. તો શું આ અંગેની તપાસ કરવામાં આવશે ખરી? શું પશ્ચિમ વિસ્તારના ડીસીપીને ખ્યાલ છે કે તેમના નામે પૈસા ઉઘરાવવામાં આવી રહ્યા છે?

આ ગંભીર મુદ્દાને લઈને પોલીસ કમિશ્નરે તપાસ કરીને પાણીનું પાણી અને દૂધનું દૂધ કરવું જોઈએ. કેમ કે આ તોડપાણીની સિસ્ટમનો જન્મ મોટા ગજાના અધિકારીઓએ આપી છે.

આ પણ વાંચો-ખેરાલુ તાલુકાના ગામડાઓમાં ભેંસ ચોરીની ઘટનાઓમાં ધરખમ વધારો; પશુપાલકોના પડખે કોણ?