મહેસાણા: એકદમ ઝડપી રીતે પૈસા કમાવવા માટે ખેરાલુ-વડનગર અને વિસનગરના પટ્ટાના યુવકો ખોટા રસ્તે ચડ્યા છે. આ વિસ્તારના ગામડાઓના યુવકો ડબ્બા ટ્રેડિંગને પોતાનો વ્યવસાય બનાવી રહ્યાં છે. તો ક્યાંકને ક્યાંક આ ત્રણેય તાલુકાઓની પોલીસની ભૂમિકા શંકાના દાયરા હેઠળ આવી રહી છે.
મોટા પ્રમાણમાં ડબ્બા ટ્રેડિંગ કરીને રાજ્યના લોકોને લૂંટતા યુવકોને કોણ પીઠ બળ પુરૂ પાડી રહ્યું છે તે સૌથી મોટો પ્રશ્ન છે. શું પોલીસ એટલી બધી નિષ્ક્રિય છે કે તેમના વિસ્તારના યુવકો પ્રતિદિવસ ડબ્બા ટ્રેડિંગ કરીને રાજ્ય અને દેશના લોકોને કરોડો રૂપિયાનો ચૂનો ચોપડી રહ્યાં છે અને તેઓ આ ગુનાહિત પ્રવૃતિથી અજાણ છે? કે પછી તેઓ પોતે જ તેમને છાવરી રહ્યા છે.
ડબ્બા ટ્રેડિંગનુ મોટું નેટવર્ક
સ્વભાવિક છે કે, બે બાબતો થઈ શકે એક પોલીસની નિષ્ક્રિયતાએ યુવાઓને બે નંબરનો ધંધો કરવાની હિંમત આપી હોય અથવા તેમના સાથે હાથ મિલાવી લીધો હોય. મહેસાણાના એસપી અચલ ત્યાગી એકદમ ક્લિન ઇમેઝ ધરાવતા હોવા છતાં તેમના વિસ્તારમાં ડબ્બા ટ્રેડિંગનુ આટલું મોટું નેટવર્ક ઉભું થઇ ગયું છે તે પણ એક આશ્ચર્યજનક બાબત છે.
ડબ્બા ટ્રેડિંગના કાળા કારોબારમાં પીઆઈ-પીએસઆઈ અને વહીવટદાર કક્ષાના પોલીસ કર્મીઓની ભૂમિકા શંકાસ્પદ
શું અચલ ત્યાગી તેમના વિસ્તારમાં ચાલતા ડબ્બા ટ્રેડિંગથી અજાણ હશે? ઇમાનદાર વ્યક્તિ હોવાના કારણે કદાચ પોલીસ બેડામાં બેસેલા અન્ય પીઆઈ કે પીએસઆઇ પોતાના રોટલા શેકવા માટે મહેસાણા એસપી ઓફિસ સુધી ડબ્બા ટ્રેડિંગની વાત જવા ન પણ દેતા હોઇ શકે છે. આમ વિસનગર-વડનગર તાલુકામાં પીઆઈ-પીએસઆઈ અને વહીવટદારોની ભૂમિકા શંકાસ્પદ દેખાઈ રહી છે.
મસમોટી ટીમો બનાવીને કામને આપાય છે અંજામ
વિસનગર અને વડનગરમાં ડબ્બા ટ્રેડિંગ એટલે કે શેર માર્કેટના નામે લોકોને છેતરપીંડી કરવાનું કામ મોટા પાયે કરવામાં આવી રહ્યું છે. યુવાઓ પોત-પોતાની ટીમ બનાવીને આ કામને અંજામ આપી રહ્યા છે. આ કાળા કામ કરીને વડનગર-વિસનગરના સંખ્યાબંધ લબરમૂછિયા યુવકો લાખો રૂપિયાની પ્રોપર્ટી બનાવી લીધી છે.
મોબાઈલ ફોન કરીને સ્ક્રીપ્ટ થકી લોકો સાથે છેતરપિંડી
આ તમામ યુવકો ઓછા-વત્તા અંશે ભણેલા પણ હોય છે પરંતુ બેરોજગાર હોવાના કારણે ઊંધો રસ્તો અપનાવી લે છે. તો કેટલાક યુવકોનું ભણતર ખુબ જ ઓછું છે, તે છતાં પણ તેઓ લોકોને છેતરવા માટે એક સ્ક્રિપ્ટ તૈયાર કરે છે અને મોબાઈલ ફોન કરીને સ્ક્રીપ્ટની મદદથી વાતચીત કરીને લોકો સાથે છેતરપિંડી કરે છે.
ત્રણ વિધર્મી યુવકો સામાન્ય જનતાને કરે છે લૂટવાનુ કામ
નાનીવાડા ગામમાં પણ ડબ્બા ટ્રેડિંગનું દૂષણ ઘુસી ગયું છે. શહેઝાદ, સાજિદ અને ફેમિયરે દલાલ સ્ટોકના નામે લોકો સાથે છેતરપિંડી કરીને નાની ઉંમરમાં ઘર-ગાડી અને લાખો રૂપિયાની પ્રોપર્ટી વસાવી લીધી છે. જાણવા જેવી વાત તે છે કે, તેઓ પોતે કોઈ નોકરી કરતાં નથી કે તેમના પરિવારમાંથી અન્ય કોઈ સભ્ય નોકરી-ધંધો કરે છે.
શહેઝાદ નામના યુવકે પોતાના ગામમાં જ ગેરકાયદેસર રીતે કમાયેલા પૈસાથી લાખો રૂપિયાનું ઘર બનાવી લીધું છે તો સાજિદે કાળી કમાણીથી પાટણમાં પોતાનું ઘર બનાવ્યું છે, તે ઉપરાંત બે અર્ટિગા ગાડીઓ અને એક સ્વીફ્ટ કાર ખરીદી લીધી છે. હાલમાં પણ દલાલ સ્ટોકનું કામ ચાલું છે. તે ઉપરાંત ફેમિયર નામનો યુવક આઇ20 લઇને ફરે છે. કામ-ધંધાના નામે માત્રને માત્રને લોકોને છેતરવાનું કામ કરી રહ્યો છે.
આ ધંધામાં રહેલા કેટલાક અપરાધીઓ સમાજને બતાવવા માટે અન્ય ધંધો કરતાં હોય છે. તે ધંધા થકી તેઓ પોતાની ગુનાહિત પ્રવૃતિને છૂપાવી રાખે છે અને પડદા પાછળ ડબ્બા ટ્રેડિંગ ચલાવતા રહે છે. જેમ કે ખેરાલુમાં કેટલાક અપરાધીઓ પોતાની ઓળખ છૂપાવવા માટે અલગ-અલગ દુકાનો ચલાવે છે તો કેટલાક લોકો ગાડી લે-વેચનો ધંધો કરવાનું દર્શાવે છે.
આ પટ્ટાના મોટાભાગના ગામોમાં ડબ્બા ટ્રેડિંગનું દૂષણ ઘૂસી ગયું છે અને પ્રતિદિવસ દાવાનળ જેમ આગળ વધી રહ્યું છે. જે સમાજ માટે આગામી દિવસોમાં ખતરનાક સાબિત થઈ શકે છે. સુવરિયા, ખેરાલુ, નાડૂ, હસનપુરા, જંત્રાલ, મલેકપુરા, કંકૂપુરા, નાનીવાડા, શેખપુરા સહિતના અનેક ગામડાઓમાં ડબ્બા ટ્રેડિંગ પોતાની ચરમસીમા પર છે. આ તમામ આરોપીઓ હવે આસપાસના જિલ્લા અને તાલુકાઓમાં બેસીને પોતાનું ગેરકાદેસરના ધંધા કરાવી રહ્યા છે.
આ પણ વાંચો- વિસનગર-વડનગરમાં ચાલતા ડબ્બા ટ્રેડિંગના દૂષણને કોણ છાવરે છે?