નવી દિલ્હી: ચીનમાંથી નિકળેલ કોરોના વાયરસ ટૂંક જ સમય આખા વિશ્વમાં ફેલાઈ ગયો હતો. કોરોના મહામારીથી દુનિયાભરમાં કરોડો લોકોના મોત નિપજ્યા હતા. હવે એક વખત ફરીથી ચીનમાં ન્યૂમોનિયા જેવી એક અન્ય બિમારીએ લોકોને પોતાના ભરડામાં લીધા છે. બીજી ચોંકાવનારી બાબત તે છે કે, આ વાયરસે અમેરિકામાં એન્ટ્રી કરી લેતા દુનિયાભરના દેશોની ચિંતામાં વધારો કર્યો છે. પ્રાથમિક માહિતી અનુસાર, અમેરિકાના એક શહેરમાં ચીન જેવા જ કેસો સામે આવી રહ્યાં છે.
ઓહાયોમાં મોટી સંખ્યામાં બાળકો ભોગ બન્યા
ચીનમાં તબાહી મચાવનાર ન્યુમોનિયા હવે અમેરિકામાં ફેલાઈ રહી છે અને ઓહાયોમાં મોટી સંખ્યામાં બાળકો આ બીમારીનો ભોગ બન્યા છે જેના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ ઓહાયોના વોરેન કાઉન્ટીમાં લગભગ 145 બાળકો ન્યુમિનાયની ઝપેટમાં આવ્યા છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વોરેન કાઉન્ટી ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઈસ્ટિટ્યૂટના જણાવ્યા અનુસાર જો બાળકોમાં આ બીમારીના કેસ વધતા રહેશે તો ટૂંક સમયમાં જ ઓહિયોમાં આરોગ્ય કટોકટી લાદવામાં આવી શકે છે.
અધિકારીઓ રહસ્યમય બીમારીના કારણની કરી રહ્યા છે તપાસ
કોવિડ મહામારી બાદ અમેરિકન આરોગ્ય પ્રણાલી નબળી સ્થિતિ સાથે સંઘર્ષ કરી રહી છે તેવામાં ન્યુમોનિયાના વધતા કેસ સંકટને વધુ વધારી શકે છે. જો કે US સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC)ના એક સૂત્રએ જણાવ્યું કે રાષ્ટ્રીય સ્તરે બધું સામાન્ય છે તેમ છતાં ઓહાયોના અધિકારીઓ આ રહસ્યમય બીમારીનું કારણ શું છે તેની તપાસ કરી રહ્યા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર તેઓ માનતા નથી કે આ એક નવી શ્વસન બીમારી છે પરંતુ સામાન્ય રીતે એક જ સમયે ન્યુમોનિયાના કેસોની સંખ્યામાં વધારો થયો છે. વોરેન કાઉન્ટીના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર આરોગ્ય વિભાગ રોગના ફેલાવાને રોકવા માટે રાજ્ય સાથે કામ કરી રહ્યું છે.
માતા-પિતાને સાવચેત રહેવા સૂચના
વોરેન કાઉન્ટી હેલ્થ ડિસ્ટ્રિક્ટના મેડિકલ ડાયરેક્ટરના જણાવ્યું હતું કે મોટાભાગના કેસો ત્રણથી 14 વર્ષની વયના બાળકોમાં છે. અને બાળકોની સરેરાશ ઉંમર આઠ વર્ષ છે. આ ઉપરાંત તેમણે માતા-પિતાને બાળકોને તાવ, ઉધરસ, શરદી, શ્વાસ લેવામાં તકલીફ, ઉલટી અને છાતીમાં દુખાવો તેમજ ઠંડી લાગવા પર સાવચેત રહેવા માટે કહ્યું છે. ઉલ્લેખનીય છે કે ચીનમાં પણ રહસ્યમય ન્યૂમોનિયાની બીમારી ચરમસીમા પર છે, જ્યાં મોટી સંખ્યામાં બાળકો પીડિત થતા તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો- દિગ્વિજય સિંહે એક્ઝિટ પોલ વિશે કહી મોટી વાત; જાણો મધ્યપ્રદેશના પરિણામ વિશે શું છે દાવા