રાજસ્થાનમાં કોંગ્રેસનો મોટો દાવો; 30 વર્ષથી ચાલતો ટ્રેન્ડ બદલાશે

જયપુર: તમામ એક્ઝિટ પોલને નકારી કાઢતાં કોંગ્રેસે એકવાર ફરીથી રાજસ્થાનમાં જીતનો દાવો ઠોક્યો છે. પાર્ટીને વિશ્વાસ છે કે તે પૂર્ણ બહુમતી સાથે આ વખતે 30 વર્ષથી ચાલતો સત્તા પરિવર્તનનો ટ્રેન્ડ બદલી નાખવામાં સફળ થશે. જોકે તેની સાથે જ પાર્ટીએ પૂર્ણ બહુમતી ન મળવાની સ્થિતિનો પણ સામનો કરવાની તૈયારીઓ અત્યારથી શરૂ કરી દીધી છે જેથી ટ્રેન્ડ બદલીને સત્તાને જાળવી રાખવામાં સફળતા મળે.

આ વખતે બદલાશે ટ્રેન્ડ

રાજસ્થાનમાં દર પાંચ વર્ષે સત્તા પરિવર્તનનો ટ્રેન્ડ છેલ્લાં 30 વર્ષોથી જોવા મળી રહ્યો છે પણ કોંગ્રેસને આ વખતે આશા છે કે ટ્રેન્ડ બદલાશે. તેના અનેક કારણો છે. સીએમ ગેહલોત કહે છે કે સરકાર સામે કોઈ નારાજગી નથી. સરકારની યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચ્યો છે. પીએમ અને ગૃહમંત્રીની ભાષા લોકોને નાપસંદ છે. તેમ છતાં પાર્ટીના રણનીતિકારોનું માનવું છે કે ટ્રેન્ડ બદલવો એટલું સરળ નથી. આ જ કારણ છે કે પાર્ટીએ પ્લાન B અપનાવતા મજબૂત અપક્ષ ઉમેદવારોનો સંપર્ક સાધવાની શરૂઆત કરી દીધી છે. પાર્ટીના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે કોઈ પાર્ટીને બહુમતી નહીં મળે તો અમે આવી સ્થિતિનો સામનો કરવા તૈયારી કરી લીધી છે.

200 બેઠકો પર મતદાન થઈ ચૂક્યું છે પૂર્ણ

રાજસ્થાનમાં 25 નવેમ્બરે 200 બેઠકો પર મતદાન થયું હતું. જો કે, એક બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનું અવસાન થતાં માત્ર 199 બેઠકો પર જ મતદાન થયું હતું. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર રાજ્યમાં કુલ 74.96 ટકા મતદાન થયું હતું. જ્યારે પોસ્ટલ બેલેટ અને હોમ વોટિંગ દ્વારા 0.83 ટકા મતદાન થયું હતું. 2018ની ચૂંટણીમાં રાજસ્થાનમાં 74.06 ટકા મતદાન થયું હતું. એટલે કે આ વખતે ચૂંટણીમાં 0.9 ટકા વધુ મતદાન થયું છે. મોટાભાગના એક્ઝિટ પોલમાં ભાજપ અને કોંગ્રેસને લગભગ સમાન સીટો અને અમુક એક્ઝિટ પોલમાં ભાજપની સત્તામાં વાપસી થતી બતાવાઈ છે જે ગેહલોત સરકાર માટે એક ચિંતાનું કારણ છે.

રાજસ્થાનમાં દર 5 વર્ષે સરકાર બદલવાનો ટ્રેન્ડ

રાજસ્થાનમાં છેલ્લા 30 વર્ષથી દર વખતે સરકાર બદલવાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. ભાજપે 1993માં અહીં જીત મેળવી હતી. આ પછી 1998માં થયેલી ચૂંટણીમાં જનતાએ કોંગ્રેસમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. 5 વર્ષ બાદ 2003માં જનતાએ ફરી ભાજપને જીત અપાવી. આ પછી 2008માં કોંગ્રેસ, 2013માં ભાજપ અને 2018માં કોંગ્રેસ જીતી હતી. હવે જોવાનું એ રહે છે કે શું આ વખતે પણ રાજસ્થાનમાં ત્રીસ વર્ષથી ચાલતો ટ્રેન્ડ ચાલુ રહેશે કે પછી બદલાશે?

આ પણ વાંચો- શું કોંગ્રેસ નેતા મુકેશ દેસાઈ ખેરાલુ-વડનગર સતલાસણા ખેડૂતોને વળતર અપાવી શકશે?