દિગ્વિજય સિંહે એક્ઝિટ પોલ વિશે કહી મોટી વાત; જાણો મધ્યપ્રદેશના પરિણામ વિશે શું છે દાવા

ભોપાલ: દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું અને એક્ઝિટ પોલ પણ આવી ગયા. ત્યારે હવે પરિણામો જે 3 ડિસેમ્બરે જાહેર થવાના છે તેના તરફ સૌની મીટ મંડાઈ છે. મધ્યપ્રદેશમાં ફરીથી ભાજપની સરકાર રચાઈ રહી હોવાનો એક્ઝિટ પોલમાં દાવો કરવામાં આવ્યો છે. આ એક્ઝિટ પોલને લઈને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના કદાવર નેતા દિગ્વિજય સિંહે એક મોટી વાત કહી છે.

શું કહ્યું દિગ્વિજય સિંહે?

રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહનું કહેવું છે કે મને તો ક્યારેય એક્ઝિટ પોલ પર વિશ્વાસ થયો જ નથી. આ સાથે તેમણે દાવો કર્યો હતો કે રાજ્યની 230 બેઠકોમાંથી 130થી વધુ બેઠકો કોંગ્રેસના ખાતામાં જશે તે નક્કી જ છે. ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને વિવિધ રાજકીય પક્ષો તરફથી 2,533 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા હતા. ભાજપ અને અન્ય બંને પરિણામને લઈને આશાવાદી છે. 3 ડિસેમ્બરે મતગણતરી બાદ સ્પષ્ટ થશે કે આ વખતે મધ્યપ્રદેશમાં કઇ પાર્ટીની સરકાર બનશે.

એક્ઝિટ પોલમાં શું કરાયો છે દાવો?

અગાઉ વિવિધ રાજકીય વિશ્લેષક એજન્સીઓના એક્ઝિટ પોલના પરિણામો સામે આવ્યા હતા. તેમાં મધ્યપ્રદેશની કુલ 230 બેઠકોમાંથી ભાજપને 151 બેઠકો અને કોંગ્રેસને 74 બેઠકો મળવાની ધારણા વ્યક્ત કરાઈ હતી. તેમજ અન્ય પક્ષો માત્ર પાંચ બેઠકો સુધી મર્યાદિત રહેશે તેવો અંદાજ વ્યક્ત કરાયો હતો. જો આ સર્વેનું માનીએ તો શિવરાજ સિંહ ફરી એકવાર રાજ્યના મુખ્યમંત્રી બની શકે છે.

દિગ્વિજયે એક્ઝિટ પર શું કહ્યું?

કોંગ્રેસની સરકાર રચાવાનો દાવો કરતા દિગ્વિજય સિંહે કહ્યું કે જ્યારે રાજ્યમાં લહેર કોંગ્રેસની વિરુદ્ધ હતી ત્યારે પણ તેને એટલી ઓછી બેઠકો મળી ન હતી જેટલી એક્ઝિટ પોલ દર્શાવે છે. આ જ કારણે મેં ક્યારેય એક્ઝિટ પોલ પર વિશ્વાસ કર્યો નથી. કોંગ્રેસે 2018ની ચૂંટણીમાં ઐતિહાસિક જીત નોંધાવી હતી, પરંતુ 2020માં જ્યોતિરાદિત્ય સિંધિયા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાવાને કારણે કમલનાથની આગેવાની હેઠળની કોંગ્રેસ સરકાર પડી ગઈ હતી.

આ પણ વાંચો-શું કોંગ્રેસ નેતા મુકેશ દેસાઈ ખેરાલુ-વડનગર સતલાસણા ખેડૂતોને વળતર અપાવી શકશે?