મહેસાણા: ખેરાલુ-વડનગર અને સતલાસણા પંથકમાં કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકશાન થયું છે. પરંતુ આ વિસ્તારના ખેડૂતોને વળતર આપવાની કોઈ જ જાહેરાત કરવામાં આવી નથી. તેવામાં કોંગ્રેસ નેતા મુકેશ દેસાઈ ખેડૂતોના વ્હારે આવ્યા છે. ખેડૂતોને વળતર અપાવવા માટે કોંગ્રેસ નેતા મુકેશ દેસાઈએ પોતાની કમર કસી લીધી છે.
રાજ્યભરમાં પાછલા દિવસોમાં કમોસમી વરસાદે ખેડૂતોને રાતા પાણીએ રોવડાવી દીધા છે. આ દરમિયાન રાજ્યમાં વિભિન્ન ઘટનાઓમાં 29 લોકોના મોત પણ નિપજ્યા છે. તો ખેડૂતોને ભારે નુકશાન ભોગવવાનો વારો આવ્યો છે.
કમોસમી વરસાદથી થયેલા નુકશાનને લઈને ગુજરાત સરકારે કેટલાક વિસ્તારોના ખેડૂતોને વળતર આપવાની જાહેરાત પણ કરી દીધી છે. તો વિજળી પડવાથી અને અન્ય ઘટનાઓમાં મૃત્યુ પામેલા લોકોને 4-4 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.
આ કુદરતી આફત પછી મહેસાણાના ત્રણ તાલુકા ખેરાલુ, વડનગર અને સતલાસણા ખેડૂતોને વળતર આપવાની માંગણી સાથે કોંગ્રેસ નેતા મુકેશ દેસાઈએ ખેરાલુ મામલતદારને આવેદન પત્ર સોંપ્યું હતુ. આ દરમિયાન આ ત્રણેય તાલુકાના મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા. ખેડૂતોને ન્યાય આપો અને વળતર આપોના નારા સાથે મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યો હતો.
આ દરમિયાન કોંગ્રેસ નેતા મુકેશ દેસાઈએ ચિમકી ઉચ્ચારતા કહ્યું હતુ કે, આગામી ટૂંક સમયમાં ખેડૂતોને વળતર આપવામાં આવશે નહીં તો રોડ ચક્કાજામ કરવા સાથે ઉગ્ર આંદોલન કરવામાં આવશે. જણાવી દઇએ કે, ખેરાલુમાં કોંગ્રેસે સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં મુકેશ દેસાઈ દ્વારા રાજ્યની ભાજપ સરકાર સામે આકરા પ્રહાર કર્યા હતા.
મુકેશ દેસાઈએ કહ્યું કે, બીજેપી સરકારમાં લોકશાહી ખત્મ થઈ રહી છે. ખેડૂતોની સ્થિતિ પ્રતિદિવસ કથળી રહી છે, તો બીજી તરફ બીજેપીની દાદાગીરી વધી રહી છે. સામાન્ય લોકોનું જીવન દૂષ્કળ બની રહ્યું છે. મુકેશ દેસાઈએ કોંગ્રેસના કાર્યકર્તાઓને આભાર વ્યક્ત કરતાં કહ્યું કે, પાછલા ત્રણ દાયકાથી બીજેપીની સરકાર હોવા છતાં વિકટ પરિસ્થિતિમાં પણ કોંગ્રેસના કાર્યકર્તાઓ અડીગ રીતે કામ કરતાં રહ્યાં છે, તેથી જ તો પાછલી વિધાનસભા ચૂંટમીમાં આપણે થોડા માર્જિનથી બાજી ગુમાવી હતી.

ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર મુકેશ દેસાઈ બીજેપીના ઉમેદવાર સરકાર ચૌધરી સામે એકદમ ઓછા માર્જિનથી સીટ ગુમાવી હતી. આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના કારણે વોટોની વહેંચણીના કારણે મુકેશ દેસાઈ જીતેલી બાજી હારી ગયા હતા.
ખેરાલુ પંથકના ચિરાગ પરમારના જણાવ્યા અનુસાર, મુકેશ દેસાઈ કોંગ્રેસના કદાચ એવા પહેલા નેતા છે, જેઓ 24માંથી 15 કલાક ગ્રાઉન્ડ લેવલે એટલે કે સામાન્ય જનતા સાથે રહીને તેમની સમસ્યાઓ સહિતના કામો કરાવવા પાછળ સમય ફાળવે છે. ખેરાલુ પંથકના સામાન્ય નાગરિકો કોઈપણ કામ હોય તો તેઓ મુકેશ દેસાઈને જ યાદ કરતાં હોય છે. તો બીજી તરફ મુકેશ દેસાઈ પણ પોતાની પાસે આવેલા વ્યક્તિનું કામ કઢાવી આપવા માટે પોતાની તમામ શક્તિ લગાડી દે છે.
ચિરાગ જણાવે છે કે, બીજેપી પક્ષમાં માનતા લોકો પણ મુકેશ દેસાઈ પાસે પોતાનું કામ લઈને આવતા હોય છે, તો પણ તેઓ પ્રેમપૂર્વક તેમનું પણ કામ કરાવી આપતા હોય છે.
ઉલ્લેખનિય છે કે, આગામી લોકસભાની ચૂંટણીને લઈને મુકેશ દેસાઈએ પોતાના વિસ્તારમાં કોંગ્રેસને જીત અપાવવા માટે સ્નેહ મિલન કાર્યક્રમથી શરૂઆત કરી દીધી છે. આ કાર્યક્રમમાં જગદીશ ઠાકોર પણ જોડાયા હતા.
આ પણ વાંચો- સાત નરેન્દ્ર મોદી પેદા થાય તો પણ રાહુલ ગાંધીને બિવડાવી શકે તેમ નથી: જગદીશ ઠાકોર