ખેરાલુ: તેલંગાણા, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન અને મિઝોરમમાં મતદાન થયું છે. આ 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો 3 ડિસેમ્બરે આવશે. જોકે, આ પહેલા ગુજરાત કોંગ્રેસે આગામી લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. મહેસાણાના ખેરાલુ તાલુકામાં પૂર્વ પ્રદેશ પ્રમુખ અને એમપી જગદીશ ઠાકોરના નેજા હેઠળ સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમમાં ખેરાલુ, સતલાસણા અને વડનગર તાલુકાના તમામ કોંગ્રેસના કાર્યકર્તાઓને એક્ટિવ કરવામાં આવ્યા છે.
આ દરમિયાન જગદીશ ઠાકોરે ગુજરાત સરકારની ભાજપા સરકાર પર અનેક આકરા પ્રહાર કર્યા હતા. જગદીશ ઠાકોરે કોંગ્રેસના કાર્યકર્તાઓને લોકસભાની ચૂંટણી પહેલા ગ્રામ્ય સમિતિ બનાવવાની વાત કરી હતી. આ દરમિયાન ગ્રામ્ય અને તાલુકા લેવલે કેવી રીતે સમિતિઓ બનાવવી તે અંગેની સમજ આપી હતી.
જગદીશ ઠાકોરે પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીઓમાં કોંગ્રેસની જીતની આશા વ્યક્ત કરતાં કહ્યું હતુ કે, ત્રણ ડિસેમ્બરે ફટાકડા પણ ફોડીશું અને ગુલાલ પણ ઉડાવીશું. તે ઉપરાંત જગદીશ ઠાકોરે ગુજરાતમાં મોંઘવારી, ખેડૂતોની દયનિય હાલત, બેરોજગારી, નકલી અધિકારી અને નકલી સરકારી કચેરીઓ શરૂ થઈ ગઈ હોવા છતાં ભાજપાની સરકાર નિંદ્રાધીન રહી હોવાનો આક્ષેપ કરીને સરકારની મજાક ઉડાવી હતી.
રાહુલ ગાંધીની પદયાત્રા અંગે ચર્ચા કરતાં જગદીશ ઠાકોરે કહ્યું કે, જ્યારે રાહુલ ગાંધી કાશ્મીરની બોર્ડર પર પહોંચ્યા ત્યારે ભારત સરકાર અને રાજ્ય સરકારે તેમની સુરક્ષા હટાવી લીધી હતી. તે દરમિયાન રાહુલની સુરક્ષામાં રહેલા સિક્યુરિટીએ તેમને આગળ આતંકવાદ સહિત વાતાવરણનો પણ ખુબ જ વધારે જોખમ રહેલો હોવાની વાત કરી હતી. જોકે, તે છતાં પણ રાહુલ ગાંધીએ ડર્યા વગર પોતાની પદયાત્રા ચાલુ જ રાખી હતી.
જગદીશ ઠાકોરે કહ્યું કે, ભાજપ હોય, અમિત શાહ હોય કે નરેન્દ્ર મોદી હોય પરંતુ રાહુલ ગાંધીને બિવડાવી શકે તેમ નથી. સુરક્ષા પરત લઈને રાહુલ ગાંધીને ડરાવવાની કોશિશ કરવામાં આવી હતી, પરંતુ સાત નરેન્દ્ર મોદી પેદા થાય તો પણ રાહુલ ગાંધીને બિવડાવી શકે તેમ નથી. આ દરમિયાન તેમણે રાજીવ ગાંધી અને ઇન્દિરા ગાંધીની શહાદતને યાદ કરતાં કહ્યું કે, જેના માતા-પિતા દેશ માટે શહીદ થયા હોય તેમના પુત્રને બિવડાવી શકાય નહીં.
આમ કોંગ્રેસે લોકસભાની ચૂંટણીને લઈને પોતાની આગોતરી તૈયારીઓ શરૂ કરી દીધી છે. ઉલ્લેખનિય છે કે, 2019ની સામાન્ય ચૂંટણીમાં બીજેપીએ ગુજરાતની તમામ 26 બેઠકો ઉપર જીત હાંસલ કરી હતી. આ ખરાબ હારને જોતા 2024ની ચૂંટણી પહેલા જ ગુજરાત કોંગ્રેસે ગ્રાઉન્ડ લેવલે નાના કાર્યક્રમો યોજીને છેવાડાના માનવી સુધી પહોંચવાનો પ્લાન બનાવ્યો છે. પરંતુ તેઓ આને કેટલો સફળ બનાવી શકે છે તે તો આગામી સમય જ બતાવશે.
આ પણ વાંચો-વડનગર-વિસનગરના પટ્ટાના યુવકો ડબ્બા ટ્રેડિંગના રવાડે; પોલીસ મૌન