ગાંધીનગર: એક તરફ બંગાળની ખાડીમાં મિચૌંગ નામનું વાવાઝોડું આવી રહ્યું છે ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ નવી આગાહી કરી છે. જેમાં ભારત સહિત ગુજરાતમાં ડિસેમ્બર મહિનામાં કેવું વાતાવરણ રહેશે તેની આગાહી કરી છે.
બંગાળની ખાડીમાં આગામી દિવસોમાં ભીષણ ચક્રવાત સર્જાશે. જેના લીધે ઓરિસ્સા સહિત દક્ષિણના દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. 150 પ્રતિ કલાકની ઝડપે પવન ફૂકાશે. આની અસર ઉત્તર ભારતના ભાગમાં પણ પડશે. 2 ડિસેમ્બરથી ઉત્તર ભારતમાં વેસ્ટન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે.
જમ્મુ-કાશ્મીરથી લઈ પંજાબ, હરિયાણા ઠંડુગાર બનશે. ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષા થશે. જેની અસર ગુજરાતમાં પણ થશે. ગુજરાતમાં ઠંડીનો ચમકારો આવશે. બંગાળના ચક્રવાતની અસર 2 ડિસેમ્બરથી 8 ડિસેમ્બર સુધી રહેશે.
અંબાલાલ પટેલની આગાહી અનુસાર, ગુજરાતમાં પણ વાદળછાયું વાતાવરણ રહશે. મુંબઈ-મહારાષ્ટ્રમાં વાતાવરણ પલટાશે. તારીખ 14થી 20 ડિસેમ્બર સુધી ગુજરાતના ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. અમુકભાગમાં માવઠું પણ થઈ શકે છે. હાલમાં જોવા જઈએ તો 7 તારીખ સુધી દાહોદ-પંચમહાલના કેટલાક ભાગો, ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો, વડોદરાના કેટલાક ભાગો, દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો, સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને માવઠું પણ થઈ શકે છે. તારીખ 20 ડિસેમ્બર પછી વાતાવરણમાં ફરી પલટો આવશે જેના કારણે માવઠું થઈ શકે છે.
આ પણ વાંચો-ગુજરાતમાં માવઠાનો બીજો રાઉન્ડ શરૂ, જાણો ક્યા-કયા જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ