નડિયાદ સીરપકાંડ: પાંચ લોકોના મોત બાદ પોલીસે 5 લોકો સામે નોંધ્યો માનવ વધનો ગુનો

ખેડામાં આયુર્વેદિક સિરપથી 5 લોકોના મોત નિપજ્યા છે. 5 લોકોના મોત બાદ 5 લોકો સામે માનવ વધનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે નડિયાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ખેડા એસ.ઓ.જી PI અને રૂરલ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ ડી.એન.ચુડાસમા ફરિયાદી બન્યા છે.

નડિયાદના યોગેશભાઈ સિંધી, બિલોદરાના કિશોરભાઈ સોઢા, ઈશ્વરભાઈ સોઢા, વડોદરાના નીતીન કોટવાણી તથા ભાવેશ સેવકાણી સામે પોલીસે ફરિયાદ નોંધી છે. વડોદરાનો નીતિન અને ભાવેશ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. આયુર્વેદિક ઔષધી તરીકે વપરાતી પ્રોડક્ટની ખોટા અને બનાવટી લેબલ લગાવી વેચાણ કરતા હતા. આ પહેલા પણ નીતિન ડુપ્લીકેટ સેનિટાઈઝરમાં ઝડપાયો હોવાનું પણ સામે આવ્યું છે. જ્યારે યોગી સિંધી છેલ્લા કેટલાય સમયથી સમગ્ર જિલ્લામાં આ નેટવર્ક ચલાવતો હોવાનું પણ ખુલ્યુ છે.

બિલોદરાનો કિશોર અને તેના ભાઈ ઈશ્વરે દેવ દિવાળીના દિવસે ગામમાં વેચાણ માટે યોગી સિંધી પાસેથી આર્યુવેદિક કાલમેઘાસવ નામની 100 બોટલો મગાવી ગામમાં વેચાણ કર્યુ હતુ. આરોપીને શંકાસ્પદ મોત થયાની જાણ થતા આરોપીએ બાકી બોટલો વીણા ગામની સીમમાં આવેલ પોતાના ગોડાઉનની બહાર ખુલ્લી જગ્યામાં સળગાવી દીધી હતી. આરોપી યોગેશની પૂછપરછ કરતા તે આ સિરપનો જથ્થો વડોદરાના નીતીન કોટવાણી તથા ભાવેશ સેવકાણી પાસેથી લાવ્યો હોવાનું કબૂલ્યુ છે.

પોલીસે આરોપી યોગી સિંધુને સાથે રાખી સળગાવી દીધેલ બોટલોના અવશેષો તથા અન્ય મુદામાલ કબ્જે કર્યો છે. સાથે અમદાવાદમાં સારવાર લઈ રહેલા દર્દીઓમાંથી પણ મિથાઈલ આલ્કોહોલનું પ્રમાણ મળ્યું છે. આરોપીઓને બોટલમાં મિથાઈલ આલ્કોહોલનું પ્રમાણ હોવાની જાણ હોવા છતાં જથ્થો મંગાવ્યો હોવાનો FIRમાં ઉલ્લેખ છે. આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તમામ સામે આઇપીસી કલમ 304,308, 328, 465, 468, 471, 274, 275, 276, 34, 201 તથા ગુજરાત પ્રોહિબિશન એક્ટ કલમ 65(એ)મુજબ ગુનો નોંધાયો છે.

નોંધનીય છે કે, નડિયાદ તાલુકાના બિલોદરા અને મહુધા તાલુકાના બગડું ગામના પાંચ વ્યક્તિઓના મોત થયા છે જ્યારે બે વ્યક્તિઓ હોસ્પિટલ સારવાર હેઠળ છે. મૃતક નટુભાઈ સોઢાનું મોત મિથાઇલ આલ્કોહોલ પોઇઝનિંગના કારણે હ્રદય બંધ થઇ જવાથી થયેલાનું પી.એમ.નોટમાં ડોક્ટરએ જણાવ્યું છે.

અન્ય સારવાર લઈ રહેલા સાકળભાઇએ પોતે પોતાના દિકરા કિશોરની જુના બિલોદરા ખાતે આવેલ કરીયાણાની દુકાનમાંથી આયુર્વેદિક “કાલ મેઘાસ’’ નામનું આયુર્વેદિક ઔષધીયુક્ત પીણું પીધેલ હોવાની અને તેના કારણે પોતાની તબિયત બગડેલ હોવાની હકીકત જણાવી છે. આ બંને વ્યક્તિના બ્લડ સેમ્પલને FSLમાં મોકલી અપાયા હતા. જેમાં બ્લડમાં મિથાઇલ આલ્કોહોલની હાજરી મળી હતી.

આ પણ વાંચો- શું કોંગ્રેસ નેતા મુકેશ દેસાઈ ખેરાલુ-વડનગર સતલાસણા ખેડૂતોને વળતર અપાવી શકશે?