ચિરાગ પટેલ અને ભૂપત ભાયણી ભાજપમાં જોડાશે! ત્રીજું રાજીનામું પડવાની આશંકા

ગુજરાતના રાજકારણના મોટા સમાચાર મળી રહ્યા છે. દેશમા આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાનાર છે, ત્યારે આ પહેલા મંગળવારે ગુજરાતમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. હજુ થોડા દિવસો પહેલા જ ગુજરાતમાં આમ આદમી પાર્ટીના વિસાવદર વિધાનસભા બેઠકના ધારાસભ્યની ભૂપત ભાયાણીએ વિધાનસભા ખાતે અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું આપ્યું હતું.

હવે ગુજરાત કોંગ્રેસના ખંભાત વિધાનસભા બેઠકના ધારાસભ્ય ચિરાગ પટેલે આજે રાજીનામુ આપ્યું છે. તેમણે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું આપ્યું છે. આ વચ્ચે વધુ એક મોટા સમાચાર મળી રહ્યા છે કે, આપ અને કોંગ્રેસના આ બંને પૂર્વ ધારાસભ્યો ભાજપમાં જોડાઈ શકે છે.

ચિરાગ પટેલ અને ભૂપત ભાયાણી ભાજપમાં જોડાશે: સૂત્ર

સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, આપના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી અને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ચિરાગ પટલે ભાજપમાં જોડાશે. લોકસભા સત્ર બાદ વિધિવત રીતે બંને ભાજપમાં પ્રવેશ કરશે. તો વધુ એક એવી ચર્ચા થઈ રહી છે કે, આવતીકાલે આપના ગારિયાધારના ધારાસભ્ય સુધીર વાઘાણી આપનો સાથ છોડી શકે છે. તેઓ પણ ટુંક જ સમયમાં રાજીનામું આપશે તેવી શક્યતાઓ છે.

ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયેલા ચિરાગ પટેલે કોંગ્રેસના કેન્દ્રીય નેતૃત્વ પર કેટલાક આરોપ લગાવ્યા છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસના કેટલાક સાથી ગૂંગળામણ અનુભવે છે. કોંગ્રેસના નેતા એસી ચેમ્બરમાંથી બહાર નથી આવતા. ગુજરાત કોંગ્રેસનું નેતૃત્વ દિલ્હીથી ઓપરેટ થાય છે. કોંગ્રેસ વર્ષો પહેલા હિરો હતી, આજે ઝીરો છે.