મહેસાણા: ગરીબોના હક ઉપર તરાપ મારવાની ઘટનાઓ પ્રતિદિવસ સામે આવી રહી છે. જોકે, હવે તો ગરીબોના હક ઉપર તરાપ મારવાની સાથે-સાથે તેમના સ્વાસ્થ્યને પણ નજર અંદાજ કરવામાં આવી રહ્યું છે. ચોંકાવનારી વાત તેમ છે કે મહેસાણાના કડી ખાતે ચાઇનાના ચોખા રાશનની દુકાનમાંથી એક પરિવારને મળ્યા છે. ગરીબોને અનાજમાં પ્લાસ્ટિકના ચોખા મળતા સરકારી તંત્ર સામે પણ સવાલો ઊભા થવા લાગ્યા છે.
મહેસાણાના કડી ચબૂતરા ચોક સમિતિ વિસ્તારની સસ્તા અનાજની દુકાનમાંથી એક પરિવારને ચોખા દર માસની જેમ મળતા હોય છે. સસ્તા અનાજની દુકાનમાં જે ચોખા આપવામાં આવ્યા તેમાં પ્લાસ્ટિક આકારના મિશ્રિત કરેલા ચોખાની સાથે દાણા મળી આવ્યા હતા. આવા ચોખાના દાણા ઉકાળ્યા બાદ પણ ચોખાના જેમ જ ખીલે છે પરંતુ ખાવામાં કડક હોય છે. ચોખા સાફ કરતી વખતે પ્લાસ્ટિકના ચોખા જોઇને પરિવાર પણ ચોંકી ગયો હતો.
કડીના એક પરિવારે લીધેલા રાશનના ચોખા શંકાસ્પદ ચોક્કસ નીકળતા મામલો હાલમાં ટોપ ઓફ ધ ટાઈન બન્યો છે. ચર્ચાનો મુદ્દો એ છે કે કડી બાદ વિસનગરમાં પણ આવા ચોખા અમુક રાશનની દુકાનમાંથી મળી આવ્યા છે. મહેસાણાના અમુક વિસ્તારમાંથી પણ ચોખા મળ્યા હોવાનું હાલમાં પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે.
સ્થાનિક લોકો એવો આક્રોશ પણ વ્યક્ત કર્યો છે કે આવા ચોખા અવારનવાર રીતે કડીની આસપાસના વિસ્તારમાં જોવા મળે છે, શું આવા ચોખા પ્લાસ્ટિકના ચોખાની અંદર મિશ્રિત કરવામાં આવે છે કે ઘટ પૂરી કરવાનું કાવતરું કરવામાં આવતું હોય તેવું હાલમાં દેખાઈ રહ્યું છે. હાલ તો આ મુદ્દે સરકાર અને તંત્ર તપાસ કરે તેવી સ્થાનિકોની માંગણી છે.
અનાજ માફિયાઓ બેફામ
તંત્રની ઘોર બેદકારી અને ભ્રષ્ટ નીતિઓના કારણે મહેસાણા જિલ્લામાં અનાજ માફિયાઓ બેફામ બન્યા હોવાના કારણે અત્યાર સુધી ગરીબોની રોટી છીનવાઇ રહી હતી. જોકે, હવે તો ગરીબોની થાળીમાં ચાઇનિઝ ચોખા એટલે કે ઝેર પીરસવાનું શરૂ થઇ ગયું છે.
અનાજ માફિયાઓ રાશનની દુકાનો સહિત આસપાસના વિસ્તારોમાંથી ગરીબ લોકો પાસેથી અનાજ ઉઠાવી લેતા હોય છે. પ્રાઇવેટ ગાડીઓ કે છકડાઓ મોકલીને અનાજ માફિયાઓ ગરીબીનો ફાયદો ઉઠાવીને લોકો પાસેથી સસ્તામાં અનાજ ઉઠાવી લે છે. તો અનેક રાશનની દુકાનોવાળા પણ જનતાના માલમાંથી કટીંગ કરીને માફિયાઓને ભરાવી દેતા હોય છે. આવા માફિયાઓને તંત્ર દ્વારા રોકવા જોઇએ.
આ પણ વાંચો-દારૂની છૂટ મળતા ગિફ્ટસિટી ક્લબે કરી લીધી સાડા સાત કરોડ રૂપિયાની કમાણી; મેમ્બર્સની સંખ્યા 2300ને પાર