રાજ્યના 14 જિલ્લાઓને મળશે નવા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન

ગાંધીનગર: રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ 30 અને 31મી ડિસેમ્બરે મહીસાગર, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ અને વડોદરા જિલ્લાના પ્રવાસ દરમિયાન 244.57 કરોડના પ્રકલ્પોના લોકાર્પણ, લાભાર્થીઓને વિવિધ લાભોનું વિતરણ કર્યું છે. ડિજિટલ યુગમાં રાજ્યના નાગરિકોને સાયબર ફ્રોડથી રક્ષણ આપવાના ઉદ્દેશ સાથે રાજ્યના 14 જિલ્લામાં નવા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન શરૂ કરવામાં આવશે.

ગૃહ રાજ્ય મંત્રીએ અદ્યતન એસટી બસ સ્ટેન્ડ, સુવિધાસભર પોલીસ આવાસો, નવીન પોલીસ સ્ટેશનના મકાન, નવીન 50 એસટી બસ, જિલ્લા ઈમરજન્સી ઓપરેશન સેન્ટર તેમજ વિવિધ આરોગ્યલક્ષી કાર્યોના લોકાર્પણ- ઈ-લોકાર્પણ કર્યા હતા. પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થીઓને 57 કરોડથી વધુના લાભો અપાયા છે. પ્રધાનમંત્રી આવાસ યોજના તથા અન્ય આવાસ યોજનાના 667 આવાસોના ડ્રો કરવામાં આવ્યા છે.

ગૃહરાજ્ય મંત્રીએ ડેસર તાલુકાના નવા શિહોરા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સહભાગી થઈને રૂ. 2.73 કરોડના આરોગ્યલક્ષી વિકાસ કામોના લોકાર્પણ કર્યા હતા. એ પછી જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્રના સંયુક્ત ઉપક્રમે બાળ આરોગ્ય પ્રોજેક્ટનો પણ પ્રારંભ કરાવ્યો હતો. વડોદરામાં નવા પોલીસ સ્ટેશન, આવાસોનું લોકાર્પણ કરતી વખતે ટ્રાફિક પોલીસને ઉનાળામાં ગરમીમાં ઓછી ગરમી લાગે તે આશય સાથે એસી હેલમેટ અને બાઈક વિતરણ પણ કર્યું હતું.