રાજકોટ શહેરમાં હાર્ટ એટેકથી મૃત્યું થવાનાં કેસમાં વધારો થતા લોકોમાં હવે ચિંતાનું મોજું ફરી વળ્યું છે. આજે 24 કલાકમાં એક યુવક સહિત ચાર લોકોનાં હાર્ટ એટેકથી મોત થવા પામ્યું હતું. જેમાં રૈયાધારનાં બંધસીધર પાર્કમાં રહેતા રઘુભાઈ શિયાળિયા (ઉ.વર્ષ.54) રવિવારે રાત્રે તેઓનાં ઘરે હતા. તે દરમ્યાન તેઓને અચાનક છાતીમાં દુઃખાવો થતા તેઓ બેભાન થઈ ગયા હતા.
જે બાદ તેમનાં પરિવારજનો દ્વારા તેઓને તાત્કાલીક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં ફરજ પર હાજર તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા. રઘુભાઈને પરિવારમાં ચાર બહેન તેમજ ચાર મોટા ભાઈ હતી. તેમજ તેઓને એક પુત્રી અને બે પુત્ર છે.
જ્યારે આરટીઓ પાછળ હાઉસિંગ બોર્ડ ક્વાર્ટરમાં રહેતા મધુભાઈ પોલાભાઈ સાંબડ (ઉ.વર્ષ.46) જેઓ રવિવારે સાંજે માર્કેટિંગ યાર્ડમાંથી છકડો રિક્ષામાં શાકભાજી ભરીને મોચી બજારમાં આવ્યા હતા. જ્યાં અચાનક તેઓને છાતીમાં દુઃખાવો ઉપડતા તેઓ બેભાન થ ગયા હતા. જે બાદ તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. પરંતું સારવાર મળે તે પહેલા જ રસ્તામાં તેઓનું મોત નિપજ્યું હતું. મધુભાઈને કુટુંબમાં બે ભાઈ અને ચાર બહેન છે. તેમજ તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે.
કારખાનામાં કામ કરતા બેભાન થઈ જતા પ્રોઢનું મૃત્યુ
જ્યારે ત્રીજા બનાવમાં રાજકોટ શહેરનાં 80 ફૂટ રોડ પર ઉમાકાંત પંડિત ઉદ્યોગનગરમાં રહેતા રમેશભાઈ જીવરાજભાઈ અમીપરા (ઉ.વર્ષ. 55) સોમવારે ઉમાકાંત ઉદ્યોગ નગર ખાતે આવેલ તેઓનાં કારખાને બેઠા હતા. જે બાદ તેઓ ઢળી પડ્યા હતા. અને તેઓનું મોત નિપજ્યું હતું.
ચોથા બનાવમાં મધ્યપ્રદેશનાં વતની કાંતિલાલ મેઘવાળ (ઉ.વર્ષ.36) ગાડીમાં ફ્રૂટ ભરીને મધ્યપ્રદેશથી રાજકોટ મેંગો માર્કેટમાં વેપાર ધંધાર્થે આવ્યા હતા. ત્યારે રવિવારે રાત્રે તેઓ સુતા હતા. તે દરમ્યાન ડ્રાઈવરે જગાડતા તે ઉઠ્યો ન હતો. જે બાદ તેને સારવાર અર્થે ખસેડાતા ર્ડાક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.