ડ્રાઇવરોનો દેશવ્યાપી વિરોધ પ્રદર્શન; ટ્રાન્સપોર્ટ સિસ્ટમ ઠપ

નવી દિલ્હી: કેન્દ્ર સરકાર દ્વારા હિટ એન્ડ લાવવામાં આવેલા કાયદા સામે ટ્રક અને ડમ્પર ચાલકોએ આજે બીજા દિવસે પણ વિરોધ ચાલુ રાખતા અનેક જગ્યાઓ હાઈવે પર ચક્કાજામ કર્યો છે જેના કારણે વાહનવ્યહાર પર પણ અસર પડી રહી છે.

સરકારે કાયદો પાછો ખેંચવો પડશે : ટ્રક ચાલકો

કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા હિટ એન્ડ રન કાયદાનો દેશભરના ટ્રક અને ડમ્પર ચાલકો વિરોધ કરી રહ્યા છે જેનો આજે બીજો દિવસ છે ત્યારે મુંબઈ, ઈન્દોર, દિલ્હી-હરિયાણા, ઉત્તર પ્રદેશ સહિત અનેક રાજ્યોમાં ટ્રક ચાલકો દ્વારા ઠેર-ઠેર ચક્કાજામ કરવામાં આવ્યો છે જેના કારણે વાહનવ્યવહાર પર પણ અસર જોવા પડી રહી છે. ટ્રક ચાલકોમાં આ કાયદાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેઓનું કહેવું છે કે આ સંપૂર્ણપણે ખોટું છે અને સરકારે આ કાયદો પાછો ખેંચવો પડશે.

પેટ્રોલ પંપ પર વાહનોની કતાર જોવા મળી

મધ્યપ્રદેશના ઈન્દોરમાં ટ્રક ડ્રાઈવરોની હડતાળને અસર પેટ્રોલ પંપ પર પડી રહી છે જ્યાં વાહનોની લાંબી લાઈનો લાગી છે. સૂત્રો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે આ હડતાળ ત્રણ દિવસ સુધી ચાલશે જેના કારણે ઈંધણ પંપ સુધી પહોંચી શક્શે નહીં. આ સમાચાર વાયુ વેગે ફેલાઈ જતા લોકો પોતાના વાહનોમાં પેટ્રોલ ભરવા માટે પંપ પર પહોંચી ગયા હતા જેના કારણે લાંબી કતાર લાગી જોવા મળી રહી છે.

નવો હિટ એન્ડ રનનો કાયદો શું છે?

સંસદના શિયાળુ સત્ર દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં હિટ એન્ડ રનના કાયદા અંગે માહિતી આપતા કહ્યું હતું કે, અકસ્માત કરનાર કોઈ વ્યક્તિ ઘટના સ્થળે ભાગી જાય છે અને ઘાયલને વ્યક્તિને રસ્તા પર જ છોડી દે છે, તો તેને 10 વર્ષની સજા થશે. પરંતુ જો અકસ્માત સર્જનાર વ્યક્તિ ઘાયલને હોસ્પિટલ લઈ જશે તો સજા ઓછી થઈ જશે. ઉલ્લેખનીય છે કે,હાલમાં પસાર થયેલા ત્રણ સંશોધન કરાયેલા ક્રિમિનલ લૉ બિલને 25મી ડિસેમ્બરે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ મંજૂરી આપી દીધી હતી.

જ્યાર બાદ હવે ભારતીય ન્યાય સંહિતા (Bharatiya Nyaya Sanhita), ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (Bharatiya Nagarik Suraksha Sanhita) અને ભારતીય સાક્ષ્ય સંહિતા (Bharatiya Sakshya Sanhita) બિલ હવે કાયદો બની ગયા છે. આ વિધેયકોને સંસદના શિળાળુ સત્ર દરમિયાન લોકસભામાં 20 ડિસેમ્બરે અને રાજ્યસભામાં 21 ડિસેમ્બર પસાર કરાયું હતું. રાજ્યસભામાં વિધેયકોને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તરફથી રજૂ કરાયા બાદ ધ્વનિ મતથી પસાર કરાયા હતા.

આ પણ વાંચો- કડીમાં રાશનની દુકાનમાંથી મળ્યા પ્લાસ્ટિકના ચોખા; અનાજ માફિયાઓ બેફામ