સ્ટેટ મોનિટરિંગ સેલે 2023માં ઝડપી પાડ્યો 20 કરોડ રૂપિયાનો દારૂ અને….

ગાંધીનગર: ગુજરાતમાં દારૂ-જુગાર પર કડક કાર્યવાહીના સ્થાનિક પોલીસના દાવાનો છેદ સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)એ ઉડાડયો છે. 2023માં મોનિટરિંગ સેલએ પ્રોહિબિશનના 466 કેસ કરી 20 કરોડનો દારૂ તેમજ જુગારના 141 કેસ કરી 74 લાખની રોક્ડ રકમ ઝડપી હતી. મોનિટરીંગ સેલે 2022ની સાલ કરતા દારૂના 26 અને જુગારના 21 કેસ વધુ કર્યા તેમજ 9.50 કરોડનો દારૂનો જથ્થો વધુ પકડયો હતો.

સ્થાનિક પોલીસની પ્રોહિબિશન અને ગેમ્બલીંગ એક્ટ મુજબ કડક કાર્યવાહી કરતી ન હોવાનું મોનિટરિંગ સેલના આંકડા પરથી સ્પષ્ટ થાય છે. 2022માં દારૂ જુગારનો કુલ મુદ્દામાલ 22.75 કરોડ જપ્ત થયો જેની સામે 2023માં દારૂ અને જુગારના કેસોમાં કુલ મુદ્દામાલ 43 કરોડનો જપ્ત થયો હતો. આમ, મોનિટરિંગ સેલએ કવોલીટી કેસો મોટા પાયે કરી સ્થાનિક પોલીસની નબળી કામગીરીને ખુલ્લી પાડી હતી.

દારૂ-જુગારની ગેરકાયદે પ્રવૃત્તીઓ ચલાવતા શખ્સોને જાહેર સ્ટેન્ડની પરમિશન આપતા વહીવટદારો દ્વારા સ્થાનિક પોલીસ, લોકલ ક્રાઈમબ્રાંચ અને પીસીબી બ્રાંચના હપ્તા સાથેનું બજેટ આપવામાં આવતું હોવાની ચર્ચા છે. જે ભરણ ગોઠવાતા દારૂ-જુગારના અડ્ડા ચલાવતા શખ્સને આ ત્રણ સ્થળેથી રેડ નહી આવે તેવી ખાતરી આપવામાં આવે છે. આ ઉપરાંત અમુક સમયે જરૂર પડે ત્યારે અમુક મુદ્દામાલ સાથે માણસ હાજર કરવાનું સેટિંગ પણ થતું હોય છે.

સ્ટેટ મોનિટરિંગ સેલએ 2022માં 120 કેસ જુગારના અને 440 કેસ પ્રોહીબીશનના કર્યા જેમાં 10.40 કરોડના દારૂ ઝડપ્યો અને જુગારના કેસમાં 63.74 લાખની રોક્ડ રકમ જપ્ત કરી હતી. સ્ટેટ મોનિટરિંગ સેલએ દારૂના 466 કેસ અને જુગારના 141 કેસ કરીને 19.97 કરોડના દારૂ અને 73.96 લાખની રોક્ડ રકમ જુગારના કેસોમાં જપ્ત કરી હતી. આમ, 2023ના વર્ષમાં 9.50 કરોડનો દારૂનો જથ્થો વધુ પકડાયો હતો.

આ પણ વાંચો-રાજ્યના 14 જિલ્લાઓને મળશે નવા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન