સાયબર ક્રાઈમને રોકવા સુરતમાં દેશનું પ્રથમ સાયબર મિત્ર ચેટ બોટ રોબર્ટ તૈયાર

સુરત: સુરતમાં વધતા જતા સાયબર ગુનાઓને ઉકેલવા માટે પોલીસે મહત્ત્વનું પગલું ભર્યું છે. સુરત પોલીસે દેશનું પહેલું આર્ટિફિશીયલ ઈન્ટેલિજન્સથી (AI) સજ્જ ચેટબોટ બનાવ્યું છે. શહેરના કોઈ પણ નાગરિક સાયબર ફ્રોડના શિકાર બને તો તેઓ એક ક્લિક પર સાયબર મિત્રને ફરિયાદ કરી શકશે. સાયબર મિત્ર ફરિયાદીને યોગ્ય માર્ગદર્શન આપી ગુના ઝડપથી ઉકેલવામાં મદદરૂપ થશે.

સુરત શહેર પોલીસ દ્વારા પ્રજાસત્તાક દિનની ઉજવણી સાથે એક મહત્ત્વની શરૂઆત કરવામાં આવી છે. AIનો ઉપયોગ કરી દેશમાં પહેલીવાર સુરત સાયબર મિત્ર ચેટબોટ શરૂ કરાયું છે. સુરતના નાગરિકો હવે એક ક્લીક પર કોઈપણ પ્રકારની સમસ્યાનું સીધું જ નિરાકરણ મેળવી શકશે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી સુરત શહેર પોલીસ દ્વારા વોટ્સએપ નંબર જાહેર કરવામાં આવ્યો છે. આ નંબર પર ફરિયાદ કરવાથી કોઈપણ સમસ્યાનો ઉકેલ મળશે. બીજા છેડેથી AI રોબોટ નાગરિકોને જવાબ આપશે.

વોટ્સએપ પર AI રોબોટ માર્ગદર્શન આપશે

પોલીસ દ્વારા 93285 23417 નંબર પર સુરત સાયબર મિત્ર ચેટબોટ તૈયાર કરાયું છે. ફરિયાદી મનપસંદ ભાષા સિલેક્ટ કરી તે ભાષામાં ફરિયાદ કરી શકસે. ગણતરીની સેકન્ડોમાં ફરિયાદીને સચોટ માહિતી આપતો જવાબ મળી જશે. આ ચેટબોટ થકી સુરતના નાગરિકો 24 કલાક ગમે તે સમયે તેનો ઉપયોગ કરી સાયબર ફ્રોડથી લઈને કાયદાકીય તમામ માહિતી આંગળીના ટેરવે મેળવી શકશે.

દેશમાં આ પહેલું સાયબર મિત્ર ચેટ બોટ: કમિશનર

સાયબર મિત્ર ચેટબોટ અંગે સુરત શહેર પોલીસ કમિશનરે કહ્યું કે AIનો ઉપયોગ કરી રોબોટ સાથેનું ચેટબોટ તૈયાર કરનાર સુરત પોલીસ સમગ્ર દેશમાં પ્રથમ છે. દેશના કોઈ પણ રાજ્ય કે શહેરની પોલીસ દ્વારા હજુ સુધી AI રોબોટનો ઉપયોગ કરાયો નથી. નાગરિકો એક ક્લીક પર કોઈ પણ સમસ્યાનું નિરાકરણ મેળવી શકશે.

સાયબર મિત્ર કેવી રીતે મદદરૂપ થશે

સાયબર ક્રાઈમના કિસ્સામાં કઈ રીતે પોલીસને જાણ કરવી, પોલીસની મદદ કેવી રીતે લઈ શકાય અને કાયદાકીય જોગવાઈઓ શું છે ? તેની માહિતી સાયબર મિત્ર નાગરિકોને આપશે. નાગરિકોને આવી માહિતી મળતા પોલીસની કામગીરી વધુ ઝડપી બનશે. લોકોનો પોલીસ પર વિશ્વાસ વધશે અને કાયદો વ્યવસ્થા વધારે સુંદર બનશે.

આ પણ વાંચો-યુપી માટે ઇન્ડિયા એલાયન્સમાં બેઠકોની વહેંચણી પર બની સહમતી, કોંગ્રેસ 11 લોકસભા બેઠકો પર લડશે ચૂંટણી