વિશ્વમાં વધી રહ્યો છે ભ્રષ્ટાચાર; જાણો વિશ્વના દેશોમાં ભ્રષ્ટાચારની યાદીમાં ભારતની શું છે સ્થિતિ

ભારત વિશ્વના ટોચના પાંચ અર્થતંત્રમાં સ્થાન પામ્યું છે અને આગામી ત્રણ વર્ષમાં અમેરિકા તથા ચીન પછી ભારત ત્રીજા સ્થાને પહોંચી શકે છે. પરંતુ તે સામે સૌથી મોટો અવરોધ ભ્રષ્ટાચાર છે. ભ્રષ્ટાચારની બાબતમાં ભારતની સ્થિતિ છેલ્લા કેટલાક વર્ષોનો કથળી છે. તેનાથી ઉલટું પાકિસ્તાન આર્થિક રીતે કંગાળ થઈ ગયું હોવા છતાં ભ્રષ્ટાચારની બાબતમાં તેની સ્થિતિ સુધરી છે. ભારતમાં ચીન કરતાં પણ વધુ ભ્રષ્ટાચાર છે તેમ ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલના એક રિપોર્ટમાં દાવો કરાયો છે.

ભ્રષ્ટાચાર વૈશ્વિક સિવિલ સોસાયટી માટે ‘ગંભીર જોખમ’ હોઈ શકે છે. ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલે જાહેર કરેલા કરપ્શન પર્સેપ્શન ઈન્ડેક્સ (CPI) રિપોર્ટ મુજબ ભ્રષ્ટાચારની બાબતમાં ભારતનો સ્કોર 40 થયો છે, જે વર્ષ 2022માં 39 હતો. વર્ષ 2023માં કુલ 180 દેશોમાં ભારત 93મા ક્રમે પહોંચી ગયું છે જ્યારે 2022 માં ભારતનો ક્રમ 85મો હતો. જો કે સ્કોરની દૃષ્ટિએ જોઈએ તો ભારતમાં ભ્રષ્ટાચારમાં ખાસ કોઈ ફર્ક પડ્યો નથી. આ ઈન્ડેક્સમાં વધુ સ્કોરનો અર્થ ‘ઓછો ભ્રષ્ટાચાર’ અને ઓછો સ્કોર એટલે ‘વધુ ભ્રષ્ટાચાર’ એવો થાય છે.

આ રિપોર્ટ મુજબ ભારતના સ્કોરમાં નહીંવત ફેરફાર થયો છે તેથી કોઈ ચોક્કસ નિષ્કર્ષ પર પહોંચી શકાય એમ નથી. આ રિપોર્ટમાં એક ટેલિકોમ બિલ પાસ થવાની બાબતનો પણ ઉલ્લેખ છે. એવું કહેવાય છે કે, આ બિલ નાગરિકોના મૌલિક અધિકારો સામે ગંભીર જોખમ સર્જી છે. આ ઈન્ડેક્સમાં ચીન 76મા ક્રમે છે. તેણે છેલ્લા એક દાયકામાં ભ્રષ્ટાચાર મુદ્દે 37 લાખથી વધુ સરકારી અધિકારીને સજા ફટકારી છે. આ રીતે ચીન દુનિયાભરમાં ભ્રષ્ટાચાર વિરોધી આક્રમક કાર્યવાહી કરીને વાહવાહી મેળવી ચૂક્યું છે. ભારતના અન્ય પડોશી દેશોમાં પાકિસ્તાનનું રેન્કિંગ 133 અને શ્રીલંકાનું 115 છે. બાંગ્લાદેશ 149ના રેન્કિંગ સાથે અલ્પ વિકસિત દેશના સ્તરથી ઉપર આવી ગયું છે.

પાકિસ્તાન છેલ્લા કેટલાક વર્ષમાં આર્થિક રીતે કંગાળ થઈ ગયું છે. અહીં મોંઘવારી વધવાની સાથે લોકો માટે દૈનિક જીવનજરૂરી વસ્તુઓની ખરીદી પણ મુશ્કેલ બની છે. આમ છતાં કરપ્શન પર્સેપ્શન ઈન્ડેક્સ મુજબ પાકિસ્તાનમાં શાહબાજ શરીફ અને અસીમ મુનીરના રાજમાં ભ્રષ્ટાચાર ઘટયો છે. વર્ષ 2023ના રેન્કિંગમાં પાકિસ્તાનના રેન્કિંગમાં 7 ક્રમનો સુધારો થયો છે. વર્ષ 2022માં તે 140મા ક્રમે હતું તે હવે 133મા ક્રમે પહોંચ્યું છે.

આ યાદીમાં સૌથી ઓછા ભ્રષ્ટાચારી પહેલા પાંચ દેશમાં ડેનમાર્ક (90), ફિનલેન્ડ (87), ન્યૂઝીલેન્ડ (85), નોર્વે (84) અને સિંગાપોર (83) સામેલ છે. ડેનમાર્ક ઘણાં વર્ષોથી આ યાદીમાં મહત્ત્વનું સ્થાન મેળવે છે. આ સિવાય સ્કેન્ડેનેવિયન દેશોની પણ ભ્રષ્ટાચાર મુક્ત દેશોમાં બોલબાલા રહે છે.

સમગ્ર વિશ્વમાં વધી રહ્યો છે ભ્રષ્ટાચાર

વર્ષ 2023નો કરપ્શન પર્સેપ્શન ઈન્ડેક્સ એ બાબતના સંકેત આપે છે કે સમગ્ર દુનિયામાં ભ્રષ્ટાચાર વધી રહ્યો છે. બે તૃતિયાંશથી વધુ દેશોનો સ્કોર 100માંથી 50થી નીચે રહ્યો છે, જે ભ્રષ્ટાચાર વધ્યો હોવા તરફ સંકેત આપે છે. વૈશ્વિક સ્તરે જોવામાં આવે તો સરેરાશ સ્કોર 43 પર અટક્યો છે. એટલે કે મોટાભાગના દેશોએ પાછલા દાયકામાં કોઈ પ્રગતિ કરી નથી. આ ઈન્ડેક્સમાં નિષ્ણાતો અને ઉદ્યોગ ક્ષેત્રના લોકો મુજબ 180 દેશો તથા ક્ષેત્રોને પબ્લિક સેક્ટરમાં ભ્રષ્ટાચારના સ્તર પર ચકાસવામાં આવે છે. તેમાં 0 થી 100 સુધીનો માપદંડ રખાય છે, જેમાં 0 અત્યંત ભ્રષ્ટ અને 100 એકદમ ક્લીન ઈમેજ માટે વપરાય છે.

આ પણ વાંચો-વિજાપુરમાં અનાજ માફિયા બેફામ; પોલીસ-મામલતદાર નિષ્ક્રિય