મહેસાણા: સમાજના છેવાડાનો વ્યક્તિ પણ ભૂખ્યો ન સૂવે તે માટે સસ્તું અનાજ સરકારે વર્ષોથી ઉપલબ્ધ કરાવ્યું છે. કેટલાય પરિવારો એવા છે જે રાશનકાર્ડને તેમના જીવનનું અભિન્ન અંગ ગણતા હશે. ગુજરાત સરકારની યોજનાઓના કારણે નહીંવત કિંમતે લાખો-કરોડો ગરીબોને અનાજ મળે છે અને તેમનો જઠરાગ્નિ ઠારે છે. પરંતુ ગરીબોની આંતરડી ત્યારે બળે છે જયારે અનાજ માફિયાઓ સસ્તા અનાજને બારોબાર સગેવગે કરી દે છે કે અન્ય અનાજ માફિયાને પધરાવી દે છે.
કેન્દ્ર સરકારે 2023માં ગરીબોને સસ્તું રાશન આપવા માટે 20 લાખ કરોડ રૂપિયા ખર્ચ્યા છે, પરંતુ અનાજ માફિયાઓએ એક નવી જ એવી સિસ્ટમ ઉભી કરી દીધી છે, જેનાથી સસ્તા અનાજને બારોબાર સગેવગે કરી દેવામાં આવી રહ્યું છે. આ માટે અનાજ માફિયાઓએ ફેરિયાઓનો એક મોટો જથ્થો ઉભો કરી દીધો છે.
સરકારે આ માટે SITની રચના તો કરી છે પરંતુ SITની સક્રિયતા હોવા છતાં અનાજ માફિયાઓ કોઇ જ ડર વગર ખુલ્લેઆમ અનાજની હેરાફેરી કરી રહ્યા છે. કેટલાક મોટા ગજાના અનાજ માફિયાઓ તો પોતાના બે નંબરના ધંધાને લિગલી ધંધો બતાવવા માટે જીએસટી નંબર અને પેઢીઓના બીલનું પણ જૂગાડ કરવાનું શરૂ કર્યું છે.
તેથી પ્રશ્ન ઉભો થઇ રહ્યો છે કે SITથી સસ્તા અનાજમાં કૌભાંડ આચરનારા ડરશે ખરા? આ કૌભાંડીઓના મૂળ સુધી કેમ પહોંચાશે? વર્તમાન સમયમાં અનેક અનાજ માફિયાઓ પોતાનું કામ અધિકારીઓની રહેમનજરથી ચલાવી રહ્યા છે તો કેટલાક અધિકારીઓની નિષ્ક્રિયતાઓના કારણે અનાજ માફિયાઓ બેફામ બન્યા છે. તો ચાલો આજે વાત કરીએ વિજાપુરના અનાજ માફિયાઓ વિશે…
વિજાપુરમાં અનાજ માફિયાઓ બેફામ બન્યા છે, તેવામાં પ્રથમ પ્રશ્ન તો તે ઉદ્દભવે છે કે, વિજાપુર મામલતદાર અને પોલીસ નિષ્ક્રિય છે કે પછી તેમની રહેમનજર છે? કેમ કે તેમના નાક નીચે ચાલતા અનાજ માફિયાના મસમોટા વેપલા વચ્ચે પણ તેમને કોઈ જ ગંધ ન આવી હોય તેવું માનવું થોડૂ કઠિન છે. જોકે કેટલીક વખત અનાજ માફિયાઓની સતર્કતા અને તેમના ઘડેલા ચક્રવ્યૂહના કારણે મામલતદાર કે પોલીસ સુધી ગંધ જતી નથી. તેથી આપણે બેમાંથી એકપણ શક્યતાને નકારી શકીએ નહીં.
વિજાપુરમાં ઇરફાન અને મુન્ના નામના બે શખ્સો સસ્તા અનાજની હેરાફેરી કરી રહ્યા છે. પોતાના અલગ-અલગ ગોઠાઉન રાખીને તેઓ સસ્તા અનાજનો જથ્થો વેચાતો લઈ રહ્યા છે. તેમના દ્રારા માર્કેટમાં ફરતા મૂકવામાં આવેલા ફેરિયાઓ તેમને સસ્તા અનાજનો જથ્થો પૂરો પાડી રહ્યા છે. આ ફેરિયાઓ સસ્તા અનાજની દુકાનો સાથે મીલિભગત કરીને અનાજ ઉઠાવી લેતા હોય છે તો ગરીબ લોકોને પૈસાની લાલચ આપીને અનાજ પડાવી લેતા હોય છે. સ્વભાવિક છે કે, સરકાર ગરીબોને વ્યક્તિદીઠ અનાજનો જથ્થો આપે છે. આ જથ્થો નજીવા પૈસામાં આપવામાં આવે છે, તેની સામે અનાજ માફિયાઓ થોડો ઉંચો ભાવ આપતા તેઓ લલચાઇ જાય છે અને તેમને મળેલા અનાજનો કેટલોક ભાગ લાચારીમાં વેચી મારતા હોય છે.
આ પણ વાંચો-આજે CMની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં કેબિનેટ બેઠક; બજેટ, બિલ સહિતના મુદ્દાઓ પર થશે ચર્ચા
ફેરિયાઓની ઉભી થઇ ગઇ છે એક ટીમ
અનાજ માફિયાઓની સક્રિયતાના કારણે જ વિજાપુર સહિત આસપાસના વિસ્તારમાં ફેરિયાઓની એક મસમોટી ટીમ ઉભી થઈ ગઇ છે. તે તમામ વિસ્તારમાં ફરીને સમેતિઓ સહિત લોકો પાસેથી રાશનનો જથ્થો ઉઘરાવી લે છે. આ તમામ સિસ્ટમ ઉભી કરવા પાછળ અનાજ માફિયા જ જવાબદાર છે.
તેથી સરકારે અનાજ માફિયાઓ સહિત બિલાડીની ટોપની જેમ ફૂટી નિકળેલા ફેરિયાઓ ઉપર કડક કાર્યવાહી કરે તો અનાજની હેરાફેરીની ઉભી થયેલી સિસ્ટમને બંધ કરી શકાય છે. તો વિજાપુરમાં પોલીસ અને મામલતદારે ગરીબોના હક્ક પર તરાપ મારતા અનાજ માફિયા એવા ઇરફાન ઉર્ફે બાહુબલી અને મુન્ના સામે કાર્યવાહી કરવા સહિત ફેરિયાઓ ઉપર પણ કાર્યવાહી કરવાનું અઘરૂ કામ કરવું પડશે.
તે ઉપરાંત અનાજની ગેરકાયદેસર રીતે હેરાફેરી કરીને બે નંબરના ધંધા દ્વારા ઉભી કરાયેલી માફિયાઓની પ્રોપર્ટી ઉપર પણ કાર્યવાહી કરવી જોઇએ, જેથી અન્ય અનાજ માફિયાઓમાં પણ કાયદાનો ડર ઉભો થઇ શકે છે.
સરકાર ગરીબો માટે કરોડો રૂપિયાનો ખર્ચો કરીને અનાજની વ્યવસ્થા કરી રહી છે તો અનાજ માફિયાઓ સરકારના કરેલા કામો ઉપર પાણી ફેરવી રહ્યા છે. તો બીજી તરફ કેટલીક જગ્યાએ સરકારી અધિકારીઓની બેદરકારીના કારણે પણ સરકારી યોજનાઓ ધૂળધાણી થઇ રહી છે. ઉલ્લેખનિય છે કે, સરકારે ગરીબોને આગામી પાંચ વર્ષ સુધી સસ્તું અનાજ આપવાની જાહેરાત કરી છે. આ માટે સરકારે કરોડો રૂપિયાનું બજેટ ફાળવ્યું છે પરંતુ સરકારની આ તમામ કામગીરી ત્યારે જ યોગ્ય રીતે પાર પડશે જ્યારે અમલદારશાહો પોતાની ડ્યુટી ઇમાનદારીથી નિભાવશે. નહીં તો અનાજ માફિયાઓ સરકારી યોજના પર પાણી ફેરવીને સસ્તા અનાજને બારોબાર સગેવગે કરીને પોતાના ઘર ભરવાનું કામ તો કરી જ રહ્યા છે. હવે આ અનાજ માફિયાઓને રોકવાનું કામ કરવાનું ભગીરથ કાર્ય સરકારના જ અધિકારીઓના હાથમાં છે.
આ પણ વાંચો-બજેટ એક્સપ્લેનર: સરકાર કિસાન સન્માન નિધિ થઇ શકે છે બેવડી, થઇ શકે છે ત્રણ મોટી જાહેરાત