પીએમ મોદીના વતનમાં ડબ્બા ટ્રેડિંગ; SOGએ સુલીપુરના ગોપાલની કરી રંગેહાથ ધરપકડ

વડનગર: મહેસાણા જિલ્લો ડબ્બા ટ્રેડિંગ માટે હોટફેવરિટ બની ગયો છે. તેમાંય વિસનગર અને વડનગરમાં મોટી સંખ્યામાં યુવકો ડબ્બા ટ્રેડિંગ કરતા હોવાના અવાર-નવાર સમાચારો સામે આવતા રહ્યા છે. આ વચ્ચે મહેસાણા એસઓજીએ વડનગરમાંથી એક યુવકને દબોચી લીધો છે.

મળતી માહિતી અનુસાર, મહેસાણા જિલ્લાના વડનગરના જુના ડેપો પાછળ આવેલા શોપિંગ સેન્ટરમાં એક યુવક ગેરકાયદેસર રીતે પોતાના ફોનથી ગ્રાહકોને શેર માર્કેટમાં વધુ નાણાં રોકાવી વધુ પૈસા કમાવવાની ટિપ્સ આપી ઠગાઈ કરતો હોવાનું મહેસાણા એસઓજીને બાતમી મળી હતી. આ બાતમીના આધારે એસઓજીએ રેડ કરી હતી. આ દરમિયાન સુલીપુર ગામના ઠાકોર ગોપાલજી નામના યુવકને ઝડપી લીધો હતો.

મહેસાણા એસઓજી વડનગર વિસ્તારમાં પેટ્રોલિંગ પર હતી, તે દરમિયાન તેમને માહિતી મળી હતી કે, વડનગરમાં એક વ્યક્તિ શેર માર્કેટમાં લોકો પાસે પૈસાનું રોકાણ કરાવીને તેમના છેતરપિંડી કરી રહ્યો છે. સુલીપુરનો રહેવાસી ગોપાલજી રમતુજી ઠાકોર એક એપ્લિકેશન થકી લોકોને શેર માર્કેટની ટિપ્સ આપીને પહેલા થોડો નફો કમાવી આપતો હતો, જ્યારે ગ્રાહકને વિશ્વાસ બેસી જાય ત્યાર પછી તે ખરો ખેલ કરતો હતો.

ગોપાલ પાસેથી પોલીસે 61,800 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનિય છે કે, પીએમ નરેન્દ્ર મોદી વડનગરને દેશ-વિદેશમાં પ્રચલીત કરવા માટે તેની કાયાપલટ કરી રહ્યા છે.