દિલ્હી-નોઈડા સરહદે ખેડૂતો અને પોલીસ વચ્ચે વધ્યું ઘર્ષણ, લાગુ કરાઈ 144

નવી દિલ્હી: દિલ્હીમાં ખેડૂતો પોતાની માગને લઈને સંસદ ભવન તરફ કૂચ કરી છે. તેને ધ્યાનમાં રાખીને નોઈડામાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. ખેડૂતો નોઈડામાં મહામાયા ફ્લાયઓવરથી આગળ વધ્યા હતા. દલિત પ્રેરણા સ્થળના મુખ્ય દ્વાર પર ભારે બેરિકેડ લગાવીને મોટી સંખ્યામાં પોલીસ દળો દ્વારા ખેડૂતોને અટકાવ્યા છે. ખેડૂતો પણ હડતાળ પર બેઠા છે અને દિલ્હી જવાની માગ પર અડગ છે. જો કે, હડતાળ પર બેઠેલા ખેડૂતોની પોલીસે અટકાયત કરી હતી.

પોલીસે ટ્રાફિક એડવાઈઝરી જાહેર કરી

ખેડૂતોએ સંસદ ભવનનો ઘેરાવ કરવાની જાહેરાત કરી હતી. ખેડૂતોની મહાપંચાયત અને દિલ્હી કૂચને ધ્યાનમાં રાખીને ગૌતમ બુદ્ધ નગર પોલીસે ટ્રાફિક એડવાઈઝરી જાહેર કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, ‘કેટલીક જગ્યાએ રૂટ ડાયવર્ઝન કરવામાં આવ્યું છે. દિલ્હી અને નોઈડાને જોડતા રસ્તાઓ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે.’

ખેડૂતો ગ્રેટર નોઈડા ઓથોરિટીની બહાર ઘણાં દિવસોથી દેખાવ કરી રહ્યા છે. તેઓએ ગુરુવારે ઘેરાબંધીની તૈયારી કરી લીધી છે. ખેડૂતોએ કહ્યું હતું કે, ‘દિલ્હી કૂચમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને વૃદ્ધો પણ જોડાશે.’

ખેડૂતોની માગ શું છે?

ખેડૂત મજૂર સંઘર્ષ સમિતિ અનુસાર, ‘મિનિમમ સપોર્ટ પ્રાઈઝ (MSP) માટેની કાયદાકીય ગેરંટી ઉપરાંત, ખેડૂતો સ્વામીનાથન કમિશનની ભલામણો લાગુ કરવા, ખેડૂતો અને ખેતમજૂરો માટે પેન્શન, ખેડૂતોની લોન માફી, પોલીસ કેસ પાછા ખેંચવાની અને લખીમપુર ખેરી હિંસાના પીડિતો માટે ન્યાયની માગ કરવામાં આવી છે.’

આ પણ વાંચો- લોકસભા ચૂંટણી સર્વે; ગુજરાતમાં કોંગ્રેસનો સફાયો યથાવત