દિલ્હી: દેશમાં આગામી મહિનામાં લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. તે પહેલા ઈન્ડિયા ટુડે અને સી વોટર સંયુક્ત રીતે ‘મૂડ ઓફ ધ નેશન’ સર્વે કર્યો છે. આ સર્વેમાં જણાવ્યા પ્રમાણે તમામ 543 લોકસભા મતવિસ્તારમાંથી લગભગ 35-38 હજાર લોકોના ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા. સર્વેના આધારે ટીમ જણાવી રહી છે કે જો હવે ચૂંટણી થાય છે, તો કઈ પાર્ટીને કેટલી સીટો મળશે. આ સર્વે અનુસાર ભાજપ ગઠબંધનને યુપીમાં 80માંથી 72 સીટો મળી રહી છે, જ્યારે ઉત્તરાખંડમાં તમામ પાંચ સીટો, હિમાચલની ચારેય સીટો, હરિયાણામાં 10માંથી 8, પંજાબમાં બે, એમપીમાં 29માંથી 27 સીટો મળી રહી છે. છત્તીસગઢમાં 11માંથી 10 બેઠકો દેખાઈ રહી છે.
ગુજરાતમાં ભાજપનું ફરી ક્લીન સ્વિપઃ સર્વે
ઈન્ડિયા ટુડે અને સી વોટરના સર્વે ‘મૂડ ઓફ ધ નેશન’માં ગુજરાતમાં ભાજપ એકવાર ફરીથી ક્લીન સ્વીપ કરતા દેખાઈ રહી છે. જ્યાં છેલ્લી બે લોકસભા ચૂંટણીમાં ભાજપે રાજ્યની તમામ 26 બેઠકો જીતી હતી, ત્યારે આ વખતે ફરીથી રાજ્યમાં ભાજપ પર જનતાનો વિશ્વાસ અકબંધ છે. ગુજરાતમાં ભાજપનો વોટ શેર 62.1 ટકા છે, જ્યારે કોંગ્રેસનો વોટ શેર 26.4 ટકા છે. બાકીના નાના પક્ષો 12 ટકા છે.
મહારાષ્ટ્રમાં BJP-શિંદે-અજિત પવાર પર MVA ભારે
મહારાષ્ટ્રમાં આજે ચૂંટણી યોજાય તો મહાવિકાસ અઘાડી ભાજપ, શિંદે અને અજિત પવાર જૂથને પછાડતી દેખાઈ રહી છે. મૂડ ઓફ ધ નેશન પર વિપક્ષી ગઠબંધનને 48માંથી 26 બેઠકો મળતી જોવા મળી રહી છે. જ્યાં ભાજપ ગઠબંધનને 40.5 ટકા વોટ શેર મળી રહ્યો છે. જ્યારે કોંગ્રેસ ગઠબંધનને 44.5 ટકા વોટ શેર મળતાં જણાય છે. મહારાષ્ટ્રમાં ભાજપ ગઠબંધનને 22 બેઠકો મળી રહી છે, કોંગ્રેસને 12 બેઠકો અને શિવસેના (ઉદ્ધવ)-NCP (શરદ પવાર)ને 14 બેઠકો મળી રહી છે.
રાજસ્થાનમાં ભાજપનું ક્લીન સ્વિપ
ઈન્ડિયા ટુડે-સી વોટર્સ મૂડ ઓફ ધ નેશનના સર્વે અનુસાર, રાજસ્થાનમાં ભાજપ ક્લીન સ્વીપ કરતી જોવા મળી રહી છે. આ વખતે લોકસભા ચૂંટણીમાં ભાજપ 25માંથી 25 સીટો પર જીત મેળવી રહ્યું છે. ગત ચૂંટણીમાં એનડીએમાં સામેલ હનુમાન બેનીવાલે હનુમાનગઢ સીટ પરથી જીત મેળવી હતી, પરંતુ બાદમાં તેમણે ખેડૂતોના મુદ્દા પર એનડીએ છોડી દીધું હતું.