વિસનગરના બૂટલેગર અશોક-વિક્રમ બન્યા ડબ્બા ટ્રેડિંગના કિંગ; પીન્ટુ ભાવસારને પણ છોડ્યો પાછળ

વિસનગર: મહેસાણા જિલ્લામાં ડબ્બા ટ્રેડિંગનું દૂષણ મોટા પાયે ઘર કરી ગયું હોય તેવું સ્પષ્ટ રીતે દેખાઇ રહ્યુ છે. અન્ય રાજ્યોની પોલીસ મહેસાણામાં ધામા નાંખી રહી છે. ડબ્બા ટ્રેડિંગ કરનારાઓને પકડવા માટે અજાણ્યા વિસ્તારમાં આંટા-ફેરા કરીને અન્ય રાજ્યોની પોલીસને અનેક વખત ખાલી હાથે તો કેટલીક વખત સફળતા હાથ લાગે છે. વાત જાણે એમ છે કે, મહેસાણા જિલ્લાના વિસનગર-વડનગર અને ખેરાલુ તાલુકાઓમાં પીન્ટુ ભાવસારે 2020માં દલાલ સ્ટોક થકી ગેરકાયદેસર રીતે પૈસા બનાવવા માટે મસમોટી ટીમ ઉભી કરી હતી. એવું કહેવામાં આવે છે કે, પીન્ટુ ભાવસારે માત્ર બે જ વર્ષમાં અબજો રૂપિયાની પ્રોપર્ટી બનાવી લીધી હતી. દૂબઇ સહિત અન્ય દેશોમાં પીન્ટુ ભાવસારે રોકાણ કરેલું હોવાની માહિતી પણ છાપે ચડી હતી. જોકે, 2022માં ગાંધીનગર પોલીસે તેને સંકજામાં લઈને જેલના સળીયા પાછળ ધકેલી દીધો હતો. ત્યારથી અત્યાર સુધી તે દેશની વિવિધ જેલોની પરિભ્રમણા કરી રહ્યો છે. કેમ કે દેશભરના લોકોને તેની ટીમે ચૂનો લગાવ્યો હતો.

પીન્ટુ ભાવસારે જે શેર માર્કેટના નામે લોકો સાથે છેતરપિંડી કરવાનું ગેરકાયદેસર કામ શરૂ કર્યું હતું, તે અત્યારે પણ યથાવત છે. જે લોકો પીન્ટુ ભાવસાર સાથે જોડાયેલા હતા, તેઓ પોતે હવે પોત-પોતાની અલગ-અલગ ટીમો બનાવીને ડબ્બા ટ્રેડિંગ કરી રહ્યા છે. આ ગેરકાદેસર કારોબારમાં લોકોને શેર માર્કેટની ટિપ્સ આપીને પહેલા તો નફો કરાવવામાં આવે છે અને વિશ્વાસ જીત્યા પછી ગ્રાહકને પીપીએફ એટલે ડબ્બા ટ્રેડિંગ વિશે સમજાવવામાં આવે છે. આમાં ગ્રાહકને કહેવામાં આવે છે કે, આ પ્લેટફોર્મ એવું છે કે, આમાં તમારે જીએસટી સહિતના અન્ય ચાર્જ લાગશે નહીં અને મોટા ભાગનો નફો તમારા ભાગમાં આવશે.

જ્યારે ગ્રાહક પીપીએફમાં ઇન્વેસ્ટ કરવા માટે તૈયાર થઇ જાય છે, ત્યાર પછી તેના પાસે મોટી રકમ ઇન્વેસ્ટ કરાવીને તેના સાથે છેતરપિંડી કરી લેવામાં આવે છે. આ પૈસા ડમી એકાઉન્ટ થકી અથવા આંગડીયા પેઢી થકી તેમના પાસે મંગાવી લેવામાં આવે છે.

વિસનગરના કિંગ ગણાતા બૂટલેગર ભાઇઓએ ડબ્બા ટ્રેડિંગમાં ઝંપલાવીને આપી એક નવી ઉંચાઇ

જ્યારે પીન્ટુ ભાવસારનો સૂર્ય અસ્ત થયો ત્યાર પછી અનેક લોકોએ ડબ્બા ટ્રેડિંગનો ગેરકાયદેસર ધંધો શરૂ કર્યો હતો. જોકે, અત્યાર સુધીમાં કોઈ પીન્ટુ ભાવસારની બરાબરી કરી શક્યો નથી. પરંતુ વિસનગરના બે બૂટલગેર ભાઇઓએ ડબ્બા ટ્રેડિંગમાં ઝપલાવ્યું અને તેઓ પીન્ટુ ભાવસારને પણ પાછળ મૂકી દીધો છે. પાછલા ટૂંક જ સમયમાં આ બંને ભાઈઓએ ડબ્બા ટ્રેડિંગ થકી કરોડો રૂપિયાની પ્રોપર્ટી બનાવી લીધી છે.

આ પણ વાંચો-હરણી બોટ દુર્ઘટના કેસ: આરોપી દિપેન અને ધર્મિલ શાહ 6 દિવસના રિમાન્ડ પર

આ બંને ભાઇઓ રાજકીય વગ ધરાવતા હોવાથી તેમના ઉપર ખાખી પણ હાથ નાખવાનું વિચારી રહી નથી. જ્યારે ખાખી હાથ નાંખી ન શકે તો પછી તમે વિચારો તે શું કરી શકે છે? તો બીજી તરફ જણાવી દઇએ કે, અશોકજી ઠાકોર ઉપર એક-બે નહીં પરંતુ કુલ 24 કેસ નોંધાયેલા છે. કેટલાક કેસોમાં તો તે વોન્ટેડ હોવા છતાં તે બિન્દાસ રીતે વિસનગરમાં ખુલ્લેઆમ ફરી રહ્યો છે. વિસનગર પોલીસની છત્રછાયાના કારણે કદાચ હવે અશોકજીએ દારૂના વેપલાની સાથે-સાથે લોકોને છેતરવા માટે પોતાની મસમોટી ટીમ પણ બેસાડી દીધી છે.

વિશ્વસનિય સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, બૂટલેગર અશોકજી-વિક્રમજીએ 100થી વધારે લોકોની ટીમ ડબ્બા ટ્રેડિંગ કરવા માટે બેસાડી હોવાની માહિતી સામે આવી રહી છે. આ ટીમ ક્યાં બેસાડી છે, તેનું લાઈવ લોકેશન પણ ગુજરાત ટાઈમ્સ24 પાસે છે. તે ઉપરાંત તેમની ટીમના ઓછામાં ઓછા 15થી વધારે લોકોના નામની જાણકારી પણ અમારી પાસે છે.

વિસનગર સહિત આસપાસના વિસ્તારમાં મોટા પાયે અંગ્રેજી દારૂનું વેચાણ કરતાં અશોકજી અને વિક્રમજી ઠાકોરે પોતાની મસમોટી ટીમને પોલીસથી બચાવવાની અને તેમને સુરક્ષિત રાખવાની બાહેંધરી આપી છે. આમ પોલીસથી પોતાની ટીમને બચાવવા માટે તેઓ પોલીસને ખુશ રાખી રહ્યા હોવાની માહિતી પણ પોલીસ બેડાના વિશ્વસનિય સુત્ર પાસેથી મળી રહી છે.

જણાવી દઇએ કે, ગુનાહિત ઇતિહાસ ધરાવતા અશોકજી અને વિક્રમજીએ દારૂના હોલસેલ અને છૂટક ધંધાને એક અલગ ઉંચાઇ આપેલી છે. તેઓ હવે ડબ્બા ટ્રેડિંગના કાળા કારોબારને એક નવા લેવલ ઉપર લઈ જવાના પ્લાનિંગમાં છે.

આ પણ વાંચો-રાજીવ મોદી કથિત દુષ્કર્મ કેસ : બલ્ગેરિયન યુવતીએ કહ્યું, ‘ગુજરાત પોલીસ પર વિશ્વાસ રહ્યો નથી’

શું વિસનગર પોલીસની રહેમનજર વગર શક્ય છે ખરૂં?

અશોકજી અને વિક્રમજી વિસનગર પોલીસ માટે સોનાનું ઇંડૂ આપતી મુરઘીઓ સમાન છે. ભલે તેઓ કાળા કારોબાર સાથે સંડોવાયેલા હોય પરંતુ સરકારી અધિકારીઓના ખિસ્સા ભરાતા હોવાના કારણે તેમના ગુનાઓને નજર અંદાજ કરવામાં આવી રહ્યા હોય તેવું લાગી રહ્યુ છે. કેમ કે બંને બૂટલેગરો દ્વારા જગજાહેર રીતે સામાજિક દૂષણ ફેલાવવાની સાથે-સાથે ડબ્બા ટ્રેડિંગ કરાવી રહ્યો હોવા છતાં તેમના ઉપર કોઈ જ એક્શન લેવામાં આવતી ન હોવાના કારણે વિસનગર પોલીસની કામગીરી ઉપર પ્રશ્ન ઉભા થાય તે સ્વભાવિક છે.

શું વિસનગર પોલીસ ગુનાહિત પુષ્ટભૂમિ ધરાવતા અશોકજીના કાળા કારોબારથી વાકેફ નથી? એક ફોન ઉપર અંગ્રેજી દારૂની હોમડિલેવરી કરાવનારા બંને ભાઈઓના કામ જગજાહેર હોય તેની પોલીસને જાણ ન હોય તેવું બને ખરૂં? મસમોટી ટીમ ડબ્બા ટ્રેડિંગ માટે બેસાડી હોય અને પોલીસ તેનાથી અજાણ હોય તે પણ એક ચોંકાવનારી બાબત છે. કેમ વિસનગર પોલીસ ગુનાહિત ઇતિહાસ ધરાવતા બૂટલેગરો સામે કૂમળું વલણ રાખી રહી છે? કેટલાક પ્રશ્ન વિસનગર પોલીસની કામગીરી સામે શંકા ઉભી કરે છે.

ગુનેગાર અશોક-વિક્રમને કોણ પુરી પાડી રહ્યુ છે રાજકીય વગ

ગુજરાત ટાઈમ્સ24ની ટીમને ડબ્બા ટ્રેડિંગના એક કેસમાં તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, વિસનગરના બે બૂટલેગરો કે જેઓ સારી એવી રાજકીય વગ ધરાવે છે તેમણે મોટા પાયે ગેરકાયદેસર રીતે શેર માર્કેટનું કામ શરૂ કર્યું છે. માહિતી આપનાર વ્યક્તિએ કહ્યું કે, વિક્રમજી અને અશોકજીને વિશે અનેક વાતો કહી હતી. જેમાં એક તે બાબતનો પણ ઉલ્લેખ હતો કે, આ બંને ભાઈઓને રાજકીય ટેકો હોવાના કારણે પોલીસ પણ તેમનો વાળ પણ વાંકો કરી શકશે નહીં.

આ એક ખુબ જ ગંભીર બાબત છે. રાજનેતાઓને લોકો પોતાની સુરક્ષા અને વિકાસ માટે ચૂંટીને લાવે છે પરંતુ જ્યારે રાજનેતાઓ પૈસા અને સત્તાની લાલચમાં આવા ગુનેંહગારોને છાવરવા લાગે ત્યારે જનતાનું શું? 2024ની લોકસભાની ચૂંટણીમાં જનતાને ચોક્કસપણે ખ્યાલ રાખવો પડશે કે, લોકોને આર્થિક રીતે પાયમાલ બનાવનારાઓને છાવરીને પોતાની તિજારી ભરનારાઓને ઝાકારો આપીને ઉદાહરણ બેસાડવું પડશે.

આ પણ વાંચો- ભાજપના રાજમાં ઉડતા ગુજરાત! બે વર્ષમાં ઝડપાયું 5338 કરોડ રૂપિયાનું ડ્રગ્સ

સ્વભાવિક છે રાજકીય ટેકો ધરાવતા ગુનાહિત પુષ્ઠભૂમિવાળા લોકો સામે પોલીસ પણ એક્શન લેતા ખચકાય છે, તેવા કિસ્સા એક નહીં અનેક ઉદાહરણ રૂપ જોવા મળ્યા છે. પરંતુ આ કેસમાં કોણ રાજકીય વ્યક્તિ છે કે, ભારતની જનતાને લૂંટતા અને લોકોના લોહીમાં દારૂનો નશો ભેળવાનાર, સામાજિક દુષણ થકી સમાજને ખોખલુ કરનારાને છાવરનાર કોણ છે? તે એક મોટો યક્ષ પ્રશ્ન છે. તે એક ગંભીર બાબત છે. આ અંગે વધારે તપાસની જરૂરત છે.

આ રાજકીય વ્યક્તિ કોણ છે અને કઈ પાર્ટી સાથે જોડાયેલો છે. ગુજરાતમાં તો વર્તમાન સમયમાં ભારતીય જનતા પાર્ટીનો દબદબો છે. તેથી તે વ્યક્તિ બીજેપનો પણ હોઈ શકે છે. અથવા અન્ય પાર્ટીનો હોય પરંતુ બીજેપી સાથે તેનો સારો એવો ઘરોબો હોઈ શકે છે. અથવા એવું પણ બની શકે કે, આ ગુનાહિત ઇતિહાસ ધરાવતા બૂટલેગરોએ પોલીસથી બચવા માટે રાજકીય ટેકો હોવાની એક અફવા ફેલાઇ હોઇ શકે છે.

કેમ કે આપણે તે વાતને પણ નકારી શકીએ નહીં કે, સીએમઓમાં નોકરી કરતાં હોવાનું કહીને કિરણ પટેલે અનેક લોકોને કરોડો રૂપિયાનો ચૂનો લગાવ્યો હોવાના દાખલા પણ હાજર છે.

ખેર, જે પણ હોય સમયાંતરે તેનો પણ ખુલાસો થઈ જ જશે. પરંતુ વિસનગર શહેર પોલીસ, વિસનગર ડિવાયએસપી સહિત મહેસાણા સાઇબર ક્રાઈમના અધિકારીઓએ અશોકજી અને વિક્રમજીના ડબ્બા ટ્રેડિંગના ગેરકાયેદસર ધંધાને રોકીને કાયદા અને વ્યવસ્થાને બનાવી રાખીને દેશના લોકો આર્થિક રીતે પાયમાલી ન વ્હોરે તેનો ખ્યાલ રાખવો જોઈએ.

આપણે ઉપર જણાવ્યું હતં તેમ અન્ય રાજ્યોની પોલીસ મહેસાણાના વિસનગર-વડનગર તાલુકાઓમાં છાસદ્હાડે આવીને ધામા નાંખી રહી છે. અન્ય રાજ્યોની પોલીસ ગુજરાતના વિસ્તારોથી યોગ્ય રીતે અવગત ન હોવાના કારણે ડબ્બા ટ્રેડિંગના માફિયાઓને પકડવા માટે ખુબ જ મહેનત કરવી પડી રહી છે, પરંતુ લોકલ પોલીસનો સાથ જોઇએ તે પ્રમાણે મળી રહ્યો નથી, તેથી જ તો વિક્રમ-અશોક જેવા ગુનેગારો ફલી-ફૂલી રહ્યા છે. પોતાના ધંધાનો વિસ્તાર કરી રહ્યા છે.

આ બંને બૂટલેગરોએ ડબ્બા ટ્રેડિંગના કાળા કારોબાર થકી ગેરકાયદેસર રીતે કેટલી પ્રોપર્ટી બનાવી લીધી છે, તે ઉપરાંત અન્ય વધુ સંવેદનશીલ માહિતી અંગેનો એક રિપોર્ટ આગામી સમયમાં પ્રકાશિત કરાશે.

આ પણ વાંચો- પૂર્વ PM ચૌધરી ચરણ સિંહ અને નરસિમ્હા રાવને મળશે ‘ભારત રત્ન’, મોદી સરકારની મોટી જાહેરાત