પાટણ: રાધનપુરમાં મોતિયાના ઓપરેશન બાદ પાંચ દર્દીઓને અંધાપાની અસર

પાટણ: ગત જાન્યુઆરી મહિનામાં માંડલની હોસ્પિટલમાં 17 જેટલા દર્દીઓને આંખના મોતિયાંનાં ઓપરેશન બાદ ઇન્ફેક્શન થયું હતું. ત્યારે હવે તેના થોડા દિવસોમાં જ ગુજરાતમાં ફરી એક અંધાપાકાંડની ઘટના સામે આવી છે. આ ઘટના પાટણ જિલ્લાના રાધનપુરમાં બની છે. અહીં આંખની હોસ્પિટલમાં સારવાર બાદ પાંચ દર્દીઓને અંધાપાની અસર થતા તાત્કાલિક ધોરણે અમદાવાદ સિવિલ હોસ્પિટલ દાખલ કરાયા હતા.

ઓપરેશનના બે દિવસ બાદ ઓછું દેખાવાની થઇ સમસ્યા

મળતી માહિતી પ્રમાણે, આ દર્દીઓએ 2 ફેબ્રુઆરીએ સારવાર કરાવી હતી જે બાદ ઇન્ફેકશન થતા 4 તારીખે સિવિલ દાખલ કરાયા હતા. ઓપરેશન બાદ પાંચ જેટલા દર્દીઓને આંખમાં દુખાવાની ફરિયાદ હતી. સાથે આંખ લાલ રહેવી, આંખમાંથી પાણી પડવાની પણ સમસ્યા થઇ હતી. જોકે આ મામલે કોઈ ફરિયાદ થઇ નથી.

માંડલની હોસ્પિટલમાં મોતિયાંનાં ઓપરેશન બાદ 17 દર્દીઓને થયું હતું ઈન્ફેક્શન

માંડલમાં શ્રીરામાનંદ આંખની હોસ્પિટલમાં ઓપરેશન કરાવનાર દર્દીઓ સુરેન્દ્રનગર, પાટણ અને અમદાવાદ જિલ્લાના હતા. કુલ 25 દર્દીઓનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. જેમાંથી 17 દર્દીઓને ઈન્ફેક્શન લાગ્યું હતું જેમાંથી પાંચ દર્દીઓને દેખાવાનું બંંધ થઈ જતા અમદાવાદ સિવિલમાં ખસેડવામાં આવ્યા હતાં.

મહત્વનું છે કે, માંડલ અંધાપાકાંડ બાદ ગુજરાત હાઈકોર્ટમાં સુઓમોટો દાખલ થઇ હતી. હાઇકોર્ટે આરોગ્ય વિભાગની ઝાટકણી કાઢી હતી. ત્યાં હવે ફરી રાજ્યમાં અંધાપાકાંડની ઘટના સામે આવી છે.

આ પણ વાંચો- રવિન્દ્ર જાડેજાના પરિવારમાં ઘર કંકાશ; પિતાના આક્ષેપ પછી જાડેજાએ તોડ્યું મૌન