રાજ્યમાં ઠંડીનો ચમકારો; જાણો શું છે હવામાન વિભાગની આગાહી

ગાંધીનગર: રાજ્યમાં એક વખત ફરીથી ઠંડીનો રાઉન્ડ જોવા મળી રહ્યો છે. હવામાન નિષ્ણાતો દ્વારા ફેબ્રુઆરીની 7 તારીખ બાદ ઠંડીના રાઉન્ડની આગાહી કરવામાં આવતી હતી, તે પ્રમાણે જ સુસવાટા મારતાં પવનો સાથે ઠંડીનો રાઉન્ડ જોવા મળી રહ્યો છે. પવનની સાથે પારો પણ ગગગડી રહ્યો છે. સવારે અને સાંજ પછી ઠંડીનો ચમકારો અનુભવાઇ રહ્યો છે. આવામાં આગામી દિવસોમાં ઠંડીની સ્થિતિ કેવી રહેશે, રાજ્યનું હવામાન કેવું રહેશે? તે અંગે જાણો આગાહી..

હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રયે જણાવ્યું હતું કે, આગામી દિવસો દરમિયાન રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં મોટા ફેરફારની શક્યતાઓ નથી. અમદાવાદ અને ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન ઘટીને 14.4 ડિગ્રી નોંધાયું છે. લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થવાથી ફરી એકવાર સવારના સમયે અને રાત્રે ઠંડીનો અનુભવ થયો હતો. આ સિવાય રાજ્યના ઉત્તર ભાગમાં પણ તાપમાનનો પારો ગગડતા લોકોને સામાન્ય ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.

રાજ્યમાં સૌથી નીચું તાપમાન ફરી એકવાર નલિયામાં નોંધાયું હતું. જ્યાં લઘુત્તમ તાપમાન ઘટીને 10 ડિગ્રીની નીચે આવ્યું હતું. નલિયામાં લધુત્તમ તાપમાન 9.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આગામી સમયમાં પણ અમદાવાદ અને ગાંધીનગરમાં ઠંડીનો અનુભવ થશે. જેમાં અમદાવાદમાં લઘુત્તમ તાપમાનનો પારો 15 ડિગ્રી અને ગાંધીનગરમાં 14 ડિગ્રી રહેવાની આગાહી કરવામાં આવી છે.

ઉત્તર-પશ્ચિમી પવન ફૂંકાવાની વાત કરીને હવામાન નિષ્ણાત રામાશ્રય જણાવ્યું હતું કે, હાલ રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં મોટા ફેરફારની સંભાવનાઓ નથી પરંતુ તાપમાનનો ટ્રેન્ડ વધવા તરફ આગળ જવાની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હાલ ઉત્તર તરફથી પવનો આવી રહ્યા હોવાના કારણે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. રાજ્યમાં લઘુત્તમ તાપમાન ઘટવાથી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે પરંતુ હવામાન વિભાગે એક રાહતની વાત કરીને જણાવ્યું છે કે, વરસાદ થવાની સંભાવનાઓ નથી. એટલે કે આ આગાહી ખેડૂતો માટે રાહતવાળી સાબિત થઈ શકે છે. નોંધનીય છે કે હાલ ઉત્તર-પશ્ચિમના પવનો છે અને હાલમાં સારા પ્રમાણમાં દેશના ઉત્તરના પર્વતિય પ્રદેશોમાં હિમવર્ષા થવાથી તેની અસર ગુજરાત સહિતના રાજ્યોમાં અનુભવાઈ રહી છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે 12 ફેબ્રુઆરી સુધીમાં વહેલી સવારે અને રાતના ભાગોમાં તાપમાન ઘટશે. આ દરમિયાન ઉત્તર ગુજરાત અને કચ્છમાં ઠંડીનો ચમકારો અનુભવાશે. 15થી 16 ફેબ્રુઆરીના ફરી તાપમાન વધશે. ધીરે ધીરે 15 ફેબ્રુઆરીથી ગરમીની શરુઆત થઈ હોય તેવું લાગશે. 19થી 22 ફેબ્રુઆરીના વાદળછાયા વાતાવરણ વચ્ચે ગરમીનો અહેસાસ થશે. ઉનાળું પાકના વાવેતર માટે સાનુકુળ વાતાવરણ થતું જશે.

આ પણ વાંચો- ટ્રેઈની PSIએ રજા લેવા માટે રજૂ કરી ખોટી આમંત્રણ પત્રિકા; થયો સસ્પેન્ડ