ટ્રેઈની PSIએ રજા લેવા માટે રજૂ કરી ખોટી આમંત્રણ પત્રિકા; થયો સસ્પેન્ડ

ગાંધીનગર: કરાઈ પોલીસ એકેડમીમાં ટ્રેઈની PSIએ રજા લેવા માટે ખોટી આમંત્રણ પત્રિકા રજૂ કરતાં તેને સસ્પેન્ડ થવાનો વારો આવ્યો છે. આટલું જ નહીં, આ મામલે ડભોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, જાન્યુઆરી-2023થી બિનહથિયારધારી PSI તરીકે તાલીમ લઈ રહેલા મુન્નાભાઈ (ઉં.વ. 20, રહે. પાલનપુર) દ્વારા બે દિવસ માટે રજાનો રિપોર્ટ દાખલ કર્યો હતો. જેમાં 1-12-2023ન રોજ પોતાની સગાઈ હોવાથી ગામમાં ભોજન સમારંભ રાખ્યો હોવાનો ઉલ્લેખ કરતી આમંત્રણ પત્રિકા દર્શાવીને રજા માટે રજૂઆત કરવામાં આવી હતી. જેથી તેની રજા મંજૂર પણ કરી દેવામાં આવી હતી.

જો કે આ પત્રિકામાં સગાઈ વાળી યુવતીનું માત્ર નામ જ લખવામાં આવ્યું હતુ. જ્યારે તેના માતા-પિતા કે સરનામાનો ઉલ્લેખ નહીં હોવાથી ઉપરી અધિકારીને શંકા ગઈ હતી. જેથી ઈન્સ્પેક્ટર વાઘેલાને આ મામલે તપાસ સોંપવામાં આવી હતી.

જેથી તપાસ અધિકારીએ ટ્રેઈની PSIના ગામમાં જઈને તપાસ કરીને પાડોશીઓના નિવેદનો નોંધ્યા હતા. જેમાં મુન્નાભાઈના જૂઠ્ઠાણાની પોલ ખુલી પડી ગઈ હતી. આખરે પોલીસ તાલીમ એકેડમીના ઈન્સ્પેક્ટર વાઘેલાએ ટ્રેઈની PSI મુન્નાભાઈ વિરુદ્ધ ડભોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો-ગુજરાતના લાખો પરિવારોને મળશે ઘર’, આજે PM મોદી 1.31 લાખથી વધુ આવાસોનું કરશે ઈ-લોકાર્પણ