આજ-કાલ શું ચાલી રહ્યુ છે વિસનગરમાં? માત્રને માત્ર ડબ્બા ટ્રેડિંગ

વિસનગર: મહેસાણા જિલ્લાના વિસનગરમાં કાયદો અને વ્યવસ્થા પડી ભાગી છે. સામાન્ય લોકો જીવન જીવવા માટે અનેક પડકારોના સામાનો કરી રહ્યા છે તો બીજી ગુનેગારોને ખુલ્લે દૌર મળ્યો છે. દારૂ-જૂગારની જેમ ગેરકાયદે શેર માર્કેટનું (ડીએલ) કામ પણ સામાન્ય બની ગયુ છે. પોલીસની રહેમ નજર, તોડપાણી અને નિષ્ક્રિયતાના કારણે તેનો ફેલાવો આગથી પણ ઝડપી થઈ ગયો છે. ગુજરાત ટાઇમ્સ24એ પોતાના પ્રથમ રિપોર્ટમાં વિસનગરના બૂટલેગર અશોક અને વિક્રમ દ્વારા ચલાવવામાં આવતા ડબ્બા ટ્રેડિંગના કાળા કારોબાર વિશે ખુલાસો કર્યો હતો.

વિસનગરના કેટલાક યુવકો દેશભરની જનતાને લૂંટવાનું કામ કરી રહ્યા છે અને તેમને તંત્ર તરફથી સંપૂર્ણ સહયોગ પણ મળી રહ્યો તેવું સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યુ છે. પોલીસ તો જાણે તેમની પાર્ટનર હોય તેવો આભાસ થઇ રહ્યો છે. કેમ કે જે યુવકો વિસનગરમાં રહીને મોટા પાયે ડબ્બા ટ્રેડિંગનું રેકેટ ચલાવે છે તેમને છાવરામાં આવી રહ્યા છે. વિક્રમ-અશોકની પીઠબળને લઈને અનેક પ્રશ્ન ઉઠી રહ્યા છે. પોલીસ કેમ તેમને છાવરી રહી છે? શું પોલીસ લાચાર છે કે પૈસાની લાલચે આંખો બંધ કરી લીધી છે? કે પછી સત્તાધારી પાર્ટીનો કોઈ નેતા તેમને બચાવવા માટે મેદાનમાં ઉતરેલો છે? ખેર આ તમામ પ્રશ્નોના જવાબ અમે જ અમારી ઇન્વેસ્ટિગેશન પછી આગામી સમયમાં જનતા જર્નાદન સામે રજૂ કરીશું.

એક વાત તો ચોક્કસ છે કે આખા દેશની જનતાને શેર માર્કેટના નામે લૂંટવાનું ષડયંત્ર અને કામગીરી વિસનગરમાં બેસીને કરવામાં આવી રહી છે. આજ-કાલ વિસનગરમાં કોઈ સૌથી સારી રીતે કામ થતું હોય તો માત્રને માત્ર ડબ્બા ટ્રેડિંગનું કામ છે. તો બીજી તરફ તપાસ એજન્સીઓએ પોતાની આંખો બંધ કરીને રાખી છે. કેમ આંખો બંધ કરીને રાખી છે તેનો જવાબ પણ આપણે આગામી સમયમાં શોધવાની કોશિશ કરીશું અને તેને શોધીશું પણ ખરા…

ગુજરાત ટાઇમ્સ24ના રિપોર્ટ પછી પણ વિસનગરની પોલીસે વિક્રમ કે અશોક સામે કોઈ જ પગલા ભર્યા નથી. તેથી વિસનગર પોલીસની કામગીરીને લઈને કેટલાક પ્રશ્ન ઉઠી રહ્યા છે. કેમ વિસનગર પોલીસ અશોક અને વિક્રમને છાવરી રહી છે? શું વિસનગરની પોલીસ પૈસાની ચમક સામે પોતાની ફરજ ભૂલી બેઠી છે? શું વિસનગર પોલીસ પોતાની ઇમાનદારીને વેચીને વિક્રમ-અશોકને બચાવી રહી છે?

પોલીસની ઢીલી નીતિના કારણે જ અત્યાર સુધીમાં બેરોજગાર યુવકો ડીએલના ગેરકાયદેસર ધંધામાં જોડાઈ રહ્યા હતા. પરંતુ હવે તો વિક્રમ અને અશોક જેવા રિઢા ગુનેગારો દલાલ માર્કેટમાં ઝંપલાવીને મોટા પાયે દેશના લોકોને છેતરવાનું કામ શરૂ કર્યું છે, જે ખુબ જ ખતરનાક બની શકે છે. હવે આવા ગુનાહિત ઇતિહાસ ધરાવતા અને રાજકીય પીઠબળ ધરાવતા લોકો ખુલ્લેઆમ મોટા પાયે ડબ્બા ટ્રેડિંગ કરાવી રહ્યા હોય અને પોલીસ કોઈ જ એક્શન ન લે તો શું માનવું?

ખેર, ચલો આપણે માની લઇએ કે અત્યાર સુધી વિસનગર પોલીસને વિક્રમ અને અશોકના ડબ્બા ટ્રેડિંગના ધંધા વિશે ખ્યાલ નહતો પરંતુ સમાચાર પત્રમાં એક હજારથી પણ વધારે શબ્દોનો લેખ વાંચ્યા પછી પણ પોલીસના પેટનું પાણી ના હાલે તો શું સમજવું? તેવામાં પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે કે શું વિસનગર પોલીસ વિક્રમ અને અશોક પાસેથી હપ્તો લઈને તેનો દલાલનો ગેરકાયદે ધંધો ચલાવવા દઇ રહી છે?

આપણે આપણા પહેલા રિપોર્ટમાં ઉલ્લેખ કર્યો હતો કે, મહેસાણામાં બહારની પોલીસના આંટાફેરા વધી ગયા છે. એક અઠવાડિયા પહેલા જ પંજાબ પોલીસે વિસનગરમાં ધામા નાંખ્યા હતા અને એક લેડિસ કોલરને ઉઠાવી પણ ગઇ હતી. પરંતુ જણાવી દઇએ કે, વિક્રમ અને અશોક જેવા મોટા માથાઓને કોઈ જ આંચ આવતી નથી. આ રિઢા ગુનેગારો પર કોની મહેરબાની છે?

જ્યારે લોકલ પોલીસ પોતાની ફરજ યોગ્ય રીતે નિભાવે નહીં તો પછી હવે દેશની જનતાને ડિજિટલ ડાકૂ એવા વિક્રમ અને અશોકથી કોણ બચાવશે? વિસનગર વિધાનસભાની સીટ પરથી મોટા માર્જિન સાથે જીતેલા ભાજપના ઋષિકેશ પટેલે મેદાનમાં ઉતરવું પડશે. કેમ કે તેમના મતવિસ્તારમાંથી ખુબ જ ભયંકર દૂષણ ઉભું થયું છે અને તેનો અંત લાવવો તેમની ફરજ છે. તેમના વિસ્તારમાં પ્રતિદિવસ વિકરી રહેલા દલાલ સ્ટોકના ગેરકાયદેસર ધંધાને ડામીને દેશની જનતાને તેનાથી છૂટકારો અપાવવો પડશે.

સ્વભાવિક છે કે, પોતાના મતવિસ્તારની સમસ્યાઓ અને મુશ્કેલીઓ વિશે પ્રતિનિધિને ખ્યાલ હોવો જોઈએ. તેની સાથે-સાથે તેમના વિસ્તારમાં થતાં ક્રાઈમ ઉપર પણ તેમની નજર હોવી જરૂરી છે. કેમ કે અહીં તો દલાલ સ્ટ્રોકના નામે કંઇક અલગ જ પ્રકારના ખેલ થઇ રહ્યા છે અને તેને લઈને અવાર-નવાર પોલીસ કેસ પણ નોંધી રહી છે. રાજ્ય બહારથી પોલીસ પણ આવી રહી છે, તેવામાં ધારાસભ્ય ઋષિકેસ પટેલના ધ્યાનમાં પણ દલાલ સ્ટોક થકી ગેરકાયદેસર રીતે કરવામાં આવતી કમાણી વિશે ખ્યાલ તો હશે જ એવું આપણે માની લઇએ તો પણ કંઇ ખોટું ગણાશે નહીં. કેમ કે તેઓ એક્ટિવ નેતા છે. પરંતુ હવે તેમણે તેમના મતવિસ્તારમાંથી માંથુ ઉચકી રહેલા ક્રાઇમને લઈને ગંભીરતાથી વિચાર-વિમર્શ કરવો પડશે.

ઋષિકેશ પટેલને જ પોલીસ સહિતની તમામ તપાસ એજન્સીઓને સક્રિય કરવી પડશે તો જ વિક્રમ-અશોક સહિતના ઢગલાબંધ ગુનેગારોને આરોપી તરીકે સાબિત કરીને જેલના સળીયા પાછળ ધકેલી શકાશે. જો એવું થશે નહીં તો આગામી સમયમાં અનેક વિક્રમ અને અશોક જન્મ લઈ લેશે, જેમણે રોકવા લગભગ અશક્ય બની પડશે. ઋષિકેશ પટેલે એક વખત ફરીથી સક્રિય રીતે કામગીરી કરવી પડશે, જેમ તેમણે પીન્ટુ ભાવસારના તપતા સૂર્યનો અંત આણવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

અશોક અને વિક્રમ જેવા ગુનેગારોની ઈડી અને આઇટીને પણ જાણકારી પુરી પાડીને તેમના દ્વારા બનાવવામાં આવેલી સંપત્તિને ટાંચમાં લઇને તેમનું ચેપ્ટર પુરૂ કરવું જોઈએ. કેમ કે અત્યાર સુધી તેમને પોતાની તમામ પ્રોપર્ટી માત્રને માત્ર ગેરકાયદેસર ધંધાઓ દ્વારા જ બનાવી હોવાની વિશ્વસનિય સુત્ર પાસેથી માહિતી મળી રહી છે. આ બંને ભાઈઓ પાસે સ્કોર્પિયો, થાર, ફોર્ચ્યુનર જેવી મોંઘીદાટ ગાડીઓનો એક મોટો જથ્થો છે. તે ઉપરાંત કરોડો રૂપિયાનું સોનું ખરીદી રાખ્યુ હોવાની માહિતી સામે આવી રહી છે. તે ઉપરાંત મોટા પ્રમાણમાં જમીન પણ ખરીદી રાખી છે.

એક કરોડ રૂપિયાથી વધુની ગાડી કરાવી બૂક; શુભેચ્છાઓનો વરસાદ

આગામી થોડા જ દિવસોમાં વિક્રમ-અશોક મોંઘીદાટ ગાડી ડિફેન્ટરમાં ચાલતા જોવા મળી શકે છે. લેન્ડ રોવર કંપનીની ડિફેન્ડર ગાડીની કિંમત એક કરોડથી શરૂ થઇને 2.30 કરોડ રૂપિયા સુધી જાય છે. વિક્રમ-અશોકે ડિફેન્ડર ગાડી બૂક કરાવી લીધી અને તેના માટે તેના મળતીયાઓ સોશિયલ મીડિયા પર શુભેચ્છાનો વરસાદ કરી રહ્યા છે. સ્વભાવિક છે કે, આટલી મોંઘી ગાડી તો આપણા રાજનેતાઓ પણ ખરીદતા પહેલા બે વખત વિચાર કરે છે. પરંતુ જેમના પાસે દલાલ સ્ટ્રોકના નામે દેશની જનતાને લૂંટવાનું લાયસન્સ આવી ગયું હોય તે તો કંઇપણ ખરીદી શકે છે.

દસથી વધારે ગાડીઓનો કાફલો

વિક્રમ અને અશોક પાસે દસથી વધારે ગાડીઓનો કાફલો છે. તેમની બધી જ ગાડીઓના નંબર 0124 સિરીઝના છે. પરંતુ તેઓ  પોતાની ગાડીઓની નંબર પ્લેટ  લગાવતા નથી. કાળા કાચ અને નંબર પ્લેટ વગરની ગાડીઓ લઈને કોઈ જ ડર વગર ફરી રહ્યા છે. કેમ કે પોલીસ તો તેમની મિત્ર છે. તેથી તેમને કોઈ જ ડર નથી.

દેશની જનતાએ બીજેપીને ચૂંટીને કેન્દ્રમાં બેસાડી છે પરંતુ બીજી તરફ તેમના જ ગઢમાંથી દેશભરની જનતાને દલાલ સ્ટ્રોકના નામે લૂંટવામાં આવી રહી છે. તેથી પણ ગંભીર બાબત તે છે કે, બીજેપીના પ્રતિનિધિત્વ કરી રહેલા ઋષિકેશ પટેલ પણ વિક્રમ-અશોક જેવા ડિજિટલ ડાકૂઓથી અજાણ છે. ગોલ્ડ, લક્ઝુરિયસ ગાડીઓ, ફૂલસ્પીડમાં ગાડી ચલાવવા સહિત કાશ્મીર જેવા વિસ્તારના ફરવાના શોખીન વિક્રમ-અશોક ક્યારેય એકલા હોતા નથી. તેઓ પોતાના સાથે તેમના મિત્ર સમાન સાગરિતોને સાથે જ લઈને ફરે છે.

મલેકપુરમાં આવીને ખેરાલુ પોલીસ લઈ ગઈ લાખો રૂપિયા

ઉલ્લેખનિય છે કે, અત્યાર સુધી વિસનગરનો કિંગ પીન્ટુ ભાવસાર મનાતો હતો પરંતુ હવે એકસાથે બે કિંગ બની ગયા છે. મહેસાણાના ત્રણ તાલુકાઓમાં દલાલ સ્ટ્રોકના નામે મોટા-મોટા ખેલ પાડવામાં આવી રહ્યા છે. વિસનગર, વડનગર અને ખેરાલુના ગામે-ગામમાં ડીએલનું ભૂત ધૂંણવા લાગ્યુ છે. એક વિશ્વસનિય સુત્ર પાસેથી મળતી જાણકારી અનુસાર, ખેરાલુ પોલીસના કેટલાક કોન્સ્ટેબલોએ મલેકપુર ગામમાં દલાલ સ્ટ્રોકનું કામ કરતાં યુવકોની અટકાયત કરી હતી. પરંતુ તોડપાણી કરીને છોકરાઓને છોડી મૂક્યા હતા.

હવે વિચાર કરો કે, ગુનેગારો પાસેથી પોલીસે લીધેલા લાખો રૂપિયા તેઓ કવર કરવા માટે ફરીથી દલાલનું કામ કરશે કે નહીં? આમ પોલીસ જ દલાલ સ્ટ્રોક ચાલું રહે તેવા પ્રકારની જ કાર્યવાહી કરી રહી છે. આ તો માત્ર એક ઉદાહરણ રૂપ કિસ્સો વાંચકોને સમજાવવા માટે ઘટનાનો ઉલ્લેખ કરવો પડ્યો છે. વિક્રમ-અશોકે પોતાના એક કેસમાં નામ દબાવવા માટે વડોદરા પોલીસને કરોડો રૂપિયા આપ્યાની માહિતી છે. ઉલ્લેખનિય છે કે, હજું પણ આ વિસ્તારના 15થી વધારે યુવકો વડોદરાની જેલમાં બંધ છે. આ ત્રણ તાલુકાઓમાં આવા તો અનેક કિસ્સાઓ બનતા જ રહે છે. પોલીસના તોડપાણીના વલણના કારણે ગુનેગારોની હિંમત વધી રહી છે.

પૈસા લઈને છોડી મૂકવાની નીતિના કારણે અશોક-વિક્રમ જેવા ગુનેગારો દલાલ સ્ટ્રોકના ગેરકાયદેસર ધંધાને એક નવી ઉંચાઇ પર લઇ જવામાં સફળ થઇ ગયા છે. પહેલાથી મોંઘવારી સહિતની અનેક સમસ્યાઓનો સામનો કરી રહેલા દેશના વ્યક્તિને લૂંટવા માટે વિક્રમ-અશોકે એક સેના ઉભી કરી નાંખી છે. આ સેના સવારે દસથી સાંજના ચાર વાગ્યા સુધી ડબ્બામાં ઉતારવા માટે સક્રિય રહે છે. જ્યારે વિક્રમ-અશોક અંગ્રેજી દારૂના વેપલા સાથે જોડાયેલા હતા, ત્યાર સુધી તેઓ સ્કોર્પિયો સુધી સીમિત હતા પરંતુ તેઓ દલાલ સ્ટ્રોકમાં એન્ટ્રી કરતાની સાથે જ ફોર્ચ્યુનર-ડિફેન્ડર સુધી પહોંચી ગયા છે.

પહેલાના જમાનામાં ડાકૂઓ બંદૂક બતાવીને સામી છાતીએ લૂંટી લેતા હતા. પરંતુ હવે 21મી સદીમાં વિક્રમ-અશોક જેવા દયાહિન ડિજિટલ ડાકૂઓનો જન્મ થઈ ચૂક્યો છે. તેઓ કોઈ જ દયા કર્યા વગર દેશભરના મધ્યમ-અમીર તમામ વર્ગના લોકોને લૂંટી રહ્યા છે તો બીજી તરફ જાહેર જીવનમાં પોતે દેશભક્ત હોવાનું ડોળ કરવા માટે હિન્દુસ્તાન જીંદાબાદના નારાઓ પણ લગાવી રહ્યા છે. તો પોતાને પોતાના સમાજના પ્રમુખ બનાવીને જનતામાં પોતાનો એક અલગ છાપ ઉભી કરવાની કોશિશ કરી રહ્યા છે. સમાજ પાછળ છૂપવાનો ખેલ ખુબ જ જૂનો છે અને વર્તમાન સમયમાં વિક્રમ-અશોક જેવા તેનો ઉપયોગ કરી રહ્યા છે.

આવા ડાકૂઓને કોણ ડામશે તે યક્ષ પ્રશ્ન છે? પોલીસ કે રાજનેતા? જનતાએ જેમણે ચૂંટીને સત્તા સૌંપી છે તેઓ તેમના વિશે ક્યારે પગલા ભરવાનું શરૂ કરશે તે જોવાનું રહેશે? આ અંગે આગામી રિપોર્ટમાં પોલીસ અને રાજનેતાઓનું નિવેદન પણ ટાંકવામાં આવશે. તો વિક્રમ અને અશોકની ડિજિટલ ડાકૂઓની સેના વિશે ખુલાસાઓ કરવામાં આવશે. આ ટીમમાં કેટલા લોકો જોડાયેલા છે અને કેવી રીતે તમામ પ્રકારના ખેલ પાડવામાં આવે છે તે અંગેની જાણકારી પ્રકાશિત કરવામાં આવશે.

આ પણ વાંચો-વિસનગરના બૂટલેગર અશોક-વિક્રમ બન્યા ડબ્બા ટ્રેડિંગના કિંગ; પીન્ટુ ભાવસારને પણ છોડ્યો પાછળ