ખેડૂતોની રેલ રોકો આંદોલનની જાહેરાત; દિલ્હી કૂચ બાદ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ

ખેડૂત આંદોલન : ટેકાના ભાવ માટે કાયદો ઘડવા સહિતના મુદ્દે આંદોલન કરી રહેલા ખેડૂતો અને પોલીસ વચ્ચે ભારે ઘર્ષણ જોવા મળી રહ્યું છે. ખેડૂતોની 13 ફેબ્રુઆરીએ દિલ્હી કૂચ કરાવની યોજનાની સાથે-સાથે ખેડૂત સંગઠનોએ  નવી રણનીતિ અપનાવી છે.  15 ફેબ્રુઆરીથી 12.00થી 4.00 વાગ્યા સુધી પંજાબમાં ‘રેલ રોકો’ની જાહેરાત કરી છે.

ગઈકાલથી શરૂ થયેલા આંદોલનમાં એક તરફ ખેડૂતો શંભુ બોર્ડર પરથી દિલ્હી તરફ જવાનો પ્રયાસ કરી રહ્યા છે, તો બીજીતરફ પોલીસ (Police) પણ તેમને અટકાવવા તમામ પ્રયાસો કરી રહી છે. ખેડૂતોએ ગઈકાલથી દિલ્હી કૂચની શરૂઆત કર્યા બાદ ભારેલા અગ્નિજેવી સ્થિતિ સર્જાઈ છે. પોલીસે તેમને અટકાવવા ટીયર ગેસના સેલ, લાઠીચાર્જ, રબર બૂલેટનો ઉપયોગ કરતી જોવા મળી રહી છે, તો સામે પક્ષે પણ ટ્રેક્ટરથી ભારેભરખમ બેરિકેટ્સ ઉખાડવા, આગ લગાવવી, પથ્થરમારો કરવો જેવી ઘટનાઓને અંજામ આપવામાં આવી રહ્યો છે. દરમિયાન આ ઘટનાઓમાં ઘણા પોલીસ કર્મચારીઓ અને ખેડૂતો ઈજાગ્રસ્ત થયા છે.

ખેડૂતો પંજાબમાં રેલવે ટ્રેક જામ કરશે

સંયુક્ત કિસાન મોર્ચા (બિન-રાજકીય) અને કિસાન મજદૂર મોરચાએ પાક માટે લઘુત્તમ ટેકાના ભાવ, લોન માફી પર કાયદો બનાવવા સહિતની માંગને લઈ કેન્દ્ર સરકાર પર દબાણ લાવવા ‘દિલ્હી ચાલો’ આંદોલનની જાહેરાત કરી હતી, જેનો આજે બીજો દિવસ છે. ત્યારે ખેડૂત સંગઠનોએ દિલ્હી કૂચમાં નિષ્ફળ ગયા બાદ રેલવે ટ્રેક જામ કરવાની તૈયારી કરી લીધી છે. ખેડૂતોએ 15 ફેબ્રુઆરીએ પંજાબમાં રેલવે ટ્રેક જામ કરવાની જાહેરાત કરી છે.

ખેડૂત સંગઠનની બેઠકમાં ‘રેલ રોકો’ની જાહેરાત

જાલંધરમાં પંજાબના સૌથી મોટા ખેડૂત સંગઠન ભારતીય કિસાન યુનિયન ઉગ્રહાની બેઠક યોજાઈ હતી. બેઠકની માહિતી આપતા જોગિંદર સિંહ ઉગ્રહાએ કહ્યું કે, સંગઠનેએ ‘રેલ રોકો’નો નિર્ણય લીધો છે. ગુરુવારે 15 ફેબ્રુઆરીએ પંજાબમાં બપોરે 12.00 વાગ્યાથી 4.00 વાગ્યા સુધી રેલવે ટ્રેક જામ કરવાની જાહેરાત કરી છે. એવું કહેવાય છે કે પંજાબના 7 સ્થળોએ રેલવે ટ્રેક જામ કરવામાં આવશે.

ખેડૂતો કેન્દ્ર સાથે વાતચીત કરવા તૈયાર, સરકાર માંગણીઓનો નિવેડો લાવવા તૈયાર
બીજી તરફ નેતા જગદીજ સિંહ ડલ્લેવાલે બુધવારે કહ્યું કે, તેઓ લઘુત્તમ ટેકાના ભાવની કાયદાકીય ગેરંટી સહિતની માંગણી મામલે કેન્દ્ર સાથે વાતચીત કરવા તૈયાર છે. તેમણે મીડિયાને ટાંકીને કહ્યું હતું કે, કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું છે કે, કેન્દ્ર સરકાર વાતચીત કરવા તૈયાર છે અને ખેડૂતોની માંગણીઓનો નિવેડો લાવવા પણ તૈયાર છે.

ખેડૂતો પોતાની માગણીઓ પર અડગ

 • ખેડૂતોની સૌથી મહત્ત્વની માંગ લઘુત્તમ ટેકાના ભાવ (MSP) માટે કાયદો બનાવવાની છે.
 • ખેડૂતો અને મજૂરો માટે સંપૂર્ણ લોન માફી યોજના લાગુ કરવી જોઈએ.
 • દેશમાં જમીન સંપાદન અધિનિયમ 2013નો ફરીથી અમલ કરો, ખેડૂતોની લેખિત સંમતિ અને કલેક્ટર રેટ કરતાં ચાર ગણા વળતરની ખાતરી આપો.
 • લખીમપુર ખીરી હિંસાના પીડિતો માટે ખેડૂતો ન્યાયની માગ કરી રહ્યા છે
 • ભારતને વિશ્વ વ્યાપાર સંગઠન (WTO)માંથી બહાર લઈ જવું જોઈએ.
 • કૃષિ ચીજવસ્તુઓ, દૂધની બનાવટો, ફળો, શાકભાજી અને માંસ પરની આયાત જકાત ઘટાડવા માટે ભથ્થું વધારવું જોઈએ.
 • 58 વર્ષથી વધુ ઉંમરના ખેડૂતો અને ખેતમજૂરો માટે પેન્શન યોજના લાગુ કરીને દર મહિને રૂ. 10,000નું પેન્શન આપવું જોઈએ.
 • પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનામાં સુધારો કરવા માટે સરકાર દ્વારા જ વીમા પ્રિમિયમની ચૂકવણી કરવી,
 • તમામ પાકોને યોજનાનો ભાગ બનાવવો અને નુકસાનનું મૂલ્યાંકન કરતી વખતે ખેતરના એકરને એક કમ તરીકે ધ્યાનમાં લઈને નુકસાનનું મૂલ્યાંકન કરવું.
 • જમીન સંપાદન અધિનિયમ, 2013 એ જ રીતે અમલમાં મૂકવો જોઈએ અને કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યોને જમીન સંપાદન અંગે આપવામાં આવેલી સૂચનાઓ રદ કરવી જોઈએ.
 • જંતુનાશકો, બિયારણ અને ખાતર કાયદામાં સુધારો કરીને કપાસ સહિતના તમામ પાકોના બિયારણની ગુણવત્તામાં સુધારો કરવો જોઈએ.

હર્ષ સંઘવી સાઇબર ક્રાઇમને ડામે તે પહેલા ડબ્બા ટ્રેડિંગે ધારણ કર્યું રાક્ષસી સ્વરૂપ