UAEના પ્રથમ હિન્દૂ મંદિરની થઇ પ્રાણ પ્રતિષ્ઠા, PM મોદીના હસ્તે થશે લોકાર્પણ

નવી દિલ્હી: સંયુક્ત અરબ અમીરાત (UAE)ના પ્રથમ હિન્દૂ મંદિરની BAPSના સંતોએ પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી. અબુધાબીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા BAPS હિન્દૂ મંદિરનું ઉદ્દઘાટન કરવામાં આવશે. અબુધાબીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બીએપીએસ હિન્દૂ મંદિરના ઉદ્દઘાટન પહેલા પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.

UAEમાં હિન્દુ મંદિર માટે મુસ્લિમ દેશે જમીન આપી

વર્તમાન સમયમાં મુસ્લિમ દેશો પોતાની કટ્ટરતા છોડી રહ્યા છે, તેનું જીવતું જાગતું ઉદાહરણ અત્યારે જોવા મળી રહ્યું છે. કેમ કે મુસ્લિમ દેશ સર્વધર્મ સમભાવની ભાવના તરફ વળી રહ્યા છે પરંતુ બીજી તરફ ભારતીય રાજકારણના કારણે વર્તમાન સમયમાં ભારતના યુવાઓને કટ્ટરતા તરફ દોરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને હિન્દુ ધર્મના યુવકો તેનો ભોગ બની રહ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વસંત પંચમીના દિવસે અબુધાબીમાં બોચાસણવાસી શ્રી અક્ષર પુરૂષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા (BAPS)ના મંદિરનું ઉદઘાટન કરનારા છે. તેઓ મંગળવારે જ અબુધાબી પહોંચી ગયા છે. આ ભવ્ય મંદિરનું નિર્માણ રાજસ્થાનના ગુલાબી સેન્ડસ્ટોનમાંથી કરવામાં આવ્યું છે અને 27 એકરમાં બનેલું આ 108 ફૂટ ઊંચું મંદિર એક સ્થાપત્યની અજાયબી માનવામાં આવે છે.

આ મંદિર પશ્ચિમ એશિયાનું સૌથી મોટું મંદિર

અરબ અમીરાતમાં બીજાં 3 મંદિરો પણ છે પરંતુ આ મંદિર પશ્ચિમ એશિયાનું સૌથી મોટું મંદિર છે. આ મંદિર દુનિયાભરના હિન્દુઓ માટે આકર્ષણ કેન્દ્ર બની રહેશે. આ ભવ્ય મંદિરમાં 7 શિખરો છે જે સાત અમીરાત દર્શાવે છે. ઉલ્લેખનીય તો તે છે કે આ મંદિર માટે એક ઈસ્લામીક દેશ યુએઈએ જમીન દાનમાં આપી છે. આ મંદિર ભારતીય વાસ્તુકલાનો અદ્ભૂત નમૂનો છે.

વડાપ્રધાન મોદી વિશ્વ નેતાઓની સભાને સંબોધિત કરશે

વડાપ્રધાન મોદી આજે દુબઈમાં વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટમાં વિશ્વ નેતાઓની સભાને સંબોધિત કરશે. પોતાના પ્રવાસના પહેલા દિવસે પીએમ મોદીએ UAEના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી હતી. અબુધાબી બાદ વડાપ્રધાન મોદી કતાર જવા રવાના થશે. કતારમાં તેઓ મહામહિમ શેખ તમીમ બિન હમાદ અલ થાનીને મળવાની અપેક્ષા છે. આ ઉપરાંત વડાપ્રધાન કતારમાં અન્ય કેટલાક ઉચ્ચ મહાનુભાવોને પણ મળે તેવી શક્યતા છે.

આ પણ વાંચો-ભાજપે રાજ્યસભાના ઉમેદવારોની નવી યાદી જાહેર કરી